આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ શનિવારે (21 સપ્ટેમ્બર) રાજ નિવાસ ખાતે આયોજિત એક સાદા કાર્યક્રમમાં આતિશીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા, આ સાથે આતિશી દિલ્હીની ત્રીજી અને સૌથી યુવા મહિલા મુખ્યમંત્રી બન્યા છે. 17 સપ્ટેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી સંબંધિત એક કેસમાં તિહાર જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ આમ આદમી પાર્ટી ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીને સર્વસંમતિથી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
આતિશીએ શનિવારે દિલ્હીના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ નિવાસ ખાતે એલજી વિનય સક્સેના દ્વારા તેમને શપથ લેવડાવવામાં આવ્યા હતા. આતિશી દિલ્હીની સૌથી યુવા અને ત્રીજી મહિલા મુખ્યમંત્રી બની છે. તેમના પહેલા સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત સીએમ રહી ચૂક્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને પંજાબના સીએમ ભગવંત માન હાજર રહ્યા હતા. આતિશી બાદ સૌરભ ભારદ્વાજ અને ગોપાલ રાયે મંત્રી તરીકે શપથ લીધા હતા. કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવતે પણ મંત્રી તરીકે શપથ લીધા. કેબિનેટમાં મુકેશ અહલાવત એકમાત્ર નવો ચહેરો છે. સીએમ તરીકે શપથ લેતા પહેલા આતિશી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા હતી. ત્યારબાદ તેઓ શપથ ગ્રહણ સ્થળ પર પહોંચ્યા હતા.
આતિશી
AAPના વરિષ્ઠ નેતા આતિશી દિલ્હીના કાલકાજીથી ધારાસભ્ય છે. અરવિંદ કેજરીવાલ સરકારમાં તેઓ શિક્ષણ, PWD, વીજળી, પ્રવાસન, મહિલા અને બાળ વિકાસ અને અન્ય ઘણા વિભાગોના મંત્રી હતા. તે આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના સભ્ય પણ છે. તેમણે 2003માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ઈતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ શરૂઆતથી જ આમ આદમી પાર્ટીના સભ્ય.
સૌરભ ભારદ્વાજ
સૌરભ ભારદ્વાજ દિલ્હીની ગ્રેટર કૈલાશ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. અરવિંદ કેજરીવાલ સરકારમાં તેઓ આરોગ્ય, શહેરી વિકાસ, પ્રવાસન-કલા સંસ્કૃતિ ભાષા, ઉદ્યોગ, સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી હતા. આ પહેલા તેઓ દિલ્હી જલ બોર્ડના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સૌરભ ભારદ્વાજે એક ખાનગી કંપનીમાં માઇક્રોચિપ્સ અને કોડિંગ નિષ્ણાત તરીકે તેમની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી.
કૈલાશ ગેહલોત
કૈલાશ ગેહલોત દિલ્હી દેહતની નજફગઢ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ દિલ્હી ગ્રામીણ વિસ્તારના મહત્વપૂર્ણ નેતા માનવામાં આવે છે. અરવિંદ કેજરીવાલ સરકારમાં તેમણે પરિવહન, મહેસૂલ, વહીવટી સુધારા, માહિતી અને ટેક્નોલોજી, કાયદો, ન્યાય અને કાયદાકીય બાબતોની જવાબદારી નિભાવી છે. તે 15 ઓગસ્ટના રોજ દિલ્હીના છાત્રસાલ સ્ટેડિયમમાં પૂર્વ મુખ્યમંત્રીની જગ્યાએ તિરંગો ફરકાવવા માટે પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા.
ગોપાલ રાય
ગોપાલ રાય આમ આદમી પાર્ટીના દિલ્હી પ્રભારી છે. તેઓ દિલ્હી સરકારમાં સૌથી અનુભવી નેતા છે. તેમણે અરવિંદ કેજરીવાલ સરકારમાં પર્યાવરણ અને અન્ય મંત્રાલયોની જવાબદારી સંભાળી છે. તેઓ આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય પણ છે. અણ્ણા આંદોલનના સમયથી અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલા છે.
ઈમરાન હુસૈન
ઈમરાન હુસૈન બલ્લીમારાન વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં તેમની સારી પકડ છે. તેઓ બે વખતના ધારાસભ્ય છે. તેઓ અરવિંદ કેજરીવાલની કેબિનેટમાં અન્ન અને નાગરિક પુરવઠા અને ચૂંટણી મંત્રી હતા. તેઓ જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના બિઝનેસ સ્ટડીઝના સ્નાતકના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.
મુકેશ અહલાવત
દલિત નેતા મુકેશ અહલાવત દિલ્હીના સુલતાનપુર મજરાથી ધારાસભ્ય છે. મુકેશ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. AAPએ તેમને 2020માં સુલતાનપુરથી ટિકિટ આપી હતી. તેમના પહેલા સંદીપ કુમાર પણ AAPની ટિકિટ પર 2015માં સુલતાનપુર માજરાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તે પહેલા આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી હતી. કોંગ્રેસ અહીંથી 1993થી 2013 સુધી ચૂંટણી જીતતી રહી છે. મુકેશ અહલાવત એકમાત્ર નવો ચહેરો છે જેઓને આતિશી કેબિનેટમાં સ્થાન મળ્યું છે.