World

હવામાં જ ફ્લાઇટનું એન્જિન ખરાબ થતાં 100 મુસાફરોના શ્વાસ અધ્ધર, જાણો કેવી રીતે કર્યું લેન્ડિંગ

નવી દિલ્હી: ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ (Flight Emergency Landing) તેમજ દુર્ઘટનાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે હવે ફરી એકવાર હવામાં જ વિમાનનું એન્જિન ખરાબ (Engine Failure) થઈ જતાં ફ્લાઇટમાં સવાર યાત્રીઓના જીવ અધ્ધર થઈ ગયા. ઈંગ્લેન્ડથી (England) ઑસ્ટ્રેલિયા (Australia) જતી ફ્લાઈટમાં સવાર 100 મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા જ્યારે તેમને ખબર પડી કે તેમના એરક્રાફ્ટનું એન્જિન અધવચ્ચે જ ખરાબ થઈ ગયું છે. આ ફ્લાઈટ ઓસ્ટ્રેલિયાના સિડની એરપોર્ટ (Sydney airport) પર લેન્ડ થવાની હતી. આ અચાનક ઇમરજન્સી બાદ એરપોર્ટ પર એલર્ટ મેસેજ મોકલવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સની સાથે તમામ ઈમરજન્સી સર્વિસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. જોકે અંતે ફ્લાઈટને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી.

આ ફ્લાઈટ ક્વાન્ટાસ એરલાઈન્સની હતી, જેનો નંબર QF144 હતો. ક્વાન્ટાસ એરલાઈન્સની ફ્લાઈટ બુધવારે બપોરે લગભગ 3.30 વાગ્યે (ઓસ્ટ્રેલિયન સમય મુજબ) સિડની એરપોર્ટ પર ઉતરી હતી. એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફ્લાઈટ સિડની એરપોર્ટ પર પહોંચે તેના 1 કલાક પહેલા પાઈલટને એન્જિનમાં તકલીફ થઈ હતી. પ્લેન લેન્ડ થાય તે પહેલા જ એરપોર્ટ પર ઇમરજન્સી કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. સાવચેતીના ભાગરૂપે ફાયર બ્રિગેડ, પોલીસ અને એમ્બ્યુલન્સના કર્મચારીઓ પણ હાજર હતા.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં નેપાળની યતિ એરલાઈન્સનું એક વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. જેમાં 68 મુસાફરો સહિત 72 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ATR-72 વિમાને કાઠમંડુથી પોખરા માટે ઉડાન ભરી હતી. તેમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર હતા. પ્લેન પોખરા નજીક પહોંચ્યું હતું કે સવારે 11.10 વાગ્યે લેન્ડિંગની માત્ર 10 સેકન્ડ પહેલાં જ ક્રેશ થઈ ગયું. મળતી માહિતી અનુસાર આ અકસ્માત પોખરાના જૂના ડોમેસ્ટિક એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે થયો હતો. આ દુર્ઘટનામાં 70થી વધુ લોકોએ જીવ ગૂમાવ્યો છે. ચાર દિવસ પહેલા બનેલી દુર્ઘટના સ્થળે હાલ પણ મૃતદેહની તપાસ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે દુર્ઘટનાનો ભોગ બનેલું પ્લેન 15 વર્ષ પહેલા 2007માં દારૂના ધંધાર્થી વિજય માલ્યાની માલિકીની કિંગફિશર એરલાઈન્સે ખરીદ્યું હતું. માલ્યાની એરલાઈન્સ કંપની હવે બંધ થઈ ગઈ છે. હાલમાં નેપાળમાં માત્ર બુદ્ધ એર અને યેતી એરલાઈન્સ જ ATR-72 એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે. નેપાળ સરકારે અકસ્માતની તપાસ માટે 5 સભ્યોની સમિતિની રચના કરી છે. તપાસ સમિતિનું નેતૃત્વ નેપાળના ભૂતપૂર્વ ઉડ્ડયન સચિવ નાગેન્દ્ર ઘિમીરે કરી રહ્યા છે. અકસ્માતની તપાસ માટે પેનલને 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ પછી તેઓએ પોતાનો રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.

Most Popular

To Top