ભરૂચ(Bharuch): લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) ટાણે સામાજિક સૌહાર્દ ડહોળવા પ્રયાસ આદરવામાં આવી રહ્યો છે. ભરૂચમાં આવેલી નવચોકી ખાતે સ્થિત અને શંકરાચાર્ય મઠ દ્વારકા શારદાપીઠ દ્વારા સંચાલિત પશુપતિનાથ મહાદેવ મંદિરમાં (Pashupati Nath Mahadev Mandir) આજે તા. 22 માર્ચના મળસ્કે અજાણ્યા શખ્સ દ્વારા મંદિરમાં આગ (Fire) લગાડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે.
- મળસ્કે 5.30 વાગ્યા આસપાસની ઘટના, મંદિરમાં પ્રવેશી આગ ચાંપવાનો અજાણ્યાનો પ્રયાસ
- ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણો વાળા પોસ્ટર મળી આવ્યા
- પોલીસે મંદિર આસપાસ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો, સીસીટીવીની મદદથી કાર્યવાહી હાથ ધરી
મળતી વિગતો પ્રમાણે ભરૂચમાં મહાદેવ મંદિરને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભરૂચમાં આવેલી નવચોકી ખાતે સ્થિત અને શંકરાચાર્ય મઠ દ્વારકા શારદાપીઠ સંચાલિત પશુપતિનાથ મહાદેવ મંદિરમાં આજે પરોઢિયે અજાણ્યા શખ્સ દ્વારા મંદિરમાં આગ લગાડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે.
ખાસ કરીને મુક્તાનંદ સ્વામીના મઠને નિશાનો બનાવવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સ દ્વારા ભરૂચના નવચોકી ઓવારા ખાતે આવેલા મઠને આગ ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સવારે 5.30 કલાકની આસપાસ આ ઘટનાને અંજામ આપી અજાણ્યો વ્યક્તિ ત્યાથી ફરાર થઈ ગયો હતો. પરંતુ આખી ઘટના ત્યાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે ભરૂચ પોલીસે અત્યારે તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મંદિરમાં ઉશ્કેરણીજનક લખાણના પેમ્ફલેટ ફેંક્યા
એક ઈસમે આવીને મંદિર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો છે. ઈસમ મંદિરના દરવાજા પર લાતો મારતો જોવા મળે છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણો વાળા પેમ્ફલેટ પણ મંદિરમાં ફેંકવામાં આવ્યા છે.
ઈસમની હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તેના ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાની સાથે ભરૂચ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરી છે. ગુનો દાખલ કરી દીધો છે. જેને કૃત્ય કર્યું છે તેને પકડવા માટે પોલીસ કાર્યવાહી કરશે.