દસેક વર્ષ પહેલાં હું ઓલપાડના સિધ્ધેશ્વર મંદિરની પાછળના ભાગમાં આવેલ મહોલ્લામાં ફરવા નીકળ્યો. મેં જોયું કે આખા મહોલ્લામાં પાણી આવવા જવાના માર્ગે કરેલી સ્ટાઇલબંધ પાળીઓ જાયેલી, મહોલ્લાવાળા ભાઇઓને પૂછયું તો કહે રાતે દરિયાનું પાણી આવી જાય અને સવાર થયે નીકળી જાય. મેં પૂછયું તમને બીક નથી લાગતી? તો કહે બીક શાની અમે તો નાના હતા ત્યારથી આ જોતા આવ્યા છીએ. સમુદ્રના ખોળામાં ઉછરેલી એ પેઢી હતી. હવે થોડા દિવસ પહેલા પાછો સિધ્ધેશ્વરની પાછળના એ મહોલ્લામાં ગયો તો પાણી દેખાયું નહીં. મેં એક બહેનને પૂછયું તો કહે પહેલા દરિયાનું પાણી અમારા આંગણા સુધી આવતું. પરંતુ આ લોકોએ જીંગાના તળાવો બનાવી દીધા છે એટલે દરિયાનું પાણી ત્યાં અટકી જાય છે. હવે દરિયો અમારા આંગણામાં આવતો નથી. જીંગાવાળાઓએ દરિયાલાલની એ મજા છિનવી લીધી. દરિયાને બાંધી દીધો. પૈસા કમાવાની લાલચમાં લોકો અને અમલદારોએ પ્રકૃતિ પર અત્યાચાર કરવા માંડયો છે.
અમે નવસારીના માછીવાડ ગામમાં ઉંચી ટેકરી પર આવેલા એક બંગલામાં રાતવાસો કરેલો. દરિયાના મોજાના એવા ભયંકર અવાજ આવ્યા કે ઉંઘમાંથી ઝબકી ઉઠવું પડયું. તો માલિક કહે આ તો દરિયા કાંઠાના ગામોમાં રહેવાની મજા છે. માત્ર નવસારીમાં જ નહીં ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશમાં પહાડો પર અનેક બંગલા હોટલો બાંધી દીધા, વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું. પરિણામે પહાડદેવ ગુસ્સે થયા અને ઠેક ઠેકાણે ભૂમિ સ્ખલન થયું છે. પહાડના પહાડ તૂટી પડયા છે. અનેક માર્યા ગયા અને હજારો મકાનો નદીઓમાં તણાઇ ગયા છે. કૂદરત પર અત્યાચાર કરો એટલે કૂદરત આ રીતે બદલો લઇ લે છે.
સુરત – ભરત પંડયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.