ગાંધીનગર,તા.26
અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ને એક મોટી સફળતા મળી છે. પંજાબ રાજ્યના હેરોઈન અને ગ્રેનેડ-પિસ્તોલ સ્મગલિંગના ગંભીર ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ગુજરાત એટીએસની ટીમે અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી ઝડપી લીધો છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે પંજાબના અમૃતસર ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા ડ્રગ્સ અને વિસ્ફોટક પદાર્થોના ગુનામાં સંડોવાયેલો આરોપી રહેમતઅલી ઉર્ફે ઇલિયાસ મહમદ શેખ અમદાવાદના રખિયાલ વિસ્તારમાં છુપાયેલો છે અને ત્યાં એક એમ્બ્રોઈડરીના કારખાનામાં કામ કરી રહ્યો છે. આ માહિતીના આધારે એટીએસની ટીમે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો.
શું છે સમગ્ર મામલો ?
આરોપી વિરુદ્ધ પંજાબના લોપોકે પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧ માં ગુનો નોંધાયો હતો. આ કેસમાં પંજાબ પોલીસે અગાઉ નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો . ૪૨.૯ કિલોગ્રામ હેરોઈન (જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત થાય છે),૨ હેન્ડ ગ્રેનેડ,૧ મેડ-ઇન-ચાઈના પિસ્તોલ અને ૪૬ જીવતા કારતૂસ જપ્ત થયા હતા. આરોપી રહેમતઅલી આ મોટા ડ્રગ્સ અને હથિયાર રેકેટનો મુખ્ય ભાગ હતો, જે પાકિસ્તાન સરહદેથી ડ્રોન મારફતે આવતા ડ્રગ્સના કાળા કારોબાર અને હથિયારોને પંજાબના અન્ય શખ્સો સુધી પહોંચાડવાનું કામ કરતો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પંજાબમાં ગુનો નોંધાયા બાદ ધરપકડથી બચવા માટે આરોપી પહેલા નેપાળ ભાગી ગયો હતો. ત્યાંથી તે બિહાર થઈને ગુજરાત આવ્યો હતો.ગુજરાત એટીએસ દ્વારા ભારતભરમાં ઓપરેટ કરતા નાર્કોટિક્સ નેટવર્ક પર સતત નજર રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે પંજાબના અમૃતસર જિલ્લાના રાજાસાંસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હેરોઈન તથા ગન-પિસ્તોલ સ્મગલિંગ કેસનો વોન્ટેડ આરોપી રહમતઅલી ઉર્ફે ઇલિયાસ મહમદ શેખ પંજાબમાંથી ભાગી નેપાળ ગયો હતો અને બાદમાં બિહાર થઈ ગુજરાતમાં આવી અમદાવાદના રખિયાલ વિસ્તારમાં એક ઔદ્યોગિક કારખાનામાં કામ કરી રહ્યો છે.
આ બાતમીના આધારે એટીએસની ટીમે રખિયાલ વિસ્તારમાંથી આરોપી રહમતઅલી ઉર્ફે ઇલિયાસ મહમદ શેખને ઝડપી લીધો હતો.આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી એક મોટા નાર્કોટિક્સ તથા ગન-પિસ્તોલ સ્મગલિંગ નેટવર્કનો ભાગ છે. જાન્યુઆરી મહિનામાં હેરોઈન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલની કન્સાઇનમેન્ટ પંજાબમાં પહોંચાડવામાં તેની સંડોવણી હતી.ગુજરાત એટીએસ દ્વારા આ અંગે પંજાબ પોલીસને જાણ કરવામાં આવી છે. હાલમાં આરોપીનો કબજો પંજાબ પોલીસને સોંપવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.