National

ટોળાંના હુમલા બાદ EDનું સખ્ત વલણ, પશ્ચિમ બંગાળ તૃણમુલ કોંગ્રેસના નેતાની ધરપકડ કરી

નવી દિલ્હી: રાશન કૌભાંડમાં શુક્રવારે પશ્ચિમ બંગાળ તૃણમુલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ અને શંકર આધ્યા પર દરોડા પાડવા પહોંચેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓની ટીમ પર 300થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલા બાદથી પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયું છે. બીજી તરફ હુમલા બાદ ઈડી વધુ સખ્ત બની છે અને આજે શનિવારે સવારે પશ્ચિમ બંગાળના તૃણમુલ કોંગ્રેસના નેતા શંકર આધ્યાની ધરપકડ કરી લીધી છે. જેથી વાતાવરણ વધુ તંગ બન્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે ED અને CRPFની ટીમો પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના નેતા શંકર અને TMC નેતા શેખ શાહજહાંના ઘરે દરોડા પાડવા ગઈ હતી. ત્યારે 300થી વધુ લોકોના ટોળાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ પર હુમલો કર્યો હતો. કારના કાચ ફોડી નાંખ્યા હતા. અધિકારીઓની ટીમે પીછેહઠ કરવી પડી હતી.

હુમલો થયો ત્યારે ED અધિકારીઓની સાથે માત્ર 27 CRPF જવાનો હતા. હુમલામાં ત્રણ અધિકારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે ED અધિકારીઓએ જણાવ્યું કે હુમલા દરમિયાન ટોળાએ તેમનો મોબાઈલ ફોન, લેપટોપ, રોકડ અને પાકીટ પણ છીનવી લીધું હતું. બંગાળ પોલીસે આ મામલે ત્રણ FIR નોંધી છે. તેમજ આગળની તપાસ હાથ ધરી છે.

ભાજપે કહ્યું- બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવું જોઈએ
આ ઘટના બાદ જ્યાં એક તરફ વિપક્ષે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવાની માંગ કરી છે તો બીજી તરફ રાજ્યપાલ સીવી આનંદ બોઝે પણ સંકેત આપ્યા છે કે તેઓ તમામ બંધારણીય વિકલ્પો પર વિચાર કરશે અને આ મામલે યોગ્ય પગલાં લેશે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરતા કહ્યું કે, ‘ED અધિકારીઓ પર હુમલા થઈ રહ્યા છે, રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે આ યોગ્ય મામલો છે. પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે.’

ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં બનેલી ઘટનાને સંઘીય માળખા પર સીધો હુમલો ગણાવ્યો છે. તેમજ રાજ્યમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મમતા બેનર્જીની સરખામણી કિમ જોંગ સાથે કરી હતી. તે બીજી તરફ ED ટીમ પર થયેલા હુમલા અંગે પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું કે ‘હુમલામાં રોહિંગ્યાનો હાથ છે. ભવિષ્યમાં પણ બંગાળમાં આવું જ થવાનું છે.’

આ સાથે જ કોંગ્રેસના સાંસદ અધિર રંજનએ કહ્યું, ‘આજે અધિકારીઓ ઘાયલ થયા છે. ભવિષ્યમાં તેમની હત્યા થશે તો પણ મને નવાઇ લાગશે નહીં.’ તેમજ ED ઉપર થયેલા હુમલાને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિશીથ પ્રામાણિકે રાજ્યના સંઘીય માળખા પર હુમલો ગણાવ્યો છે.

ટીએમસીએ આરોપોને ફગાવ્યા
પ.બંગાળની શાસક ટીએમસીએ સમગ્ર આરોપોને ફગાવી દીધા હતાં. તેમજ પાર્ટીએ આરોપ લગાવ્યો કે ‘કેન્દ્રીય એજન્સીના અધિકારીઓએ સ્થાનિક લોકોને ઉશ્કેર્યા હતા’. જણાવી દઇએ કે આ ઘટના ત્યારે બની જ્યારે ED અધિકારીઓએ તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાંના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતાં. શાહજહાં રાજ્ય મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકના નજીકના સાથી માનવામાં આવે છે. અગાઉ કરોડો રૂપિયાના રાશન વિતરણ કૌભાંડ મામલે જ્યોતિપ્રિયા મલ્લિકની ધરપકડ કરવામાં આવી છે.

Most Popular

To Top