સુરત: (Surat) બિહારથી સુરત ફ્લાઇટમાં આવીને એટીએમ કાર્ડનું (ATM Card) ક્લોનિંગ (Cloning) કરી તેમાંથી લાખો રૂપિયા ઉપાડી લેનાર ઠગને ડિંડોલી પોલીસે બિહારથી ઝડપી પાડ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા એટીએમમાંથી કાર્ડ રીડરની ચોરી (Theft) કરી ડેટાથી ક્લોનીંગ (Cloning) મશીન દ્વારા ડુપ્લિકેટ એટીએમ બનાવી રૂપિયા ઉપાડી લેવાતા હતા.
- કાર્ડ રીડરની ચોરી કરી ડેટાથી ક્લોનીંગ મશીન દ્વારા ડુપ્લીકેટ એટીએમ બનાવી રૂપિયા ઉપાડી લેતા હતા
- સુરતમાં એટીએમમાંથી લોકોના પૈસા ઉપાડવાના 10 થી વધારે ગુના ઉકેલાયા
- આરોપીઓ બિહારથી સુરત ફ્લાઇટ મારફતે આવતા, અલગ અલગ ટીમ બનાવી એક્ષીસ બેંકના એ.ટી.એમ. ટાર્ગેટ કરતા
શહેરના એ.ટી.એમ.માંથી કાર્ડ રીડરની ચોરી કરી તેના ડેટાથી ક્લોનીંગ મશીન દ્વારા ડુપ્લિકેટ એ.ટી.એમ. કાર્ડ બનાવી લોકોના ખાતામાંથી દેશના અલગ અલગ રાજ્યોના એ.ટી.એમ.માંથી રોકડા રૂપિયા ઉપાડતી આંતર રાજ્ય ગેંગના એકને બિહારના ગયામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને પાંડેસરા, લિંબાયત, ઉધના, પુણા, ડીંડોલી, પોલીસ સ્ટેશનના 10 કેસ ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી. ડીંડોલી પોલીસે જણાવ્યું હતું કે, સુરતમાં 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો સંજીવકુમાર પાસિંગ ભૂમિહાર (ઉ.વ.22, રહે. ચોવાર શિવ મંદિર જી.ગયા, બિહાર) પોતાના વતનમાં હોવાની પાક્કી બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસની એક ટીમ બિહાર રવાના થઈ હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી વર્ક આઉટ કરી આરોપી સંજીવકુમાર પાસીંગ ભુમિહારને પકડી સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓ ફ્લાઈટમાં આવી કામ પતાવી નીકળી જતા હતા
આરોપીઓ બિહારથી સુરત ફ્લાઇટ મારફતે આવતા હતા. અલગ અલગ ટીમ બનાવી એક્ષીસ બેંકના એ.ટી.એમ. ટાર્ગેટ કરતા હતા. એ.ટી.એમ. મશીન વુડ ડુપ્લિકેટ ચાવીથી ખોલી એ.ટી.એમ. મશીનની અંદર કાર્ડ રીડરની સાથે પોતાની પાસે રહેલા સ્ટીમર મશીન લગાવતા હતા. એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા આવતા વ્યક્તિઓના કાર્ડનો ડેટા ચોરી કરી તે વ્યક્તિ જે પીન એન્ટર કરે તે પીન બાજુમાં ઉભા રહી મોબાઇલમાં નોંધી લેતા હતા. ત્યારબાદ આરોપીઓ એ.ટી.એમ.માંથી મેળવેલા ડેટા લેપટોપ ઉપર ચકાસી મીની ટુલ્સ સોફ્ટવેર મારફતે રાઇટર મશીનનો ઉપયોગ કરતા હતા. એ.ટી.એમ. કાર્ડ ડુપ્લિકેટ એ.ટી.એમ.કાર્ડ બનાવી અને ત્યારબાદ આ એ.ટી.એમ. કાર્ડનો ઉપયોગ દિલ્લી તથા બિહારના અન્ય શહેરોના એ.ટી.એમ. મારફતે રોકડા રૂપિયા ઉપાડી લેવા કરતા હતા.