સુરત: (Surat) સુરત માટે મહત્ત્વનો એવો ડ્રીમ સિટી પ્રોજેક્ટ ઝડપભેર આગળ વધી રહ્યો છે. ત્યારે ડ્રીમ સિટીની (Dream City) જમીનોનું ઓક્સન કરીને ભંડોળ ઊભું કરવા રાજ્ય સરકારે અનુમતિ આપી દીધી છે. તેથી મંગળવારે ગાંધીનગર ખાતે યોજાયેલી મીટિંગમાં ડ્રીમ સિટીના ત્રણ પ્લોટ (Plot) જેનું ક્ષેત્રફળ કુલ 1,24,793 ચોરસ મીટર જેટલું થાય છે તેને હરાજીથી વેચવાનું નક્કી કરાયું છે. તેમજ ત્રણેય હેતુ માટે પ્રતિ મીટર 73000નો ભાવ નક્કી કરાયો છે.
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ડ્રીમ સિટીના કુલ ત્રણ પ્લોટની હરાજી કરાશે. જેમાં હોટલના હેતુ માટે 30154 ચોરસ મીટર જમીન, રહેણાકના હેતુ માટે 67000 ચોરસ મીટર જમીન તેમજ વાણીજ્યના હેતુ માટે 27540 ચોરસ મીટર જમીનનો સમાવેશ થાય છે. આ જમીનની અપસેટ વેલ્યુ પ્રતિ ચોરસ મીટર 73 હજાર નક્કી કરાઈ છે. તેમજ હરાજીમાં જે વધુ ભાવ આપે તેને ફાળવી દેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે ડ્રીમ સિટીને કુલ 66 લાખ ચોરસ મીટર જમીન 32800 રૂપિયાના ભાવે ફાળવી હતી. તેમાં અમુક ભાગ પર ડ્રીમ સિટીની ઇમારત ઊભી થશે. જ્યારે અન્ય ભાગોમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાશે તેમજ બાકીના ભાગમાં જુદા જુદા હેતુ માટે વેચાણ કરાશે.
મેટ્રો રેલ માટે ડ્રીમ સિટી ખાતે મેટ્રો ભવન, ડેપો અને કંટ્રોલ સેન્ટર બનાવાશે
સુરત: સામુહિક પરિવહન માટે વિશ્વના અગ્રણી શહેરોમાં સ્થાન પામવા માટે સુરત શહેરમાં મેટ્રો રેલ તૈયાર કરવાનો ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. મેટ્રો રેલની પહેલી લાઈન માટે થોડા સમય પહેલા જ ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતાં અને હવે આ લાઈન માટે ખજોદ ખાતે આવેલી ડ્રીમ સિટીમાં મેટ્રો રેલનું હેડક્વાર્ટર બનાવવા માટે પણ આયોજનો શરૂ કરી દેવામાં આવ્યા છે. આ આયોજનોમાં ડ્રીમ સિટી ખાતે મેટ્રો રેલનું હેડક્વાર્ટર તેમજ સાથે સાથે મેટ્રો રેલ ભવન તેમજ ટ્રે્ન ડેપો અને સાથે સાથે ઓપરેશન કંટ્રોલ સેન્ટર પણ બનાવવામાં આવશે. આ માટે મેટ્રો રેલની કંપની જીએમઆરસી દ્વારા ઓફરો મંગાવવામાં આવી છે.
મેટ્રો રેલના આ સરથાણાથી ડ્રીમ સિટી સુધીના પ્રથમ લાઈનના પ્રથમ તબક્કા માટે હાલમાં કામગીરી ચાલી રહી છે. આ રૂટ 21.61 કિ.મી. લાંબો હશે અને તેમાં 6 અંડરગ્રાઉન્ડ તેમજ 14 એલિવેટેડ સ્ટેશન હશે. આ ભવન, ડેપો તેમજ કંટ્રોલ સેન્ટર ક્યાં બનશે તે આગામી દિવસોમાં બેઝિક ટેન્ડરમાં જાહેર કરવામાં આવશે. આ આયોજનો માટે હાલમાં 346 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. 20 મહિનામાં આ તમામ આયોજનો પાર પાડવાના રહેશે. આગામી દિવસોમાં તા.18મી જાન્યુ.ના રોજ આ માટેની પ્રી-બિડ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટેન્ડરો બહાર પાડવામાં આવશે.