National

આતિશી અને પૂર્વ મંત્રીઓના અંગત સ્ટાફને દૂર કરાયો: CAG રિપોર્ટ રજૂ થયા બાદ કેજરીવાલની મુશ્કેલીઓ વધશે

દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના એક દિવસ પછી રેખા ગુપ્તાએ ભૂતપૂર્વ સીએમ આતિશી અને તેમના મંત્રીઓના અંગત સ્ટાફને હટાવી દીધો છે. આ ઉપરાંત આતિશી સરકાર દ્વારા અન્ય સ્થળોએ નિયુક્ત કરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક તેમના મૂળ વિભાગોમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથેજ 27 ફેબ્રુઆરીના રોજ CAG ના 14 અહેવાલો ગૃહમાં રજૂ કરવામાં આવશે. વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે.

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતાની સાથે જ સીએમ રેખા શર્મા એક્શનમાં આવી ગયા. તેમણે પહેલા દિવસથી જ જનતાના હિતમાં નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તા આજે બપોરે મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરશે. આમાં દિલ્હી જળ બોર્ડ અને પીડબ્લ્યુડીના અધિકારીઓને ખાસ બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં પીડબ્લ્યુડી મંત્રી પ્રવેશ વર્મા પણ હાજરી આપશે. બેઠકમાં ખરાબ રસ્તાઓ અને પાણીના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શુક્રવારે નવી સરકારની ટીકા કરવા બદલ કોંગ્રેસ અને AAP પર વળતો પ્રહાર કર્યો. રેખાએ કહ્યું- શપથ લીધા પછી તરત જ પહેલા દિવસે અમારી કેબિનેટ બેઠક થઈ અને અમે આયુષ્માન ભારત યોજનાને મંજૂરી આપી, જેને AAP દ્વારા અટકાવી દેવામાં આવી હતી. હવે અમે દિલ્હીનું ધ્યાન રાખીશું અને પીએમ મોદીના નેતૃત્વમાં દિલ્હીને તેના અધિકારો મળશે.

આપ નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ સીએમ આતિશીએ કહ્યું કે ભાજપે દિલ્હીની મહિલાઓને વચન આપ્યું હતું કે તેઓ પહેલી કેબિનેટ બેઠકમાં જ દિલ્હીની મહિલાઓને 2500 રૂપિયા આપવાની યોજના પસાર કરશે. દિલ્હીની બધી મહિલાઓને આશા હતી કે યોજના પસાર થશે. ભાજપે પહેલા દિવસથી જ પોતાના વચનો તોડવાનું શરૂ કરી દીધું. તેઓએ યોજના પસાર કરી ન હતી. ભાજપે દિલ્હીના લોકોને છેતરવાનું મન બનાવી લીધું છે.

કોંગ્રેસ નેતા અલકા લાંબાએ કહ્યું કે હું રેખા ગુપ્તાને અભિનંદન આપું છું કારણ કે તેમની પાસે હવે મોટી જવાબદારી છે. તેઓ (ભાજપ) વચનો આપતા રહે છે, અને તેઓ કેન્દ્રમાં પણ સત્તામાં છે. દિલ્હીના તમામ 7 સાંસદો ભાજપના છે. હવે જોવાનું એ છે કે તેઓ યમુનાને સાફ કરવા માટે શું કરે છે. હાલમાં મને લાગે છે કે યમુનાને સાફ કરવા માટે મશીનો અને અન્ય કામ ફક્ત ફોટો પાડવા માટે છે.

જણાવી દઈએ કે નવી સરકારનું વિધાનસભા સત્ર 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. તે ત્રણ દિવસ ચાલશે અને 27 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. ત્રીજા દિવસે CAG ના 14 અહેવાલો ગૃહમાં રજૂ કરવામાં આવશે. વિધાનસભાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સત્ર 24, 25, 27 ફેબ્રુઆરીના રોજ યોજાશે. પાછલી આમ આદમી પાર્ટી (AAP) સરકારના પ્રદર્શન સંબંધિત 14 પેન્ડિંગ CAG (કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ) અહેવાલો ગૃહમાં રજૂ કરવામાં આવશે. નવા ચૂંટાયેલા ધારાસભ્યો 24-25 ફેબ્રુઆરીએ શપથ લેશે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર 26 ફેબ્રુઆરીએ શિવરાત્રીની રજા પછી CAG રિપોર્ટ રજૂ કરશે.

Most Popular

To Top