વોશીંગ્ટન: અમેરિકન(American) શહેર(City) ન્યુયોર્ક(New York)ના રિચમંડ હિલ(Richmond Hill)માં બે શીખો(Sikhs) પર હુમલો(Attack) થયો છે. ફરિયાદ નોંધાયા બાદ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે હુમલાની નિંદા કરી, તેને “નિંદનીય” ગણાવ્યું અને કહ્યું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહેલી પોલીસના સંપર્કમાં છે. દૂતાવાસે કહ્યું કે આ ગુનામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે તેઓ પર અચાનક હુમલો થયો હતો. આ હુમલો તે જ જગ્યાએ થયો હતો જ્યાં 10 દિવસ પહેલા સમુદાયના સભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલાખોરોએ પાઘડીઓ પણ ઉતારી દીધી
હુમલાખોરોએ શીખ પર હુમલો કતી તેઓને લાકડી વડે માર માર્યો હતો. ત્યારબાદ તેમની પાઘડીઓ પણ ઉતારી દીધી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બે શકમંદોએ પુરુષોને લાકડીઓ વડે માર્યા અને તેમની પાઘડીઓ ઉતારી દીધી. ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સે હુમલાની નિંદા કરતા ટ્વિટ કર્યું અને લખ્યું કે રિચમંડ હિલમાં આપણા શીખ સમુદાય પર વધુ એક ઘૃણાસ્પદ હુમલો. બંને વ્યક્તિને ન્યાય મળવો જોઈએ.
એક વૃદ્ધ શીખ પર હુમલો 10 દિવસ પહેલા પણ થયો હતો.
10 દિવસ અગાઉ આ જ સ્થળે વૃદ્ધ શીખ વ્યક્તિ પર હુમલો થયો હતો. 4 એપ્રિલના હુમલા પછી સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તસવીરોમાં એક વૃદ્ધ શીખ માણસ લોહીથી ખરડાયેલી પાઘડી, ચહેરો અને કપડાં સાથે જોવા મળ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં, JFK ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક શીખ ટેક્સી ડ્રાઇવર પર હુમલો કરવામાં આવ્યો હતો, હુમલાખોરે કથિત રૂપે તેને પાઘડીધારી વ્યક્તિ તરીકે બોલાવ્યો હતો અને તેને તેના દેશમાં પાછા ફરવાનું કહ્યું હતું.
શીખ સમુદાય વિરુદ્ધ નફરતના ગુનાઓમાં 200 ટકાનો વધારો: જેનિફર રાજકુમાર
ન્યુયોર્ક સ્ટેટ ઓફિસ માટે ચૂંટાયેલા પ્રથમ પંજાબી અમેરિકન જેનિફર રાજકુમારે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં શીખ સમુદાય વિરુદ્ધ નફરતના ગુનાઓમાં ચિંતાજનક 200 ટકાનો વધારો થયો છે. મળતી માહિતી અનુસાર, સ્ટોપ હેટ અગેંસ્ટ એશિયન અમેરિકન્સ કેમ્પેન પોર્ટલ પર માર્ચ 2020થી જૂન 2021 વચ્ચે હેટ ક્રાઈમના 9081 કેસ નોંધાયા હતા. એમાંથી 4548 વર્ષ 2020ના અને 4533 કેસ 2021માં નોંધાયા હતા. 2020માં હેટ ક્રાઈના વધતા કેસોને જોતાં અમેરિકન એજન્સી FBIએ તેની તપાસ કરવાની વાત કહી છે.