SURAT

‘મારા પર રૂપાલાનો હાથ છે, હું કોઈના બાપથી બીતો નથી’: સુરતમાં ભાજપવાળાની નોંકઝોંકનો ઓડિયો વાઈરલ

સુરત : એક કહેવત છે કે, ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’, આવો જ ઘાટ શહેર ભાજપના કાર્યકરો અને નેતાઓનો થઇ રહ્યો છે. કેમ કે શનિવારે યોજાયેલા ભાજપના કાર્યકર સંમેલનમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે તમામ કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રજા સાથે સુમેળ અને શાંતિથી વાત કરવા તેમજ દરેક ફોન જાતે ઉંચકી ફોન કરનારને સંતોષ થાય તે રીતે રીસ્પોન્સ આપવા, શાંતિથી વાત કરવા માટે સલાહ આપી હતી.

પરંતુ રવિવારે એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. જેમાં કથિત રીતે ઉધના વિસ્તારના પુર્વ કોર્પોરટર અને હાલના મહિલા કોર્પોરેટરના પતિ તેમજ એક વોર્ડના ઉપપ્રમુખ, ભાજપના જ નોંધાયેલા કાર્યકર સાથે તુમાખીથી વાત કરી રહ્યાં હોય તેવી પ્રતિતિ થઇ રહી છે. વળી વાત ગેરકાયદે બાંધકામ બાબતે હોવાથી વિવાદ વકરવાની શકયતા છે.

વિસ્તૃત વિગતો મુજબ ઉધના ઝોનમાં એક ગેરકાયદે બાંધકામની ફરિયાદ અંગે વાત કરવા ભાજપના જ એક નોંધાયેલાં કાર્યકર, પૂર્વ કોર્પોરેટર અને હાલના મહિલા કોર્પોરેટરના પતિ સુરેશ કણસાગરા પાસે ગયા હતાં. તે સમયે થયેલી વાતચીતનો ઓડિયો વાઈરલ થયો છે, આ ઓડિયોમાં રજૂઆત કરનાર પોતાની ઓળખાણ સુરેશ મોર્ય તરીકે આપે છે અને કહે છે, મને અહીં વાત કરવા માટે છોટુભાઈ પાટીલ અને ગણેશભાઈએ મોકલ્યો છે.

તેઓએ મને સુરેશભાઈને મળવા કહ્યું છે. દરમિયાન કણસાગરાનો કથિત અવાજ આવે છે અને તેઓ કહે છે, તમે સીધો મારી પર આરોપ મુકો છો? મેં અરજી કરી છે, હું કોઈના બાપથી બીતો નથી સમજી લેજો. હું સૌરાષ્ટ્રનો વતની છું, મારા પર પણ રૂપાલા સાહેબના હાથ છે, એટલે મનમાં ફાંકો હોય તો કાઢી નાંખજો. તમારે જ્યાં મારી અરજી કરવી હોય ત્યાં છૂટ છે. બાકી મળવા આવ્યા હોય તો પ્રેમથી વાત કરજો.

ત્યારબાદ સુરેશભાઈની ઓફિસમાં બેઠેલા અન્ય કાર્યકર ઝઘડો કરે છે તેવું પણ રેકોર્ડિંગ વાયરલ થયું છે. આ અંગે સુરેશભાઇ કણસાગરાએ જણાવ્યું હતું કે, આ કાર્યકરને એવી શંકા હતી કે તેના બાંધકામના વિરૂદ્ધમાં મેં અરજી કરી છે. જે અરજી બાબતે તેઓ મારી પાસે આવ્યા હતા અને સીધો જ આક્ષેપ કર્યો હતો તેના કારણે નોંકઝોંક થઇ ગઇ હતી.

Most Popular

To Top