સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર આજે સોમવારે સવારે જીવલેણ હુમલો થયો છે. નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટિન નજીક હુમલો થયો છે. હુમલાખોર પકડાઈ ચૂક્યો છે. ખટોદરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષોથી નર્સિંગ કાઉન્સિલમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપતા ઈકબાલ કડીવાલા પર હુમલો થયો છે. અજાતશત્રુ મનાતા કડીવાલા પર હુમલાને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી ગઈ છે. નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટિન નજીક આ હુમલો થયો હોવાની વિગતો સાંપડી છે. હુમલો કરી ભાગી રહેલા હુમલાખોરને મજુરાગેટ પાસેથી પીછો કરી પકડી પાડવામાં આવ્યો છે. હાલ હુમલાખોરને ખટોદરા પોલીસને હવાલે કરાયો છે. ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોએ કહ્યું કે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કડીવાલાને તમાચા મારી ધોલધપાટ કરી છે. કડીવાલાની કારના ગ્લાસ તોડી નાંખ્યા છે. હુમલા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી.