National

પાણી માટે સત્યાગ્રહ પર બેઠેલી આતિશીની તબિયત લથડી, સુગર લેવલ 36 થતા હોસ્પિટલ ખસેડાયી

નવી દિલ્હી: હરિયાણામાંથી (Haryana) દિલ્હીને (Delhi) પોતાના હિસ્સાનું પાણી મળે તે માટે દિલ્હીની કેજરીવાલ સરકારની મંત્રી આતિશી (Minister Atishi) ભોગલમાં અનિશ્ચિત સત્યાગ્રહ ઉપર બેઠી હતી. ત્યારે ઉપવાસ પર બેઠેલી જળ મંત્રી (Water Minister) આતિશીની ગઇકાલે મોડી રાત્રે અચાનક તબિયત લથડતા તેણીને લોક નાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આતિશી શુક્રવારથી ઉપવાસ પર છે. તેણીનું કહેવું છે કે હરિયાણાથી દિલ્હીમાં લગભગ 110 MGD ઓછું પાણી આવી રહ્યું છે. જેના કારણે દિલ્હીના લગભગ 28 લાખ લોકોને પાણી નથી મળી રહ્યું. ત્યારે હરિયાણાના મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર લખ્યા બાદ પણ દિલ્હીને પાણી મળ્યું નથી. જેથી આતિશી શુક્રવારે 21 જૂનથી અનિશ્ચિતકાળ શુધી ગાંધીજીના માર્ગે સત્યાગ્રહ કરી રહી હતી. આ દરમિયાન તેણીનું શુગર લેવલ 36 થઇ ગયું હતું જે ખૂબ જ ઓછું હોવાથી તેણીને રાત્રે 3 વાગ્યાની આસપાસ દિલ્હીની લોક નાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ઉપવાસના બીજા દિવસથી બ્લડ સુગરનું સ્તર ઘટવા લાગ્યું
પ્રાપ્ત વિગતો મુજબ ઉપવાસના બીજા દિવસથી જ આતિશીનું બ્લડ સુગર લેવલ ઘટવા લાગ્યું હતું. તેમજ તેણીનું વજન પણ ઘટી ગયું હતું. ત્યારે સોમવારે લોકનાયક હોસ્પિટલના ડોક્ટરોએ તેણીની તબિયત તપાસ્યા બાદ તેણીને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી, પરંતુ તેણીએ ના પાડી દીધી હતી.

સવારે 3 વાગ્યે સુગર લેવલ ઘટીને 36 થઈ ગયું
આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે મધ્યરાત્રિએ આતિશીનું બ્લડ સુગર ઘટીને 43 થયું હતું જે સવારે ત્રણ વાગ્યે 36 થઈ ગયું હતું, ત્યારબાદ હોસ્પિટલના ડૉક્ટરોએ તેમને તાત્કાલિક દાખલ કરવાની સલાહ આપી હતી. જેથી તેણીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આતિશી છેલ્લા પાંચ દિવસથી કંઈ ખાતી નથી અને હરિયાણામાંથી દિલ્હીના હિસ્સાનું પાણી છોડવાની માગણી સાથે અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર છે.

સોમવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા, સાગરિકા ઘોષ અને પ્રતિભા મંડલ, પંજાબના AAP સાંસદ ડૉ. રાજકુમાર ઉપવાસ સ્થળ પર પહોંચ્યા હતા અને આતિશીને સમર્થન આપ્યું હતું. આ સાથે જ દિલ્હી સરકારના મંત્રીઓએ પણ સોમવારે વડાપ્રધાનને જળ સંકટના ઉકેલ માટે પત્ર લખ્યો હતો.

Most Popular

To Top