બીલીમોરા : રાજ્યભરમાં ચાલતી ચૂંટણીની તૈયારી વચ્ચે ભાજપ માટે નવસારીના ગણદેવીમાંથી માઠા સમાચાર આવ્યા છે. અહીં શહેર ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર ચપ્પુથી હુમલો કરાયો છે. જોકે, આ મામલો રાજકીય નહીં પરંતુ અંગત હોવાની વિગતો સપાટી પર આવી છે. પ્રેમસંબંધમાં આ હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. ગણદેવીના શહેર ભાજપના યુવા મોરચાના પ્રમુખને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે.
આ સમગ્ર ઘટના લગ્નેત્તર પ્રેમસંબંધની હોવાની વિગતો સપાટી પર આવી છે. પોતાની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી પતિએ ગણદેવી શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખને ચપ્પુ હુલાવી દીધું છે. હુમલા બાદ હુમલાખોર ભાગી છૂટ્યો છે. પોલીસ હુમલાખોરની શોધખોળ કરી રહી છે. જ્યારે યુવા મોરચાના ઘાયલ પ્રમુખને ગંભીર ઇજાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ કેસની મળતી વિગત એવી છે કે, બીલીમોરામાં રહેતા નિકુંજ ટેલરને એવો વહેમ છે કે તેની પત્નીનું ગણદેવી શહેર યુવા ભાજપ મોરચાના પ્રમુખ પ્રિયાંક અરવિંદભાઈ પટેલ સાથે અફેર છે, જેથી નિકુંજે ભાજપના યુવા મોરચાના પ્રમુખને બીલીમોરા ફોન કરીને બંદર ઉપર મળવા બોલાવ્યો હતો પણ પ્રિયાંક બંદર પર ગયો નહોતો અને પોતે એસ્સાર પેટ્રોલ પંપ પાસે ઉભો છે એવું જણાવતા થોડાક સમયમાં નિકુંજ ત્યાં પહોંચી ગયો હતો.
દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચલી થઈ હતી. ‘તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?’ એવું કહી નિકુંજે ભાજપના યુવા મોરચાના નેતા પ્રિયાંક સાથે ગાળા ગાળી કરી હતી. તેમજ ઉશ્કેરાઈ જઈ નિકુંજે પ્રિયાંકના જમણા હાથ ઉપર ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા. આ ઉપરાંત પથ્થર લઈ પ્રિયાંકને માથામાં પણ ગંભીર ઇજા પહોંચાડી હતી. આ કારણે યુવા ભાજપ મોરચા નો પ્રમુખ પ્રિયાંક લોહી લુહાણ થઈ ગયો હતો. જોકે તેની સાથે હાજર તેના મિત્ર ભાવિને પ્રિયાંકને બચાવી લીધો હતો પણ હુમલો કરનાર નિકુંજ ટેલર જતા જતા ધમકી આપી ગયો હતો કે, હવે પછીથી મારી પત્ની જોડે આડો સંબંધ રાખશે તો જાનથી મારી નાંખીશ કહી ત્યાંથી જતો રહ્યો હતો.
ઘાયલ પ્રિયંકને બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે. જોકે હવે પ્રિયાંક ભય મુક્ત છે. ઈજાગ્રસ્ત પ્રિયાંકના ભાઈ ધવલ અરવિંદભાઈ પટેલની ફરિયાદના આધારે બીલીમોરા પોલીસે ઇપીસી કોડની કલમ 323, 324,504,506(2) અને 135 મુજબ ગુનો નોંધી ફરાર હુમલાખોરની શોધખોળ કરી રહી છે.