નવી દિલ્હીઃ અમેરિકામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા હિંદુ મંદિરો પર હુમલા થયા છે. કેલિફોર્નિયાના સેક્રામેન્ટો કાઉન્ટીમાં બુધવારે એક હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું.
અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવાયું છે. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર રેન્ચો કોર્ડોવા વિસ્તારમાં આર્મસ્ટ્રોંગ એવન્યુ પર આવેલું છે. તે સેક્રામેન્ટો માથેર એરપોર્ટની ઉત્તરે સ્થિત છે. મંદિરની બહારના બોર્ડ પર વાંધાજનક ટિપ્પણીઓ લખવામાં આવી છે.
પાર્કિંગની સામેના સાઈન બોર્ડ પર પીએમ મોદીનો ઉલ્લેખ કરતી કોમેન્ટ લખવામાં આવી હતી. હુમલાખોરોએ મંદિર સાથે જોડાયેલ પાણીની લાઇન પણ કાપી નાંખી. આ હુમલા એવા સમયે થઈ રહ્યા છે જ્યારે પીએમ મોદી તાજેતરમાં અમેરિકાની મુલાકાતે ગયા હતા. અમેરિકા અને કેનેડામાં હિંદુ મંદિરો પર આ પ્રકારના હુમલા અગાઉ ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવ્યા છે. મંદિરના બોર્ડ પર ‘હિન્દુ ગો બેક’ લખેલું હતું.
અમેરિકામાં આઠ દિવસમાં આ બીજી ઘટના છે. BAPS પબ્લિક અફેર્સે કહ્યું કે સેક્રામેન્ટોમાં તેમના મંદિરને ‘હિંદુ ગો બેક’ના સંદેશ સાથે અપવિત્ર કરવામાં આવ્યું છે. BAPS એ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, શાંતિ માટે પ્રાર્થના કરતી વખતે અમે નફરત સામે એકજૂથ છીએ.
સેક્રામેન્ટો પોલીસે કહ્યું કે તેઓ માથેરના BAPS હિંદુ મંદિરમાં ‘હેટ ક્રાઈમ’ની તપાસ કરી રહ્યા છે. આરોપીઓએ પાણીની લાઈનો પણ કાપી નાંખી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાના પગલે હિંદુ સમુદાયના નેતાઓ સેક્રામેન્ટો સ્થિત મંદિરમાં પ્રાર્થના સમારોહ માટે ભેગા થયા હતા અને શાંતિ અને એકતા માટે હાકલ કરી હતી.
અગાઉ 16 સપ્ટેમ્બરે ન્યૂયોર્કના મેલવિલેમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરની બહાર રોડ અને સાઈનેજ પર અપશબ્દો લખવામાં આવ્યા હતા. મેલવિલે સફોક કાઉન્ટીમાં સ્થિત છે અને નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમથી લગભગ 28 કિલોમીટર દૂર છે, જ્યાં વડાપ્રધાન મોદીએ રવિવારે એક વિશાળ સમુદાય કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.
ધાર્મિક કટ્ટરતા અને નફરત માટે કોઈ સ્થાન નથી
સેક્રામેન્ટો કાઉન્ટીનું પ્રતિનિધિત્વ કરતા ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન અમી બેરાએ હિંદુ મંદિરની તોડફોડ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે સેક્રામેન્ટોમાં ધાર્મિક કટ્ટરતા અને નફરત માટે કોઈ સ્થાન નથી. હું અમારા સમુદાયમાં થઈ રહેલી આ બર્બરતાની સખત નિંદા કરું છું. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આપણે બધાએ અસહિષ્ણુતા સામે ઊભા રહેવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે આપણા સમુદાયમાં દરેક વ્યક્તિ, ભલે તે કોઈ પણ હોય, સુરક્ષિત અને સન્માન અનુભવે.
અન્ય ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન રો ખન્નાએ આ ઘટના પર કહ્યું, હિંદુ અમેરિકનો વિરુદ્ધ આ પ્રકારની નફરત અને બર્બરતા ભયાનક અને નૈતિક રીતે ખોટી છે. તેમણે કહ્યું કે જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ અપ્રિય ગુનાઓની તપાસ કરવી જોઈએ અને જવાબદાર લોકોને કાયદા હેઠળ સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવા જોઈએ.