Columns

આતિશી માર્લેના ઘણો સંઘર્ષ કરીને દિલ્હીનાં મુખ્ય મંત્રીની ગાદી સુધી પહોંચ્યાં છે

બિહારના તત્કાલીન મુખ્ય મંત્રી લાલુપ્રસાદ યાદવને ચારા કૌભાંડમાં જેલ થઈ ત્યારે તેમણે પોતાની ગમાર પત્ની રાબડી દેવીને મુખ્ય મંત્રીની ગાદી પર સ્થાપિત કરી દીધાં હતાં. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પણ જેલમાં ગયા ત્યારે તેમની સમક્ષ પોતાની પત્ની સુનિતાને મુખ્ય મંત્રીની ગાદી પર બેસાડવાનો વિકલ્પ હતો; પણ તેમણે જેલમાં રહીને પણ મુખ્ય મંત્રીની ભૂમિકા નિભાવવાનું પસંદ કર્યું હતું.

હવે જ્યારે કેજરીવાલ જેલમાંથી બહાર આવી ગયા છે ત્યારે તેમણે રાજકીય શતરંજનો દાવ ખેલીને મુખ્ય મંત્રી તરીકે રાજીનામું આપીને દિલ્હીમાં વહેલી ચૂંટણી યોજવાનો જુગાર કર્યો છે અને પોતાની ગાદી આતિશી માર્લેનાને સોંપવાનો નિર્ણય કરીને તેમના ટેકેદારોને પણ ચોંકાવી દીધા છે. આમ આદમી પાર્ટીની સરકારમાં મહત્ત્વના હોદ્દા પર રહી ચૂકેલાં આતિશીને આગામી મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યાં છે. અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં તમામ ‘આપ’નેતાઓએ આતિશીના નામને મંજૂરી આપી હતી. આ સાથે આતિશી દિલ્હીનાં ત્રીજાં મહિલા મુખ્ય મંત્રી બનશે. તેમના પહેલાં ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત આ પદ સંભાળી ચૂક્યાં છે.

દિલ્હીનાં શિક્ષણ મંત્રી આતિશી માર્લેનાને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંથી એક ગણવામાં આવે છે. આતિશીએ સામાજિક કાર્યકર તરીકે જાહેર જીવનની શરૂઆત કરી હતી. બાદમાં તેમણે આમ આદમી પાર્ટીમાંથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આતિશી હાલમાં દિલ્હીના કાલકાજી વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય છે. તેમણે દિલ્હી સરકારના શિક્ષણ વિભાગની સાથે PWD, સંસ્કૃતિ અને પર્યટન મંત્રી તરીકે સેવા આપી છે. આતિશીને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની નજીકનાં માનવામાં આવે છે. આતિશીએ સ્પ્રિંગડેલ્સ સ્કૂલ, દિલ્હીમાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું. આ પછી તેણે ડીયુની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. આતિશીએ વિદેશમાં પણ અભ્યાસ કર્યો છે. તેણે ચેવનિંગ સ્કોલરશિપ પર ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પ્રાચીન અને આધુનિક ઇતિહાસમાં માસ્ટર્સ કર્યું છે.

દિલ્હીના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને તત્કાલીન નાયબ મુખ્ય મંત્રી મનિષ સિસોદિયાની અલગ અલગ કેસોમાં ધરપકડ થયા બાદ આતિશીએ માર્ચ ૨૦૨૩માં મંત્રી તરીકે શપથ લીધા હતા. કાલકાજી વિધાનસભાથી જીતીને દિલ્હીની વિધાનસભા પહોંચેલી આતિશી સામે એક મોટો પડકાર હતો. જ્યારે કેજરીવાલ સરકાર પર હુમલાઓ તેજ થઈ રહ્યા હતા ત્યારે આતિશીએ ચાર્જ સંભાળ્યો હતો. ઘણાં મંત્રાલયોની જવાબદારી સાથે તે મિડિયામાં પાર્ટીની વાતને મજબૂત રીતે રજૂ કરતી જોવા મળી હતી. અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા ત્યારે બહાર કોઈ મોટો નેતા ન હતો તેથી આતિશીએ ચાર્જ સંભાળ્યો હતો. એવા સમયે જ્યારે પાર્ટીના અન્ય નેતાઓનાં ઠેકાણાં અંગે સવાલો ઊઠી રહ્યા હતા ત્યારે આતિશી સૌથી આગળ જોવા મળી હતી.

મનિષ સિસોદિયા જેલમાં ગયા પછી તેમણે શિક્ષણ મંત્રી તરીકે વધુ સારું કામ કર્યું. ‘આપ’નો ભાર શિક્ષણ પર છે અને પાર્ટી તેનો જોરશોરથી પ્રચાર પણ કરે છે. મનિષ સિસોદિયાએ શિક્ષણ મંત્રીપદ છોડ્યા બાદ એવો સવાલ ઊઠ્યો હતો કે શું પાર્ટી આ મુદ્દે બેકફૂટ પર આવશે; પરંતુ તેમ થયું નથી. આતિશીએ એવું જ કામ કર્યું જેનાથી લોકોને સિસોદિયાની કાર્યશૈલીની ઝલક જોવા મળી હતી. તે સમયે જ્યારે પાર્ટી સૌથી મોટા પડકારનો સામનો કરી રહી હતી, ત્યારે આતિશીએ કોઈ ભૂલ કરી ન હતી અને વિશ્વાસપાત્ર નેતા તરીકે પણ આગળ આવ્યાં હતાં. અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ આ ખુરશી પર કોઈ વિશ્વાસુ ધારાસભ્યને જ નિયુક્ત કરશે. બિહાર અને ઝારખંડનું ઉદાહરણ આપવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ચંપાઈ સોરેન અને જીતન રામ માંઝીનાં નામનો પણ ઘણો ઉલ્લેખ થયો હતો. આ સવાલો વચ્ચે અરવિંદ કેજરીવાલે આતિશી માર્લેનાના નામ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આમ આદમી પાર્ટી આજે જ્યાં છે ત્યાં સુધી તેને લઈ જવામાં આતિશીએ મોટો ફાળો આપ્યો છે. તેણીએ પૂર્વ દિલ્હીથી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગઈ હતી. ૨૦૨૦ માં તેણી કાલકાજી વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી જીતી અને ધારાસભ્ય બની હતી. તેમણે મનિષ સિસોદિયાના સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું અને શિક્ષણ નીતિઓ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શિક્ષણ મંત્રી બન્યા બાદ આતિશીએ દિલ્હીની શિક્ષણવ્યવસ્થામાં મહત્ત્વના સુધારા કર્યા છે. તાજેતરની ચૂંટણીમાં મહિલા મતદારોએ જે પક્ષો પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમને જ લીડ મળી હતી. ભારતની ચૂંટણીમાં હવે મહિલા મતદારોની ભૂમિકા વધી છે. સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત પછી આતિશી હવે દિલ્હીની ત્રીજી મહિલા મુખ્ય મંત્રી હશે. આ નિર્ણયથી મહિલા મતદારોમાં પણ એક સંદેશ જશે કે સરકાર તેમને મહત્ત્વ આપી રહી છે.

આતિશીનું આખું નામ આતિશી માર્લેના છે, પરંતુ વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પહેલાં આતિશીએ દરેક જગ્યાએથી તેના નામમાંથી માર્લેના સરનેમ હટાવી દીધી હતી. આ એટલા માટે કરવામાં આવ્યું હતું કે માર્લેના સરનેમને કારણે તે એક ખ્રિસ્તી છે તેવી છાપ ઊભી થતી હતી. વાસ્તવમાં ભાજપ તેને ચૂંટણીનો મુદ્દો બનાવી રહ્યું હતું. તેણે ૨૦૧૯માં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે તે પંજાબી રાજપૂત છે. તેણે કહ્યું હતું કે હું પંજાબી હિન્દુ પરિવારમાંથી છું. હું ક્ષત્રિય છું. મારી અટક કાર્લ માર્ક્સ અને વ્લાદિમીર લેનિન પરથી લેવામાં આવી છે. તેણે કહ્યું કે આ અટક તેને તેનાં માતાપિતાએ આપી હતી, જેઓ ડાબેરી વિચારધારા તરફ ઝુકાવ ધરાવે છે.

‘આપ’માં જોડાતાં પહેલાં આતિશીએ મધ્ય પ્રદેશના એક નાના ગામમાં સાત વર્ષ ગાળ્યાં હતાં, જ્યાં તે ઓર્ગેનિક ફાર્મિંગ અને પ્રગતિશીલ શિક્ષણ પ્રણાલી સાથે સંકળાયેલી હતી. તેણે ત્યાં ઘણી બિનલાભકારી સંસ્થાઓ સાથે કામ કર્યું હતું, જ્યાં તેઓ પ્રથમ વખત ‘આપ’ના કેટલાક સભ્યોને મળ્યાં હતાં. તે ‘આપ’ની સ્થાપના સમયે જોડાઈ ગઈ હતી. ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની મેનિફેસ્ટો ડ્રાફ્ટિંગ કમિટીના મુખ્ય સભ્ય આતિશીએ તેની રચનાના પ્રારંભિક તબક્કામાં આમ આદમી પાર્ટીની નીતિઓને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ગયા વર્ષે ૯ માર્ચે ‘આપ’ના ધારાસભ્યો આતિશી અને સૌરભ ભારદ્વાજે દિલ્હી કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા હતા. કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસમાં તિહાર જેલમાં રહેલા મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનાં રાજીનામાં બાદ તેમને દિલ્હી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. સૌરભ ભારદ્વાજને આરોગ્ય, શહેરી વિકાસ, પાણી અને ઉદ્યોગ વિભાગનો હવાલો આપવામાં આવ્યો હતો, જ્યારે આતિશીએ ૧૪ વિભાગોનો હવાલો સંભાળ્યો હતો. તેમાં શિક્ષણ, નાણાં, આયોજન, PWD, પાણી, વીજળી અને જનસંપર્કનો સમાવેશ થાય છે.

દારૂ નીતિના કેસમાં વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવેલા અરવિંદ કેજરીવાલે મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ ટોચના પદ માટે ઘણા નેતાઓનાં નામ ચર્ચામાં હતાં. આ ઉમેદવારોમાં મંત્રી આતિશી, ગોપાલ રાય, કૈલાસ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલનો સમાવેશ થાય છે. આતિશી ટોચના હોદ્દા માટે સૌથી આગળ હતી, કારણ કે તેણીએ દારૂ નીતિ કેસમાં કેજરીવાલ અને તેમના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયાની ધરપકડ પછી પક્ષમાં મોટી ભૂમિકા નિભાવી હતી. આતિશી માર્લેનાએ પાર્ટી ચીફની ધરપકડ પર કડક વલણ અપનાવ્યું હતું અને સૌરભ ભારદ્વાજ સાથે મળીને લોકસભાની ચૂંટણી દરમિયાન સરકારનું નેતૃત્વ પણ કર્યું હતું.  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top