નડિયાદ: આણંદ જિલ્લાના ખંભાતમાં અગાઉના ઝઘડાની અદાવતમાં મહિલા અને તેના પરિવારજનો પર હિચકારો હુમલો કરીને, ટોળાં દ્વારા પથ્થરમારો કરતા તંગદિલી સર્જાઇ હતી. ખંભાત સીટી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. ખંભાત તાલુકાના મેતપુર ગામમાં રહેતાં જયશ્રીબેન યોગેશભાઈ ઠાકોરના ભાઈના લગ્ન હોવાથી તેઓ અઠવાડિયા અગાઉ પોતાના પિયર ખંભાત ગયાં હતાં. ભાઈના લગ્ન પૂર્ણ થયાં બાદ પણ તેઓ પિયરમાં થોડા દિવસ માટે રોકાયાં હતાં. દરમિયાન ગુરૂવારના રોજ મોડી સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં તેઓ ઘરની બહાર વાસણ ધોવા બેઠાં હતાં.
તે વખતે ગામમાં રહેતાં નારણભાઈ બારૈયા અને ખોડાભાઈ ચીમનભાઈના પુત્રોનો લગ્નપ્રસંગનો વરઘોડો જયશ્રીબેનના ઘર આગળથી પસાર થઈ રહ્યો હતો. તે વખતે આ વરઘોડામાંથી પ્રકાશભાઈ રમણભાઈ બારૈયા અને કનુભાઈ ડાહ્યાભાઈ બારૈયા એકાએક જયશ્રીબેન પાસે ગયાં હતાં અને જુના ઝઘડાની અદાવત રાખી ગમેતેમ અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. તુતુ….મેમે બાદ ઝઘડો ઉગ્ર બનતાં બંને જણાંએ ઝપાઝપી કરી જયશ્રીબેનને ધક્કો મારી પાડી દીધાં હતાં. બુમાબુમ થતાં જયશ્રીબેનનું ઉપરાણું લઈને તેમના પિતા ઠાકોરભાઈ, ભાઈ મુકેશભાઈ અને દિપકભાઈ દોડી આવી ઝઘડામાં છોડાવવા માટે વચ્ચે પડ્યાં હતાં. તે વખતે પ્રકાશભાઈ, કનુભાઈ અને તેમના સાગરીતોએ ભેગાં મળી જયશ્રીબેન અને તેમના પરિવારજનો ઉપર પથ્થરમારો કર્યો હતો.
આ પથ્થરમારામાં જયશ્રીબેન, તેમના ભાઈ દિપક બારૈયા, હિતેશ બારૈયા, મુકેશભાઈ બારૈયા, રાજુભાઈ બારૈયા અને ભગવાન બારૈયા ઈજાગ્રસ્ત બન્યાં હતાં. જેથી તેઓને સારવાર માટે ખંભાત સરકારી દવાખાને લઈ જવાયાં હતાં. જે પૈકી ભગવાન બારૈયાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી તેઓને સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર બાદ હાલ તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે જયશ્રીબેન ઠાકોરની ફરીયાદને આધારે ખંભાત સીટી પોલીસે પ્રકાશ બારૈયા, કનુભાઈ બારૈયા, જેકેશ બારૈયા, કિરણ બારૈયા, નારણ બારૈયા, ખોડાભાઈ બારૈયા, રાજેશ બારૈયા, કમલેશ બારૈયા, જયેશ બારૈયા, અલ્પેશ બારૈયા, પપ્પુભાઈ બારૈયા, રાજેશભાઈ બારૈયા, કૌશિક બારૈયા, સતીષ બારૈયા તેમજ અન્ય પંદરેક વ્યક્તિઓના ટોળા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.