ભરૂચ,અંકલેશ્વરઃ અંકલેશ્વર ભરૂચી નાકા પર ગણેશ વિસર્જનના દિવસે બીભત્સ ગાળો બોલતા ઈસમને રોકવા જતા પોલીસકર્મી પર ચાકુ વડે જીવલેણ હુમલો થયો હોવાની ઘટના બની છે. હુમલાખોર ઈસમ અગાઉ પણ પોલીસકર્મીઓ પર હુમલા કરી ચૂક્યો હોવાની વિગતો સપાટી પર આવી છે.
ગણેશ વિસર્જનના દિવસે પોલીસ બંદોબસ્તમાં ફરજ બજાવતા અંકલેશ્વર શહેરના હેડ કોન્સ્ટેબલ લલિતભાઈ સોમાભાઇ પુરોહિતની જવાબદારી અંકલેશ્વર ભરૂચી નાકા પર હતી. લગભગ રાત્રે 9.15 વાગ્યાના અરસામાં નશાની હાલતમાં એક ઈસમ લોકોને જોરથી બીભત્સ ગાળો બોલતો હોવાથી ટોળું ભેગું થયું હતું.
ઈસમ મહેન્દ્ર શંકરભાઇ વસાવા (રહે, ખોડલ વેલ્ડિંગ પાસે,ભાંગવાડ,અંકલેશ્વર) ગણેશ વિસર્જન કરવા નીકળેલા લોકોને ગાળો બોલતો હતો. જેથી હેડ કોન્સ્ટેબલ લલિતભાઈએ તેને ગાળો ન બોલીને શાંતિ જાળવવા કહ્યું હતું. જેને લઈને મહેન્દ્ર વસાવા ઉશ્કેરાયો હતો અને તે લલિતભાઈને ગાળો દેવા લાગ્યો હતો. તેમજ ધસી આવીને લલિતભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો.
મહેન્દ્ર વસાવાએ ઉગ્રસ્વભાવે પોલીસ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવા ઇરાદે પેન્ટના કમરના ભેરવી રાખેલ ચાકુ કાઢીને હેડ કોન્સ્ટેબલ લલિતભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. બે હુમલામાં લલિતભાઈને પેટમાં અને જમણા હાથે કોણી નીચે ઇજા થતાં લોહીલુહાણ થઈ ગયા હતા. અન્યો પોલીસ કર્મીઓએ દોડી આવી હેડકોન્સ્ટેબલને બચાવી લીધા હતા.
ઉલ્લેખનીય એ છે કે મહેન્દ્ર શંકરભાઈ વસાવાએ અગાઉ વર્ષ 2016માં પોલીસ કર્મી પ્રવિણભાઈ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ આઠ વર્ષે ફરી એકવાર પોલીસ કર્મી હેડ કોન્સટેબલ લલિતભાઈ પર હુમલો કર્યો છે. લલિતભાઈને અંકલેશ્વરમાં સરદાર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. સમગ્ર ઘટના લઈને ઇજાગ્રસ્તે અંકલેશ્વર શહેરમાં ફરિયાદ આપીને મહેન્દ્ર વસાવા સામે કાયદેસર કામમાં અડચણ અને હુમલો કરતાં ડી.એમ ભરુચના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.