સુરત : ડભોલી ખાતે થોડા દિવસ પહેલા પત્ની સાથે ભાડે મકાન જોવા આવેલા યુવકે 15 વર્ષની કિશોરીની ઘરમાં આવીને છેડતી કરી હોવાની ફરિયાદ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
- કીશોરીને પહેલા આવીને ‘હું નાની છોકરીને દાન કરૂ છું’ કહીને ૧૦૦ રૂપિયાની બે નોટ આપી
- બાદમાં પાણી પીવાનું કહીને કીશોરીની પાછળ ઘરમાં જઈ અજાણ્યાએ છેડતી કરી
ડભોલી ગામમાં રહેતી અને શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતી ૩૭ વર્ષીય રીટાબેન (નામ બદલ્યું છે) એ તેમની ૧૫ વર્ષની પુત્રીની છેડતી કરનાર દિનેશભાઇ મનજીભાઇ પટેલીયા (રહે-ગામ-ભુભલી તા-ઘોઘા જી-ભાવનગર)ની સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ રીટાબેન ગત ૨૪ જુને શાકભાજી વેચવા તેમની નાની દિકરીને લઈને ગઈ હતી. દરમિયાન તેમનો મોટો પુત્ર અને ૧૫ વર્ષની પુત્રી આરતી (નામ બદલ્યુ છે) ઘરે એકલા હતા. તે સમયે એક અજાણ્યો પુરૂષ ઘરે આવ્યો હતો. અને આરતીને તારા પપ્પા ઘરે છે તેવુ પુછતા તેણે મારા પપ્પા ઘરે નથી તેમ કહ્યું હતું.
અજાણ્યાએ આરતીને ૧૦૦ રૂપિયાની બે નોટ આપી હતી. આરતીએ તમે મને શા માટે રૂપિયા આપો છો ? તેમ કહેતા અજાણ્યાએ હું નાની છોકરીને દાન કરૂ છું તેમ કહ્યું હતું. ત્યારબાદ આરતી રોટલી કરવા માટે ગયાના પાંચેક મિનિટ પછી પણ અજાણ્યો ઘરના દરવાજામાં ઉભો હતો.
પાણી માંગતા આરતી ઘરમાં ફ્રીજમાંથી પાણીની બોટલ લેવા ગઈ ત્યારે અજાણ્યાએ પાછળ પાછળ આવી આરતી પાસે ઉભો રહ્યો હતો. આરતી ગભરાઇ જતા પાણીની બોટલ આપતી વખતે અજાણ્યાએ ૫૦૦ ની બે નોટ બતાવી બદઇરાદે ગંદા ઇશારા કરી આરતીને મારી સાથે ચાલ તેમ કહી છેડતી કરી હતી.
આરતીનો ભાઈ જોઈ જતા તે અજાણ્યો ભાગી ગયો હતો. રાત્રે આરતીએ તેની માતાને આ ઘટનાની જાણ કરતા તેમણે તપાસ કરી હતી. ત્યારે અજાણ્યો થોડા દિવસ પહેલા તેની પત્ની સાથે તેમના ત્યાં રૂમ ભાડેથી રાખવા માટે પુછવા આવ્યો હતો. અને તેનું નામ દિનેશભાઇ મનજીભાઇ પટેલીયા હોવાનું જાણવા મળ્યું હતું. સિંગણપોર પોલીસે છેડતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.