Columns

ઈરાનના તેલના કૂવાઓ પરનો હુમલો ભારત માટે મુસીબતો પેદા કરી શકે તેમ છે

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તાજેતરના વધતા તણાવની સૌથી વધુ અસર ક્રુડ ઓઈલ માર્કેટ પર થવાની શક્યતા છે. આ કારણે સમગ્ર વિશ્વમાં તેલની કિંમતમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના નિવેદન બાદ આ આશંકા વધી ગઈ છે. જો બિડેને કહ્યું છે કે ઈઝરાયેલ ઈરાનની તેલના કૂવાઓને નિશાન બનાવી શકે છે અને આ સંભવિત હુમલાની અમેરિકામાં ચર્ચા થઈ રહી છે. બિડેનને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા ઈરાનના ઓઈલ બેઝ પર ઈઝરાયેલના હુમલાને સમર્થન આપશે? જો બિડેને જવાબ આપ્યો કે અમે તેના પર ચર્ચા કરી રહ્યા છીએ. જો બિડેનના આ નિવેદન બાદ કાચા તેલની કિંમતમાં પાંચ ટકાનો વધારો થયો છે.

ઈરાને આ અઠવાડિયે મંગળવારે મોડી રાત્રે ઈઝરાયેલ તરફ સેંકડો મિસાઈલો છોડી હતી. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઈરાને ઈઝરાયેલ પર ૧૮૧ બેલેસ્ટિક મિસાઈલ છોડી છે અને તેમાં એક પેલેસ્ટાઈન નાગરિકનું મોત થયું છે. પાંચ મહિના પહેલાં એપ્રિલમાં ઈરાને ઈઝરાયેલ પર લગભગ ૧૧૦ બેલેસ્ટિક મિસાઈલો અને ૩૦ ક્રુઝ મિસાઈલોથી હુમલો કર્યો હતો.

ઈરાનના લેટેસ્ટ મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલની સુરક્ષા કેબિનેટની બેઠક બંકરમાં યોજાઈ હતી, જેમાં ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ઈરાને આજે એક મોટી ભૂલ કરી છે અને તેણે તેની કિંમત ચૂકવવી પડશે. જુલાઈમાં હમાસની રાજકીય પાંખના વડા ઈસ્માઈલ હાનિયાની તેહરાનમાં હત્યા કરવામાં આવી હતી. ઈરાન આ માટે ઈઝરાયેલને જવાબદાર માને છે. જો કે, આ હત્યા બાદ ઈરાને તરત જ ઈઝરાયલ વિરુદ્ધ કોઈ આક્રમક પગલું ભર્યું ન હતું. જે બાદ આ વર્ષે ૨૭ સપ્ટેમ્બરના રોજ લેબનોનમાં ઈઝરાયેલના હુમલામાં હિઝબોલ્લાના નેતા હસન નસરાલ્લાહ માર્યા ગયા હતા. ઈરાન દ્વારા કરાયેલા મિસાઈલ હુમલાનો ઈઝરાયેલે હજુ સુધી કોઈ જવાબ નથી આપ્યો. આ ઈઝરાયેલના સ્વભાવથી વિરુદ્ધ છે. તે હાલમાં કડવો ઘૂંટડો ગળીને શાંત બેસી ગયું છે.

ઇઝરાયેલના મિડિયામાં છપાયેલા સમાચાર મુજબ ઇઝરાયેલ થોડા દિવસોમાં ઇરાનના કેટલાંક મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક લક્ષ્યોને નિશાન બનાવશે. આ હુમલાઓમાં ઈરાનના તેલના કૂવા પર હુમલાની પણ અટકળો છે. ઈરાન વિશ્વનો સાતમો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે. તે તેના લગભગ અડધા તેલ ઉત્પાદનની નિકાસ કરે છે. તેનાં મુખ્ય બજારોમાં ચીનનો સમાવેશ થાય છે. જો કે, ચીનમાં તેલની ઓછી માંગ અને સાઉદી અરેબિયામાંથી તેલના પૂરતા પુરવઠાને કારણે આ વર્ષે ખનિજ તેલના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થતો નથી.

ઈરાન પાસે વિશ્વમાં ચોથા નંબરનો સૌથી મોટો ખનિજ તેલનો ભંડાર છે. જ્યારે ઈરાન પાસે વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ગેસ ભંડાર છે. ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC)માં ઈરાન ત્રીજો સૌથી મોટો ઉત્પાદક છે અને દરરોજ લગભગ ૩ મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરે છે. આ કુલ વૈશ્વિક ઉત્પાદનના લગભગ ત્રણ ટકા છે. એવી આશંકા છે કે જો ઈઝરાયેલ ઈરાનની ઓઈલ ફેસિલિટીને નિશાન બનાવીને નષ્ટ કરશે તો વિશ્વભરમાં ઓઈલના ભાવોમાં મોટો વધારો થઈ શકે છે.

સંરક્ષણ વિશ્લેષક રાહુલ બેદી કહે છે કે જો ઈઝરાયેલ ઈરાનના તેલના કૂવાઓ પર હુમલો કરશે તો દેખીતી રીતે જ વિશ્વભરનાં તેલ બજાર પર તેની અસર પડશે. રાહુલ બેદીનું માનવું છે કે આર્થિક પ્રતિબંધોને કારણે ચીન હાલમાં ઈરાન પાસેથી સૌથી વધુ તેલ ખરીદે છે, જ્યારે ભારત હાલમાં રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રુડ ઓઈલ ખરીદી રહ્યું છે, પરંતુ જો ઈરાન પાસેથી તેલ નહીં મળે તો ચીનમાં અન્ય દેશોમાંથી તેની માંગ વધશે અને તેની અસર તેલના ભાવ પર પડશે.

ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલા બાદ મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધવાની દહેશત વધુ ઘેરી બની છે, જેની સીધી અસર તેલની કિંમત પર જોવા મળી રહી છે. આ અસર એ હકીકત પરથી પણ સમજી શકાય છે કે હસન નસરાલ્લાહની હત્યા બાદ જ્યારે ઈરાનના મિસાઈલ હુમલાનો ભય હતો, તે જ સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત લગભગ ત્રણ ટકા વધી ગઈ હતી. આવી સ્થિતિમાં, જો ઇઝરાયેલ ઇરાનની તેલ સુવિધાઓને નિશાન બનાવે છે, તો તેની આંતરરાષ્ટ્રીય તેલ બજાર પર વ્યાપક અસર પડી શકે છે.

આ મુજબ ઈરાનના ઓઈલ બેઝ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના નિવેદન બાદ કાચા તેલની કિંમતોમાં પાંચ ટકાનો વધારો થયો છે. સોમવારે ઈઝરાયેલ પર ઈરાનના મિસાઈલ હુમલા બાદ કાચા તેલની કિંમતમાં અત્યાર સુધીમાં ૧૦ ટકાનો વધારો થયો છે અને તે પ્રતિ બેરલ ૭૭ ડોલરની આસપાસ પહોંચી ગયો છે. જો કે આ વર્ષની મહત્તમ કિંમત કરતાં હજુ પણ ઓછી કિંમત છે. આ મામલામાં એક વાત ભારતની તરફેણમાં છે કે જો ઈરાનથી સપ્લાય ઘટશે તો ભારત રશિયા પાસેથી ખરીદેલું તેલ અન્ય દેશોને ઊંચા ભાવે વેચી શકે છે.

રશિયાએ ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેન પર હુમલો કર્યો હતો. અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. તેનાથી નિપટવા માટે રશિયાએ ભારત સહિત વિશ્વના ઘણા દેશોને આંતરરાષ્ટ્રીય બજાર કરતાં ઓછા ભાવે ક્રુડ ઓઈલ વેચવાની ઓફર કરી હતી. ગયા વર્ષે મે મહિનામાં યુરોપના વિદેશનીતિના વડા જોસેપ બ્યુરેલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ જાણતા હતા કે ભારત મોટા પાયે રશિયા પાસેથી ક્રુડ ઓઇલ ખરીદી રહ્યું છે અને તેનું પ્રોસેસિંગ કરીને યુરોપમાં નિકાસ કરી રહ્યું છે. તેમણે તેને પ્રતિબંધોને તોડવા સમાન ગણાવ્યું અને કહ્યું કે સભ્ય દેશોએ તેને રોકવા માટે પગલાં લેવાની જરૂર છે. ભારતીય વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર ૨૦૨૨માં યુરોપમાં ભારતની તેલ ઉત્પાદનોની નિકાસમાં ૭૦ ટકાનો વધારો થયો હતો.

ભારત સરકારના આંકડા અનુસાર ઈરાક અને સાઉદી અરેબિયા પછી ઈરાન ભારતને તેલ સપ્લાય કરવામાં ત્રીજા નંબરે આવે છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે ઈરાનથી ભારતમાં ક્રુડ ઓઈલ લાવવાનો ખર્ચ અન્ય દેશોની સરખામણીએ ઓછો છે અને ઈરાન અરેબિયા જેવા ગલ્ફ દેશોની સરખામણીમાં પેમેન્ટ માટે વધુ સમયમર્યાદા આપે છે. ત્રીજું, ભારત અને ઈરાનમાં ખનિજ તેલની કિંમત માટે ચૂકવણી કરવાની પદ્ધતિ સરળ છે અને તાજેતરમાં ભારતે ઈરાની બેંકને મુંબઈમાં તેની શાખા ખોલવાની પરવાનગી પણ આપી છે. ચોથું, તેનાં વ્યૂહાત્મક હિતોને ધ્યાનમાં રાખીને ભારતે ઈરાનના ચાબહાર પોર્ટમાં લાખો અમેરિકન ડોલરનું રોકાણ કર્યું છે. ઈરાનનો વિશાળ કુદરતી ગેસ ભંડાર અને ભારતમાં વધતી જતી જરૂરિયાતો પણ ઈરાન સાથેના સંબંધમાં મહત્ત્વનાં પરિબળો છે. ભારત અને ઈરાન વચ્ચે મિત્રતાના મુખ્યત્વે બે પાયા છે. એક, ભારતની ઊર્જા જરૂરિયાતો અને બીજું ઈરાન પછી ભારતમાં સૌથી વધુ સંખ્યામાં શિયા મુસ્લિમો છે.

ભારતે તાજેતરના સમયમાં ચીન અને રશિયા સાથે સંબંધો વધારવાનો પ્રયાસ કર્યો છે. ભારતના આ પગલાંથી અમેરિકાનો ગુસ્સો વધુ વધશે. અમેરિકા સાથે મુકાબલો કરવાનો માર્ગ પસંદ કરવા માટે ભારત ચીન અને રશિયા જેટલું શક્તિશાળી નથી. તે પોતાને પ્રાદેશિક શક્તિ અથવા આર્થિક પાવરહાઉસ ગણી શકે છે, પરંતુ અમેરિકાના સંબંધમાં તેની સ્થિતિ જુનિયર પાર્ટનર કરતાં વધુ નથી. ઈરાન મુદ્દે ભારતે જલ્દી નિર્ણય લેવો પડશે. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે ઈરાન પાસેથી તેલની ખરીદી બંધ કરવી દેશના હિતમાં નહીં હોય, પરંતુ શું ભારત અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવા તૈયાર છે? કે પછી ઈરાનને આર્થિક રીતે બરબાદ કરવા ભારત અમેરિકા, ઈઝરાયેલ અને સાઉદી અરેબિયા જેવા ઈરાન વિરોધી દેશો સાથે ઊભું રહેશે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top