NEWSFLASH

ઈરાનની ગર્લ્સ સ્કૂલ પર હુમલો: 168 વિદ્યાર્થીનીઓના મોત, તપાસમાં અમેરિકી દળોની સંડોવણીની શંકા

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે ઈરાનમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક પ્રાથમિક કન્યાશાળામાં થયેલા હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં બાળિકાઓના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ આ હુમલા પાછળ અમેરિકી દળોની સંડોવણી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

માહિતી મુજબ, 28 ફેબ્રુઆરીના રોજ ઈરાનના મીનાબ શહેરમાં આવેલી શજારે તય્યેબેહ ગર્લ્સ એલિમેન્ટરી સ્કૂલ પર હુમલો થયો હતો. ત્યારે સ્કૂલમાં નિયમિત રીતે ક્લાસ ચાલી રહ્યા હતા. આ હુમલામાં લગભગ 168 બાળિકાઓના મોત થયા, જ્યારે અનેક વિદ્યાર્થીનીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. મૃતક બાળકી ઓની ઉંમર લગભગ 7 થી 12 વર્ષ વચ્ચે હોવાનું જણાવાયું છે.

બાળકો માટે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફ (UNICEF)એ આ ઘટનાને લઈને ભારે ચિંતા વ્યક્ત કરી છે. સંસ્થાના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ઈરાનમાં ચાલી રહેલા હુમલાઓમાં કુલ મળીને 180 જેટલા બાળકોના મોત થયા હોવાની માહિતી મળી છે. યુનિસેફે આ હુમલાને “યુદ્ધમાં બાળકો પર થતી ક્રૂરતાનો કડવો ઉદાહરણ” ગણાવ્યો છે.

યુનિસેફના જણાવ્યા પ્રમાણે, યુદ્ધ દરમિયાન સ્કૂલો અને બાળકોને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળ સુરક્ષા આપવામાં આવી છે. છતાં પણ હાલમાં ઈરાનમાં હુમલાઓને કારણે ઓછામાં ઓછા 20 સ્કૂલ અને 10 હોસ્પિટલને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર પડી છે.

બીજી તરફ, મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. યુદ્ધના સાતમા દિવસે ઈરાને ઈઝરાયેલ અને અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવી નવા મિસાઇલ હુમલા કર્યા હતા. ઈઝરાયલે ઘણા મિસાઇલને આકાશમાં જ નષ્ટ કર્યા હોવાનું જણાવાયું છે.

તે સાથે ઈઝરાયેલી દળોએ લેબનનમાં હિઝબોલ્લાહના ઠેકાણાઓ પર પણ હુમલા કર્યા, જેમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. અત્યાર સુધી આ સંઘર્ષમાં ઈરાનમાં 1,230થી વધુ લોકો, લેબનનમાં 70થી વધુ, ઈઝરાયેલમાં લગભગ એક ડઝન લોકોના મોત થયા હોવાનું અંદાજ છે. ઉપરાંત છ અમેરિકી સૈનિકો પણ મૃત્યુ પામ્યા હોવાનું જણાવાયું છે.

યુદ્ધના પ્રભાવ વૈશ્વિક સ્તરે પણ જોવા મળી રહ્યા છે. હોર્મુઝ જળસંધિમાંથી પસાર થતી શિપિંગ પર અસર પડી છે અને તેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સાથે જ કેટલાક દેશોમાં અમેરિકી દૂતાવાસોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
યુનિસેફ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ તમામ પક્ષોને અપીલ કરી છે કે નાગરિકો અને ખાસ કરીને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને આંતરરાષ્ટ્રીય કાયદાનો માન રાખવામાં આવે.

Most Popular

To Top