GANDHINAGAR : રાજ્યભરમાં આજે 231 તાલુકા પંચાયત 31 જિલ્લા પંચાયતો અને 81 નગરપાલિકાઓની ચૂંટણી માટે એકદંરે શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું. આ મતદાનમાં રાજ્યભરમાં મારામારી, પથ્થરમારો, બૂથ કેપ્ચરિંગ ( BOOTH CAPTURING) ના પ્રયાસો સહિતના અનેક બનાવો સાથે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું.
રાજ્યભરમાં આજે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું. જેમ જેમ મતદાન આગળ વધતું ગયું, તેમ તેમ સંઘર્ષ અને મારામારીના બનાવો પણ બન્યા હતા. અમદાવાદ જિલ્લાના વિરમગામ ( VIRAMGAM) ખાતે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું હતું, પરંતુ બપોર બાદ ભાજપ અને અપક્ષના કાર્યકરો વચ્ચે કોઈક કારણોસર બોલાચાલી થઈ હતી, અને મામલો બિચક્યો હતો. બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને એકબીજા ઉપર રીતસરના તૂટી પડ્યા હતા. સામસામે પથ્થરમારો થતાં 10 થી વધુ લોકોને સામાન્ય ઈજાઓ પણ થવા પામી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોના કાચ પણ તોડી નાખ્યા હતા. પરિણામે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલસે લાઠીચાર્જ કરી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. આ બનાવને પગલે વિરમગામમાં તંગદિલીનો માહોલ ઉભો થયો હતો. જેના પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
જોકે વિરમગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ સમર્પિત અપક્ષ ઉમેદવારો વચ્ચે છે. જેના પગલે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
આ ઉપરાંત બનાસકાંઠાના પાલનપુર( PALANPUR) માં નગરપાલિકાની ચૂંટણીના મતદાન સમયે વોર્ડ નંબર છમાં કોઈક કારણોસર મામલો બિચકયો હતો. બંને ઉમેદવારના સમર્થકો સામસામે આવી ગયા હતા. બંને જૂથના લોકો વચ્ચે છુટા હાથની મારામારી પર ઉતરી પડયા હતા. પોલીસે તાત્કાલિક પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
તેવી જ રીતે ભાભરમાં લુદરીયાવાસમાં મતદાન કરવાની બાબતમાં ઉમેદવારો વચ્ચે બોલાચાલી સાથે ઘર્ષણ થયું હતું. મામલો વધુ બીચકે તે પહેલા પોલીસે દરમિયાનગીરી કરી મામલાને થાળે પાડ્યો હતો.
તો વળી મધ્ય ગુજરાત દાહોદ ( DAHOD) ના ઘોડિયા પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્રના એક બુથમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઈવીએમ મશીનમાં તોડફોડ કરી બૂથ કેપ્ચરિંગનો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. બપોરના સમયે ઘોડિયા ખાતે મતદાન કેન્દ્રમાં 3 થી 4 અસામાજિક તત્વો ઘૂસી ગયા હતા, અને જોર જોરથી બૂમાબૂ પાડી, ગાળાગાળી કરીને ઈવીએમ મશીનમાં તોડફોડ મચાવી હતી. સાથે જ બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ કર્યો હતો. આ સમયે ચૂંટણી કર્મચારીઓ પણ ભયભીત બની ગયા હતા. જોકે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી સમગ્ર પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો, અને થોડા સમય માટે મતદાનને અટકાવામાં આવ્યું હતું.
મોરબીમાં જિલ્લા પંચાયતની ચૂંટણીના મતદાન સમયે ટંકારામાં ઉમેદવારના ભાઈ ઉપર કેટલાક તોફાની તત્વોએ હુમલો કરી માર માર્યો હતો. જેથી ઇજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.