Madhya Gujarat

નાપા તળપદમાં ATM તૂટ્યું, 3.18 લાખ રોકડની ચોરી

આણંદ : બોરસદના નાપા તળપદ ગામે પખવાડિયા પહેલા ત્રાટકેલા તસ્કરોએ ખાનગી બેંકના એટીએમને નિશાન બનાવી તેમાંથી રૂ.3.18 લાખની રોકડની ચોરી કરી હતી. આ અંગે બેન્કના સત્તાવાળાઓ દ્વારા જરૂરી કાર્યવાહી કર્યા બાદ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે, સીસીટીવી ફુટેજમાં કારમાં આવેલા ત્રણ શખસનું આ પરાક્રમ હોવાનું ખુલ્યું છે. બોરસદના નાપા તળપદ ગામે આવેલી ટાટા ઇન્ડીકેશનનું એટીએમ તોડી તસ્કરો રૂ.3.18 લાખ ચોરી ગયાં હતાં. મધરાતે કારમાં આવેલા અને મોંઢા પર કપડું બાંધી ઘુસેલા તસ્કરોએ સીસીટીવી કેમેરા તોડી નાંખીને પણ 2.50 લાખનું નુકશાન કર્યું હતું.

નાપા તળપદ ગામે 28મી નવેમ્બર, 21ની મધરાતે ત્રાટકેલા તસ્કરો ટાટા ઈન્ડીકેશનું એટીએમ મશીન ગેસ કટરથી કાપી નાંખ્યું હતું. બાદમાં અંદરથી 3.18 લાખ ઉપરાંતની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયાં હતાં. આ અંગે વ્હેલી સવારે બેન્કના સત્તાવાળાઓને જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યાં હતાં. ફુટેજ જતાં ટોલ બસ સ્ટેશનની નજીક આવેલા એટીએમ પર કારમાં ત્રણ જેટલા શખસ મોંઢે કપડું બંધી આવ્યાં હતાં અને સીસીટીવી કેમેરા તોડી નાંખીને અંદર ઘુસ્યા બાદ મશીનને ગેસ કટરથી કાપીને અંદર મુકેલા રોકડા 3,18,400 રૂપિયાની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયાં હતાં.

આ તસ્કરોએ આખુ એટીએમ મશીન જ તોડી નાંખ્યું હતુ. જોકે, ઈકો કારનો નંબર દેખાતો નથી. આખરે જરૂરી કાર્યવાહી બાદ બેંક દ્વારા બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતું કે, એટીએમ ચોરીમાં હરિયાણાની મેવાતી ગેંગની સંડોવણી હોવી જોઈએ. જે એટીએમ મશીનમાં ચોરી થઈ છે, તે પ્રાઈવેટ છે અને તેનું સંચાલન દિલ્હીથી થાય છે. જેથી ફરિયાદ થવામાં વીસેક દિવસ જેટલો સમય થયો હોવાનું જાણવા મળ્યું છે . જોકે, આ બનાવથી ચકચાર મચી છે.

Most Popular

To Top