બાળમિત્રો, દર વર્ષે આપણે સ્કૂલમાં ૧૫ ઓગસ્ટનો રાષ્ટ્રીય તહેવાર ઉજવીએ છીએ તો સરકાર દ્વારા પણ ધ્વજવંદન જેવા રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાય છે. ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની થોડી વિશેષ વિગતો જાણીએ. ૧૯૪૭ માં ૧૫ ઓગસ્ટના દિવસે ભારતને આઝાદી મળી તેના આનંદના અવસરને આપણા જ રાષ્ટ્રપિતા ગાંધીજી માણી નહોતા શકયા કારણ હિન્દુ – મુસ્લિમની સાંપ્રદાયિક હિંસા સામે પ.બંગાળના નોઆખલી ખાતે ઉપવાસ પર બેઠા હતા. જાપાને શરણાગતિ ૧૯૪૫ના ૧૫ ઓગસ્ટે સ્વીકારેલ તેથી તેની બીજી વર્ષગાંઠે અંગ્રેજોએ ૧૫મી ઓગસ્ટ, ‘૪૭માં ભારતને સ્વતંત્રતા આપવાનું નકકી કરેલ. ૧૪મી ઓગસ્ટે મધ્યરાત્રીએ પ્રથમ વડાપ્રધાન તેનું ઐતિહાસિક ભાષણ ‘ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની’ રાષ્ટ્રપતિ ભવન ખાતે આપેલું અને તે પણ ગાંધીજી સાંભળી નહીં શકેલા કારણ કે રાત્રે નવ વાગે તેઓ સૂવા માટે ચાલ્યા ગયેલા.
દર ૧૫મી ઓગસ્ટે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવાય છે પણ લોકસભા સચિવાલયના શોધપત્ર અનુસાર ૧૯૪૭ ના ૧૫મી ઓગસ્ટને બદલે ૧૬મી ઓગસ્ટે લાલ કિલ્લા પર પ્રથમ વાર રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં આવ્યો હતો. ભારત – પાકિસ્તાનની સીમારેખા ૧૫ ઓગસ્ટ – ૧૯૪૭ ના રોજ કોઇ રાષ્ટ્રગીતને માન્યતા નહોતી મળી પણ રવીન્દ્રનાથ ટાગોરના ૧૯૧૧ માં રચાયેલ જન-ગણ-મનને છેક ૧૯૫૦ માં રાષ્ટ્રગીત તરીકે માન્યતા મળી હતી. ૧૫ ઓગસ્ટ-૧૯૫૦ માં જ એક દુ:ખદ ઘટના બની હતી કે આસામમાં ભારે ધરતીકંપ આવ્યો હતો અને બે થી ત્રણ હજાર નાગરિકોના મૃત્યુ થયા હતા. ૧૯૪૭ નો એ કપરો કાળ હતો. ભારત-પાક. વિભાજન દરમ્યાન ભારે હિંસા ભડકી હતી જેમાં દસ લાખથી વધુ હિન્દુ – મુસ્લિમોનાં મોત થયાં હતાં. ૧૫ ઓગસ્ટના રોજ સ્વતંત્ર ભારતના આ ઐતિહાસિક અવસરને ‘ગુજરાતમિત્ર’ સહિત દેશ-વિદેશનાં અખબારોએ પ્રથમ પાને ચમકાવ્યા હતા.