SURAT

રમકડાંની રિવોલ્વર બતાવી કતારગામના જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, લોકોએ યુવકને પકડ્યો

સુરત: કતારગામ વિસ્તારની NB જ્વેલર્સ નામની દુકાનમાં એક યુવક રિવોલ્વર લઈને ધસી ગયો હતો. લૂંટના ઇરાદે આવેલા યુવકને જોઈને જ્વેલર્સનો સ્ટાફ ગભરાઈ ગયો હતો. દરમિયાન જ્વેલર્સના માલિકે હિંમત કરતા સ્ટાફે યુવકને ઝડપી પાડ્યો હતો. દુકાનમાં રહેલા સ્ટાફે તેનો વિડીયો પણ ઉતાર્યો હતો. ત્યારબાદ જાણ થઈ હતી કે રિવોલ્વર નકલી, માત્ર રમકડાની હતી. કતારગામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકની ધરપકડ કરી સંલગ્ન કાર્યવાહી હાથ ધરી હતી.

  • સ્ટાફને હારનું બિલ બનાવવા કહ્યું ને પછી રિવોલ્વર બતાવી, ધમકાવી દુકાનના તમામ દાગીના આપવા કહ્યું
  • દુકાન માલિકે પ્રતિકાર કર્યો, સ્ટાફ પણ જોડાયો, સિક્યોરિટીએ બહાર જઈ બુમાબુમ કરતાં લોકો ભેગા થયા ને લૂંટારૂ ઝડપાઈ ગયો

મળતી માહિતી પ્રમાણે, કતારગામનાં બાપા સીતારામ ચોકમાં NB જ્વેલર્સ નામની દુકાનના માલિક નરેન્દ્રસિંહ રાજપૂત છે. આજે બપોરના સમયે એક યુવક સોનાનો હાર ખરીદવાના બહાને આવ્યો હતો. હાજર જવેલર્સ સ્ટાફે તેને કેટલાક હાર બતાવ્યા હતા. યુવકને 3.30 લાખનો હાર પસંદ આવતા તેણે હારનું બિલ બનાવવા જણાવ્યું હતું. સ્ટાફ બિલ બનાવતો હતો ત્યારે તેણે બેગમાંથી એક બંદૂક જેવું હથિયાર કાઢ્યું હતું. યુવકના હાથમાં રિવોલ્વર જોઈને મહિલા સ્ટાફમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.

દરમિયાન જ્વેલર્સના માલિક નરેન્દ્રસિંહે હિંમત કરીને રિવોલ્વર લઈને આવેલા યુવકનો હિંમતભેર સામનો કર્યો હતો, જેની સ્ટાફે પણ મદદ કરી હતી. જેથી રિવોલ્વર લઈને આવેલો યુવક ભાગવા જતા રાહદારીઓએ તેને પકડી પાડ્યો હતો. કતારગામ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે યુવકને પકડી પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ શરૂ કરી હતી. પોલીસને યુવકે પોતાનું નામ વિક્રમ દાના ભાઈ રબારી (ઉ.વ.19, રહે. લિંબજ એપાર્ટમેન્ટ, મૂળ અમરેલી) હોવાનું જણાવ્યું હતું.

બે વર્ષ પહેલા અમરેલીથી રમકડાની રિવોલ્વર ખરીદી હતી
લોકો અને જ્વેલર્સના સ્ટાફ દ્વારા યુવકને પકડી પાડી તેના હાથ બાંધી દેવામાં આવ્યા હતા અને આ અંગે કતારગામ પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવક પાસે રહેલી રિવોલ્વરની તપાસ કરતા એ રમકડાની હોવાનું સામે આવ્યું હતું. તેણે તે બે વર્ષ પહેલા અમરેલીથી ખરીદી હોવાની કબૂલાત કરી હતી. આરોપી બીજા મહિનાથી માસીના ઘરે રહેવા આવ્યો હતો અને માસીનું ઘર જવેલર્સની દુકાન સામે છે.

હારની ડિલીવરી લેવા આવ્યો હતો, પૈસા નહીં ચૂકવવા કારસ્તાન રચ્યું
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વિક્રમ પહેલા દૂધની ફેરી મારવાનું કામ કરતો હતો. છેલ્લા પાંચ મહિનાથી તે વતન સાવરકુંડલા ખાતે જતો રહ્યો હતો. હાલ વિક્રમ બેકાર છે અને કોઈ કામ ધંધો કરતો નથી. લૂંટનો પ્લાન બનાવી બે દિવસ પહેલા તેણે જ્વેલર્સના શોરૂમ પર જઈને એક સોનાનો હાર બૂક કરાવ્યો હતો. જેની આજે તે ડિલિવરી લેવા પહોંચ્યો હતો અને તેના રૂપિયા ન આપવા પડે તે માટે તેણે આ કારસ્તાન રચ્યું હોવાની શક્યતા છે.

સિક્યોરિટીએ બહાર જઈ બુમાબુમ કરી તો લોકોએ ભેગા થઈ યુવકને દબોચી લીધો
લૂંટના ઇરાદે આવેલા યુવકે સોનાનો હાર લીધા બાદ રમકડાની બંદૂકથી હાજર તમામને ડરવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એક સ્ટાફના વ્યક્તિએ તેની હરકત કેમેરામાં કેદ કરી લીધી હતી. બંદૂક બતાવી દુકાનમાં રહેલા તમામ દાગીના આપી દેવા જણાવ્યું હતું. દુકાનમાં બેસેલા એક સિકયુરિટી ગાર્ડે દુકાનની બહાર જઈ બુમાબુમ કરી દેતા રાહદારીઓ ભેગા થઈ ગયા હતાં અને યુવક ભાગવા જતા પકડાઈ ગયો હતો.

Most Popular

To Top