આતંકવાદનો સંબંધ કોઈ ધર્મ સાથે હોતો નથી. આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી. આજે આખી દુનિયા જેને ઈસ્લામિક આતંકવાદ તરીકે ઓળખે છે તેનો સંબંધ પણ ઈસ્લામ સાથે નથી પણ રાજનીતિ સાથે છે. રશિયા અને અમેરિકા જેવી મહાસત્તાઓ દ્વારા પોતાનો રાજનૈતિક સ્વાર્થ સાધવા માટે કેટલાક લડાયક મુસ્લિમોને હથિયારો આપવામાં આવે છે અને તેમની પાસે હત્યાઓ કરાવવામાં આવે છે.
આ હત્યાકાંડનો ભોગ નિર્દોષ મુસ્લિમો પણ બનતાં હોય છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં જે કથિત આતંકવાદીઓ પેદા થાય છે, તેમને પોષણ આપવાનું કામ મહાસત્તાઓ કરતી આવી છે. મધ્ય પૂર્વમાં જે સંઘર્ષ ચાલી રહ્યો છે, તેના મૂળમાં પણ ઈઝરાયેલની વિસ્તારવાદી નીતિ પશ્ચિમના દેશો દ્વારા તેમને મળતો ટેકો છે. પેલેસ્ટાઇનનાં મુસ્લિમો તેનો વિરોધ કરે ત્યારે તેમને આતંકવાદી ઘોષિત કરી દેવામાં આવે છે, પણ ગાઝા પટ્ટીમાં હજારો નિર્દોષ મુસ્લિમોની કતલ કરનારા ઈઝરાયેલી સૈનિકોને યહૂદી આતંકવાદી ગણાવવામાં આવતા નથી. હકીકતમાં આતંકવાદને કોઈ પણ ધર્મ સાથે જોડનારાંઓ ભીંત ભૂલે છે.
ભારતમાં યુપીએના રાજમાં કથિત ઈસ્લામિક આતંકવાદ બહુ બદનામ થઈ ગયો ત્યારે સત્તામાં રહેલા કેટલાક ફળદ્રુપ પણ દુષ્ટ લોકો દ્વારા ભગવા આતંકવાદની થિયરી ઉપજાવી કાઢવામાં આવી હતી. યુપીએના રાજમાં માલેગામ બોમ્બ બ્લાસ્ટ, અજમેર દરગાહ બ્લાસ્ટ, સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ, મક્કા મસ્જિદ બ્લાસ્ટ વગેરે હિંસક ઘટનાઓ બની હતી, જેમાં મૃત્યુ પામનારાં બહુમતી મુસ્લિમો હતાં.
આ ઘટનાઓના પરિપ્રેક્ષ્યમાં હિન્દુ પ્રજાને બદનામ કરવા માટે કેટલાંક કોંગ્રેસી નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો કે હિન્દુઓ પણ આતંકવાદી બની ગયા છે. આ તમામ કિસ્સાઓમાં જવાબદાર તરીકે કેટલાંક હિન્દુ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ બધા હિન્દુ આતંકવાદી સંગઠનોનો હિસ્સો છે. આ તમામ કેસો હવે બોગસ પુરવાર થયા છે અને તેના તમામ આરોપીઓ નિર્દોષ સાબિત થઈને જેલમાંથી છૂટી ગયા છે ત્યારે સવાલ એ થાય છે કે ભગવા આતંકવાદની થિયરી કોના દ્વારા પેદા કરવામાં આવી હતી અને તેની પાછળ તેમનો શું સ્વાર્થ હતો?
માલેગાંવ વિસ્ફોટ પહેલાં ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ ક્યારેય થતો ન હતો. હેમંત કરકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્ર એટીએસે માલેગાંવ બોમ્બ વિસ્ફોટની તપાસ શરૂ કરી હતી. એટીએસને કેટલાંક હિન્દુત્વવાદી સંગઠનો પર શંકા પડી હતી. આ પછી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર અને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલી વાર હતું જ્યારે કોઈ હિન્દુત્વ સંગઠન સાથે સંકળાયેલા કાર્યકર્તાની બોમ્બ વિસ્ફોટ કેસમાં ધરપકડ કરવામાં આવી હોય. તે સમયે તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમે જાહેરમાં ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો હતો.
૨૦૧૦ માં દિલ્હીમાં તમામ રાજ્યોના પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ નિર્દેશકોની એક પરિષદમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવાના પ્રયાસો બંધ થયા નથી. તાજેતરમાં ભગવા આતંકવાદની એક ઘટના પ્રકાશમાં આવી છે, જે અગાઉના ઘણા બોમ્બ વિસ્ફોટો સાથે જોડાયેલી છે. તેમની ટિપ્પણી પર ઘણો વિવાદ થયો હતો. જો કે, બાદમાં કોંગ્રેસે આ નિવેદનથી પોતાને દૂર રાખીને કહ્યું કે આ ચિદમ્બરમનો વ્યક્તિગત અભિપ્રાય છે. તેમ છતાં, આ અંગે તેમની ટીકા અટકી ન હતી. તે જ વર્ષે, વિકિલીક્સે દાવો કર્યો હતો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતમાં તત્કાલીન અમેરિકી રાજદૂત ટિમોથી રોમરને કહ્યું હતું કે ભારત માટે સૌથી મોટો ખતરો ઇસ્લામિક આતંકવાદથી નહીં પરંતુ ઝડપથી વિકસતાં કટ્ટરપંથી હિન્દુત્વ સંગઠનોથી છે.
પી. ચિદમ્બરમ પછી કેન્દ્રીય ગૃહમંત્રી બનેલા સુશીલકુમાર શિંદેએ જાહેર ભાષણમાં ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જાન્યુઆરી ૨૦૧૩ માં કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણીની તૈયારી માટે રાજસ્થાનના જયપુરમાં ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું. ત્યાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધિત કરતી વખતે શિંદેએ ભગવા આતંકવાદનો ઉલ્લેખ કર્યો હતો. શિંદેએ તેમની આત્મકથા ફાઇવ ડિકેડ્સ ઇન પોલિટિક્સમાં આનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે મંત્રાલયના ગુપ્ત દસ્તાવેજોની સમીક્ષા કરતી વખતે, તેમને ભગવા આતંકવાદનો ઉલ્લેખ મળ્યો, પરંતુ આ એક એવો મુદ્દો હતો જેનાથી મોટો વિવાદ થઈ શક્યો હોત કારણ કે તેમાં ભાજપ અને આરએસએસનાં નામ સામેલ હતાં.
તેથી, જાહેરમાં આરોપ લગાવતાં પહેલાં તેમણે તેની સત્યતા તપાસવાનું ધ્યાન રાખ્યું. શિંદેએ એમ પણ કહ્યું કે તેમણે હિન્દુ આતંકવાદને બદલે ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ જાણી જોઈને કર્યો હતો. પોતાની આત્મકથામાં તેમણે લખ્યું છે કે જો કોઈ તે સમયે મિડિયા સમક્ષ મારાં નિવેદનો જોશે તો તેને ખબર પડશે કે મેં ખાસ કરીને ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો. મને યાદ છે કે મિડિયામાં કોઈએ પૂછ્યું હતું કે તે હિન્દુ આતંકવાદ છે કે ભગવો આતંકવાદ? મેં જવાબ આપ્યો કે હું જેની વાત કરી રહ્યો છું તે ભગવો આતંકવાદ છે. જો કે, ભાજપ તે સમયે અને આજે પણ, આ શબ્દનો ઉપયોગ કરવા બદલ કોંગ્રેસની ટીકા કરતો હતો. આજે કોંગ્રસના નેતાઓ ભગવા આતંકવાદનું નામ પણ લેતા નથી. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે પણ વારંવાર ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
તેમણે દાવો કર્યો હતો કે મુંબઈમાં ૨૬/૧૧ના આતંકવાદી હુમલા પહેલાં તેમણે હેમંત કરકરે સાથે વાત કરી હતી, જેમણે કહ્યું હતું કે માલેગાંવ તપાસને કારણે તેમને હિન્દુત્વ જૂથો તરફથી ધમકીઓ મળી હતી. તેમની ટિપ્પણી વિવાદાસ્પદ માનવામાં આવી હતી. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપે માલેગાંવ બ્લાસ્ટ કેસની મુખ્ય આરોપી સાધ્વી પ્રજ્ઞાને ભોપાલથી દિગ્વિજય સિંહ સામે મેદાનમાં ઊતારી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન ભગવા આતંકવાદનો મુદ્દો ફરી ઉઠાવવામાં આવ્યો હતો, જ્યારે સાધ્વી પ્રજ્ઞાએ દિગ્વિજય સિંહ પર હિન્દુ આતંકવાદ શબ્દનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આના જવાબમાં દિગ્વિજય સિંહે કહ્યું કે ‘‘મેં ક્યારેય આવું કહ્યું નથી. મને એવી કોઈ ક્લિપ બતાવો જેમાં મેં હિન્દુઓને આતંકવાદી કહ્યા હોય. હું પોતે પણ હિન્દુ છું.’’
માલેગામ બ્લાસ્ટ સહિત કથિત ભગવા આતંકવાદની તમામ ઘટનાઓમાં ચાર્જશીટ પણ ફાઈલ કરવામાં આવી હતી, પણ તેમાંના એક પણ કેસમાં કોઈ હિન્દુત્વવાદી નેતા કે સંગઠનની જવાબદારી પુરવાર થઈ શકી નથી. ભારત-પાકિસ્તાન સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટમાં ૬૮ લોકો માર્યા ગયાં હતાં. આ કેસમાં સ્વામી અસીમાનંદ અને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૧૯માં કોર્ટે અસીમાનંદ સહિત ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. ૨૦૦૭ના અજમેર દરગાહ બ્લાસ્ટ કેસમાં પણ સ્વામી અસીમાનંદને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. ૨૦૧૭માં આપેલા ચુકાદામાં સ્વામી અસીમાનંદને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે સુનીલ જોશી, ભાવેશ પટેલ અને દેવેન્દ્ર ગુપ્તાને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સુનીલ જોશીની હત્યા કરવામાં આવી હતી.
૨૦૦૭ માં હૈદરાબાદની મક્કા મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ૧૮ લોકો માર્યા ગયાં હતાં. આ કેસમાં પણ સ્વામી અસીમાનંદ અને અન્ય ૧૧ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી, જે બાદમાં NIA ને સોંપવામાં આવી હતી. ૨૦૧૮ માં કોર્ટે પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. સીબીઆઈની કસ્ટડીમાં સ્વામી અસીમાનંદ દ્વારા આપવામાં આવેલી કબૂલાતને પણ સ્પેશ્યલ કોર્ટે ફગાવી દીધી હતી. હવે માલેગામ બ્લાસ્ટ કેસમાં પણ પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ આરોપીઓ નિર્દોષ છૂટી ગયા છે.
જો ભગવા આતંકવાદનું અસ્તિત્વ ન હોય તો માલેગામ બોમ્બ બ્લાસ્ટ સહિત મુસ્લિમોની હત્યા કરવાનાં કાવતરાં કોણે ઘડ્યાં હશે? જ્યાં આટલી બધી હત્યાઓ થતી હોય ત્યાં કોઈ તો ગુનેગાર હોવો જોઈએ ને? તેનો જવાબ એ છે કે આ તમામ હત્યાઓ રાજકારણથી પ્રેરિત હોઈ શકે છે, પણ તેટલા માત્રથી તેનો સંબંધ કોઈ ધર્મ સાથે જોડી શકાય નહીં. આતંકવાદનો સંબંધ જેમ હિન્દુત્વ સાથે ન હોઈ શકે તેમ ઈસ્લામ સાથે આતંકવાદનો સંબંધ પણ જોડી શકાય નહીં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.