Columns

ડોનાલ્ડ ટ્રમ્પ પરના હુમલાને કારણે તેમની તરફેણમાં સહાનુભૂતિનું મોજું પેદા થશે

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી રેલીમાં થયેલા હુમલાથી અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. આ હુમલા બાદ વધુ એક ષડયંત્રની થિયરી સામે આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પના હુમલાખોરનું રશિયા-યુક્રેન યુદ્ધ સાથે કનેક્શન બહાર આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે થોમસ ક્રૂક્સ બ્લેકરોક સાથે સંકળાયેલો હતો અને યુક્રેનને ટેકો આપવામાં બ્લેકરોકની મોટી ભૂમિકા છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને યુક્રેન વિરુદ્ધ ગણવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો નિષ્ફળ પ્રયાસ કરનાર શૂટર થોમસ મેથ્યુ ક્રૂક્સને બ્લેકરોકની જાહેરાતમાં બતાવવામાં આવ્યો હતો. આ જાહેરાત બેથેલ પાર્ક હાઈસ્કૂલમાં ફિલ્માવવામાં આવી હતી. શનિવાર સાંજની ઘટના પછી બ્લેકરોકે તે વાંધાજનક વિડિયો હટાવી લીધો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પ પરના ગોળીબાર પછી સોશ્યલ મિડિયામાં કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે ટ્રમ્પને ક્યારેય ગોળી મારવામાં આવી નથી. કેટલાંક સૂત્રોને ટાંકીને અમેરિકન મિડિયાએ એમ પણ કહ્યું છે કે ટ્રમ્પના કાનમાંથી જે લોહી નીકળ્યું હતું તે વાસ્તવમાં કાચના ટુકડા સાથે અથડાવાને કારણે હતું.  ટ્રમ્પ જે ટેલિપ્રોમ્પ્ટરથી વાંચી રહ્યા હતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે કાચ તૂટી ગયો હતો અને તેમના કાનમાં ઈજા થઈ હતી. મિઝોરી સેક્રેટરી ઓફ સ્ટેટ વેલેન્ટિના ગોમેઝે ટ્વિટર પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં જણાવ્યું હતું કે સુરક્ષામાં ભૂલ ઇરાદાપૂર્વક કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમના સુરક્ષા કર્મચારીઓમાંથી કોઈની સાથે સ્પષ્ટ રીતે ચેડાં કરવામાં આવ્યાં છે. કેટલાંક લોકો માની રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં સહાનુભૂતિનું મોજું પેદા કરવા આ હુમલાનું નાટક કરવામાં આવ્યું હતું.

૧૯૮૧માં રોનાલ્ડ રીગનની હત્યાના પ્રયાસ બાદ અમેરિકામાં રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપતિપદના ઉમેદવાર પર આ પ્રથમ હત્યાનો પ્રયાસ હતો. અમેરિકામાં બરાબર ચાર મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હત્યાનો પ્રયાસ કરનારાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ ન બને તેવું ઇચ્છે છે. હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે કે જો તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તો યુદ્ધમાં યુક્રેનને સહાય આપવાનું બંધ કરશે. જો અમેરિકા સહાય કરવાનું બંધ કરી દે તો યુક્રેનને રશિયાને શરણે જવું પડે અને યુદ્ધ સમાપ્ત થઈ જાય. આ યુદ્ધ દ્વારા જેને ફાયદો થાય છે તે શસ્ત્ર લોબી દ્વારા ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડાયું હોઈ શકે છે.

અમેરિકા ઘણા દાયકાઓથી બંદૂકની હિંસા સાથે સંઘર્ષ કરી રહ્યું છે. યુએસ પ્રમુખ જોન એફ કેનેડીની ૧૯૬૩માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ ૧૯૬૮માં કેલિફોર્નિયામાં રોબર્ટ એફ કેનેડીની પણ હત્યા કરવામાં આવી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન અન્ય ઘણા ચૂંટણી ઉમેદવારોની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ૧૯૭૨માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા જ્યોર્જ વોલેસને પણ પ્રચાર દરમિયાન સ્ટેજ પર ગોળી મારી દેવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ પરના ગોળીબારનો ચૂંટણી ઉપર પ્રભાવ પડશે તે નક્કી છે.

આ પહેલી વાર નથી જ્યારે ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ પર જીવલેણ હુમલો થયો હોય. આ પહેલાં પણ અમેરિકાના રાષ્ટ્રપતિ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ પર ઘાતક હુમલા થઈ ચૂક્યા છે. એન્ડ્રુ જેક્સન અમેરિકાના સાતમા રાષ્ટ્રપતિ હતા. ૩૦ જૂન, ૧૮૬૫ના રોજ રાષ્ટ્રપતિ જેક્સનને ગોળી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુનેગાર રિચાર્ડ લોરેન્સની બંને પિસ્તોલ ખોટી રીતે ફાયર થઈ હતી. અમેરિકાના ઈતિહાસમાં આ પહેલો બનાવ હતો.

જ્યારે કોઈએ અમેરિકાના રાષ્ટ્રપતિને મારવાનો પ્રયાસ કર્યો હોય. અબ્રાહમ લિંકન અમેરિકાના ૧૬મા રાષ્ટ્રપતિ તરીકે સત્તામાં હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. ૧૪ એપ્રિલ, ૧૮૬૫ના રોજ અબ્રાહમ લિંકન વોશિંગ્ટન ડીસીમાં ફોર્ડના થિયેટરમાં કોમેડી  નાટક અવર અમેરિકન કઝિન જોવા ગયા હતા. અમેરિકન રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન તેમનાં પત્ની મેરી ટોડ લિંકન સાથે હતાં. આ સમય દરમિયાન સ્ટેજ એક્ટર જોન વિલ્કસ બૂથે અબ્રાહમ લિંકનની ગોળી મારીને હત્યા કરી હતી.

જેમ્સ ગારફિલ્ડ અમેરિકાના ૨૦મા રાષ્ટ્રપતિ હતા. અબ્રાહમ લિંકન પછી જેમ્સ ગારફિલ્ડ હત્યા કરાયેલા બીજા અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા હતા. ૨ જુલાઈ, ૧૮૮૧ ના રોજ ચાર્લ્સ જે. ગિટેઉએ જેમ્સ ગારફિલ્ડને ગોળી મારી હતી. થોડા મહિના પછી તેમનું મૃત્યુ થયું હતું. હેરી ટ્રુમેન અમેરિકાના ૩૩મા રાષ્ટ્રપતિ હતા. ૧ નવેમ્બર, ૧૯૫૦ ના રોજ હેરી ટ્રુમેનને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વ્હાઇટ હાઉસમાં થોડું કામ ચાલી રહ્યું હતું, તેથી હેરી ટ્રુમેન અસ્થાયી રૂપે બ્લેર હાઉસમાં રોકાયા હતા. રાષ્ટ્રપતિ પર હુમલો કરવા આવેલા બે હુમલાખોરો બિલ્ડીંગમાં પ્રવેશે તે પહેલાં જ પોલીસ કર્મીઓએ તેમને મારી નાખ્યા હતા. જ્હોન એફ. કેનેડી યુનાઇટેડ સ્ટેટ્સના ૩૫મા રાષ્ટ્રપતિ હતા. ૧૯૬૩માં કેનેડી તેમની પત્ની સાથે અમેરિકાના ડલ્લાસના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસમાં તેમની પત્ની જેક્લીન કેનેડી પણ તેમની સાથે હતી. ૨૨ નવેમ્બર, ૧૯૬૩ના રોજ એક સ્નાઈપરે જોન એફ. કેનેડીને ગોળી મારી તેમની હત્યા કરી હતી.

રોનાલ્ડ રીગન અમેરિકાના ૪૦મા રાષ્ટ્રપતિ હતા. ૧૯૮૧માં વોશિંગ્ટનની હિલ્ટન હોટેલમાંથી બહાર નીકળતી વખતે યુએસ પ્રમુખ રોનાલ્ડ રીગનને ગોળી મારી દેવામાં આવી હતી. આ હુમલાઓ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને જ્યોર્જ ડબલ્યુ બુશ પર પણ ઘાતક હુમલા થયા હતા. આ હુમલામાં અમેરિકન રાષ્ટ્રપતિ સુરક્ષિત રીતે બચી ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ગણાય છે. તેઓ પ્રમુખ જો બિડેન સામે સ્પર્ધામાં આગળ મનાય છે. તેમના પર હુમલો થવાનું આ મુખ્ય કારણ છે. અમેરિકાની જે લોબી ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખ તરીકે જોવા નથી માગતી તેણે આ હુમલો કરાવ્યો છે.

રાજકીય જોખમ સંશોધન અને કન્સલ્ટિંગ ફર્મ યુરેશિયા ગ્રુપના પ્રમુખ ઇયાન બ્રેમરેના મતે ચૂંટણી પ્રચાર રેલીમાં ગોળીબાર બાદ લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઠીક છે, પરંતુ અમેરિકન લોકશાહી ઠીક નથી. તેમણે ટ્વિટર પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં જણાવ્યું હતું કે હત્યાનો પ્રયાસ એટલા માટે થયો હતો કારણ કે ઘણાં અમેરિકનોને ખાતરી હતી કે તેમના રાજકીય હરીફ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન લોકશાહીને નષ્ટ કરવા માટે મક્કમ છે.

આ અત્યાર સુધીની સૌથી ખરાબ ઘટના છે અને હું ખૂબ જ ચિંતિત છું કે તે વધુ રાજકીય હિંસા અને સામાજિક અસ્થિરતા આવવાનો સંકેત આપે છે. ગોળીબાર બાદ હવામાં ઉછળેલી ડોનાલ્ડ ટ્રમ્પની મુઠ્ઠી અને લોહીલુહાણ ચહેરો રાષ્ટ્રપતિ જો બિડેન માટે નુકસાનકારક સાબિત થશે. ગયા મહિને ટી.વી. ચર્ચામાં નબળા પ્રદર્શન પછી જો બિડેન ખૂબ જ નબળા અને મૂંઝવણમાં દેખાઈ રહ્યા છે.  આ વખતે ટ્રમ્પ ચૂંટણી જીતે તેવી શક્યતા વધુ છે. અમેરિકનોએ રાજકીય ક્ષેત્રમાં વધુ હિંસા માટે તૈયારી રાખવી જોઈએ.

નવેમ્બરની ચૂંટણીમાં ટ્રમ્પની જીત યુક્રેન માટે અમેરિકાના સતત સમર્થન અંગે પ્રશ્નો ઊભા કરશે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો તેઓ ફરીથી રાષ્ટ્રપતિપદ જીતી જશે તો તેઓ ખૂબ જ ઝડપથી યુક્રેનના સંઘર્ષનો અંત લાવશે. આ કારણે યુક્રેનને ડર છે કે તેને નબળા સ્થાનેથી મોસ્કો સાથે વાટાઘાટો કરવાની ફરજ પડશે.  રશિયાના પ્રમુખ પુટિને એમ પણ કહ્યું હતું કે તેઓ યુદ્ધ સમાપ્ત કરવા વિશે ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીઓને ખૂબ જ ગંભીરતાથી લે છે. આ સાથે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ, અમેરિકા અને ખાડી દેશો વચ્ચેના સંબંધોમાં ઘણો બદલાવ આવશે. ભારત અને ચીનના સંબંધોમાં થોડી વધુ મિત્રતા અને દુશ્મની વધી શકે છે. મતલબ કે ભારત સાથે અમેરિકાના સંબંધો વધુ સુધરી શકે છે અને ચીન સાથે વધુ ખરાબ થઈ શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top