સુરતઃ યુપીના કાનપુર બાદ હવે સુરતમાં ટ્રેનને ઉથલાવી પાડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. તોફાની તત્વોએ સુરતમાં કીમ-કોસંબાના રેલવે ટ્રેક પરથી 71 પેડ લોક કાઢી નાંખ્યા હતા. ટ્રેનના ટ્રેકથી ફીશ પ્લેટ ખોલી નાંખી હતી. આ ટ્રેક પરથી ટ્રેન પસાર થાય તો તે ઉથલાવી પાડવાનો ફૂલપ્રુફ પ્લાન બનાવાયો હતો, જોકે રેલવે તંત્રને પહેલેથી જ જાણ થઈ જતા મોટી હોનારત ટળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે. ઘટનાની જાણ થતાં રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અધિકારીઓએ રેલ વ્યવહાર તાત્કાલિક બંધ કરાવી દીધો હતો. સ્થળ પર જઈ તપાસ કરતા જોવા મળ્યું હતું કે કોઈકે ટ્રેનના અપ ટ્રેકના ફીશ પ્લેટ ખોલીને અપ ટ્રેક પર મુકી દીધા હતા. જો આ ટ્રેક પરથી ટ્રેન પસાર થાય તો તે પાટા પરથી ઉથલી જ પડે. રેલવે વિભાગની સતર્કતાના પગલે મોટી દુર્ઘટના ટળી હતી. દરમિયાન રેલવે પોલીસે ડોગ સ્કવોડની મદદથી તોફાની તત્ત્વોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
શું ઘટના બની?
અજાણ્યા ઈસમોએ કીમ-કોસંબા વચ્ચેના રેલવે ટ્રેક પરથી 71 પેડ લોક ખોલી નાંખ્યા હતા અને ડાઉન ટ્રેકની ફીશ પ્લેટ તેમજ ચાવી ખોલીને અપ ટ્રેક પર મુકી દીધી હતી. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત, પરંતુ ડેપ્યુટી સ્ટેશન સુપરિટેન્ડેન્ડ અને કી-મેન સુભાષ કુમારની સતર્કતાના પગલે દુર્ઘટના ટળી હતી. આ ઘટના સવારે 5.24 કલાકે કિમી 292/27-291/27 વચ્ચે બની હતી. એલર્ટ મેન સુભાષકુમારને ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ કીમ દ્વારા માહિતી મોકલાઈ હતી.
માહિતી મળતા જ સુભાષકુમારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ટ્રેનોની અવરજવર રોકવા સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી. તે સમયે ટ્રેન નંબર 12910 આવી હતી, તેને રેડ સિગ્નલ બતાવી રોકી દેવાઈ હતી. ત્યાર બાદ ટ્રેક રિપેર કરાયું હતું.
રામપુર અને કાનપુરમાં પણ ટ્રેન ઉથલાવવા પ્રયાસ થયા હતા
આ અગાઉ રામપુરના રૂદ્રપુર સિટી રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. રામપુરમાં રેલવે ટ્રેક પર લોખંડનો થાંભલો પડેલો મળ્યો હતો. તે ઉપરાંત થોડા દિવસ અગાઉ કાનપુરમાં પણ રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર મુકવામાં આવ્યો હતો. રેલવે તંત્રની સતર્કતાને પગલે દુર્ઘટનાઓ ટાળી શકાઈ છે.