પૂર્વ ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથવેલ્સ પ્રાંતમાં દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે ભારે પૂર આવ્યા છે અને તેમાં પણ અહીંના સિડની શહેરની હાલત તો ખૂબ બગડી ગઇ છે જ્યાં ગઇરાત્રે જ હજારો લોકોને તેમના ઘરો છોડીને સલામત સ્થળે ખસી જવાની ફરજ પડી હતી.
સિડની શહેરના પશ્ચિમ વિસ્તારની હાલત ખૂબ ખરાબ છે. ત્યાં હોક્સબરી, નેપિઅન અને કોલો નદીઓમાં ભારે પૂર આવવાને કારણે મોટી પૂર ચેતવણીઓ જારી કરવામાં આવી હતી. મધ્ય ઉત્તર કાંઠે અને પશ્ચિમ સિડનીમાં લગભગ ૨૦ જેટલા સ્થળાંતરના આદેશો જારી કરવામાં આવ્યા હતા અને રવિવારે રાત્રે જ હજારો લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.
ન્યૂ સાઉથ વેલ્સના મુખ્યમંત્રી ગ્લેડિસ બેરેજીકલીઆને જણાવ્યું હતું કે આખા રાજ્યમાં ૧૮૦૦૦ લોકોને સલામત સ્થળે ખસી જવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. પૂર્વ કાંઠે વરસાદ હજી પણ ચાલુ જ છે અને જળસપાટી હજી વધી રહી છે અને એવો ભય છે કે તે ૧૯૬૧ના વિનાશક પૂર વખતે હતી તેના કરતા પણ વધી જશે. કેટલાક સ્થળે તો પાણીનો પ્રવાહ એટલો ભારે હતો કે આખે આખા ઘર જ ખેંચાઇ ગયા હતા.
આજે ન્યૂ સાઉથ વેલ્સમાં ૨૦૦ કરતા વધુ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી અને કર્મચારીઓને કચેરીએ નહીં આવવા અને ઘરેથી જ કામ કરવાનું જણાવવામાં આવ્યું હતું. હજી જાનહાનિના કોઇ અહેવાલ મળ્યા નથી.