મણીપુરમાં (Manipur) આતંકવાદીઓએ (Terrorist) કાયરતાપૂર્ણ કૃત્ય આચર્યું છે. અહીંના ચુરાચંદાપુર જિલ્લામાં ઉગ્રવાદીઓ દ્વારા અસમ રાઈફલ્સના (Assam Rifles) કમાન્ડીંગ ઓફિસરના કાફલા પર હુમલો (Attack) કરવામાં આવ્યો છે. આ હુમલામાં કમાન્ડીંગ ઓફિસર, તેમની પત્ની, બાળકો સહિત 7 જવાનો શહીદ થયા છે. હુમલો સવારે 10 વાગ્યે થયો હતો. હુમલા પાછળ પીપ્લસ લિબરેશન આર્મી જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે હુમલા પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદીઓ હુમલા માટે પહેલાંથી જ તૈયાર હતા. કર્નલ વિપ્લવ ત્રિપાઠીનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે તેઓએ હુમલો કર્યો હતો. આ કાયરતાપૂર્ણ હુમલામાં કર્નલ વિપ્લવ ત્રિપાઠી, તેમની પત્ની અને પુત્ર સહિત 7 જવાનો શહીદ થયા છે. કાયરતાપૂર્ણ હુમલાની મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે નિંદા કરી છે. CM સિંહએ સોશિયલ મીડિયા (Social Media) પર ટ્વીટ (Tweet) કરતા લખ્યું કે, ‘હું 46 ARના કાફલા પર કાયરતાપૂર્ણ હુમલાની સખ્ત નિંદા કરું છું. આ હુમલામાં આજે CO અને તેમના પરિવાર સહિત કેટલાંક જવાનો શહીદ થયા છે. રાજ્યની પોલીસ અને અર્ધસૈનિક દળ ઉગ્રવાદીઓને પકડવા માટે મક્કમછે. હુમલાખોરોને છોડવામાં આવશે નહીં.’
આ તરફ રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરી ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, ‘મણીપુરના ચુરાચાંદપુરમાં અસમ રાઈફલ્સના વીર જવાનો પર કાયરતાપૂર્ણ હુમલો થયો છે. ઘટનાને લઈને હું ખુબ દુ:ખી છું. આ ઘટના પર હું મારો શોક વ્યક્ત કરું છું. પાંચ વીર જવાનો સહિત CO અને તેના પરિવારના બે લોકોને દેશએ ગુમાવ્યા છે.
નોંધનીય છે કે, કર્નલ વિપ્લવ ત્રિપાઠી ફોરવર્ડ કેમ્પથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે આ હુમલો થયો હતો. આતંકવાદીઓ કર્નલના કાફલાની મૂવમેન્ટ પર નજર રાખીને હુમલાની તૈયારી સાથે બેઠાં હતાં. સિંઘાટમાં કર્નલના કાફલા પર આયોજનપૂર્વક મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો એટલો ભયાનક હતો કે કર્નલ વિપ્લવ ત્રિપાઠી, તેમની પત્ની અને પુત્રએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ચાર અન્ય જવાન પણ ત્યાં જ શહીદ થયા હતા. આ હુમલાની કોઈએ અધિકૃત રીતે જવાબદારી લીધી નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે હુમલો પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવ્યો છે. આ આતંકી સંગઠન 1978માં બન્યું હતું અને તેના દ્વારા અનેક હુમલા કરવામાં આવ્યા છે. પરંતુ શનિવારે કર્નલ પર કરવામાં આવેલો હુમલો અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે.
ઘટના બાદથી જ આર્મીએ અહીં પેટ્રોલિંગ વધારી દીધું છે. આતંકવાદીઓ અને આર્મીના જવાનો વચ્ચે છેલ્લાં કેટલાંક કલાકોથી સામસામી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આતંકવાદીઓને ઝડપી પાડવા માટે આર્મીનો મોટો કાફલો ઘટના સ્થળે ધસી ગયો છે.