National

આતિશીએ મુખ્યમંત્રીનો ચાર્જ લીધો, કેજરીવાલની ખુરશી ખાલી રાખી, કહ્યું- તમારી રાહ જોઈશ

આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ દિલ્હીના સીએમ પદનો ચાર્જ સંભાળી લીધો છે. તેમણે અનોખી રીતે ચાર્જ સંભાળ્યો. તેમણે મુખ્યમંત્રીની ખુરશીની બાજુમાં ખાલી ખુરશી મૂકીને ચાર્જ સંભાળ્યો હતો. આતિશી સીએમની ખુરશી પર બેઠા ન હતા. તે બીજી ખુરશી પર બેઠા હતા. મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે આજે મેં દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આજે મારા મનમાં પણ ભરતજીના જેવું જ દુઃખ છે. ભરતજીએ જે રીતે ભગવાન શ્રી રામની પાદૂકા રાખીને કામ કર્યું તે જ રીતે હું આગામી 4 મહિના સુધી મુખ્યમંત્રી પદ સંભાળીશ.

દિલ્હીના નવા સીએમ આતિશીએ સોમવારથી મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળી લીધો છે. આ દરમિયાન તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલની ખુરશી ખાલી છે અને તેઓ તેમની રાહ જોશે. માહિતી મળી રહી છે કે આજે જ કેબિનેટની બેઠક પણ બોલાવવામાં આવી શકે છે. આતિશીએ તેમના પાંચ કેબિનેટ સાથીદારો સાથે 21 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ રાજનિવાસ ખાતે આયોજિત સાદા સમારોહમાં શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત AAPનું ટોચનું નેતૃત્વ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. આતિશીના માતા-પિતા પણ શપથ ગ્રહણ સમારોહના સાક્ષી બન્યા હતા.

વિધાનસભા ચૂંટણીના માંડ પાંચ મહિના પહેલા આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી બની છે. આતિશી પછી સૌરભ ભારદ્વાજ તેમના મંત્રી પરિષદમાં શપથ લેનારા સૌપ્રથમ હતા, ત્યારબાદ ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને દિલ્હી કેબિનેટમાં નવા સભ્ય મુકેશ અહલાવતે ગોપનીયતાના શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહ બાદ આતિશીએ સમારોહમાં હાજર રહેલા કેજરીવાલના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા હતા. રાજ નિવાસ પહોંચતા પહેલા જ તે તેમના કેબિનેટ સાથીદારો સાથે સિવિલ લાઇન્સમાં પૂર્વ મુખ્યમંત્રીના આવાસ પર પહોંચ્યા હતા. ત્યાંથી તે પાર્ટીના ટોચના નેતૃત્વની સાથે શપથ ગ્રહણ સમારોહમાં ગયા હતા.

શપથ લીધા બાદ પોતાના પહેલા નિવેદનમાં આતિશીએ કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 10 વર્ષમાં દિલ્હીની તસવીર બદલી નાખી છે. શિક્ષણ અને આરોગ્યના માળખામાં સુધારો કરવાની સાથે લોકોને મફત વીજળી આપવામાં આવી છે. તેમનો આરોપ હતો કે ભાજપે તેમના પર ખોટા કેસ કર્યા હોવાથી તેઓ આજે મુખ્યમંત્રી નથી. પરંતુ તેઓ તૂટ્યા નહીં, દબાયા નહીં. હવે આપણે બધા દિલ્હીવાસીઓએ મળીને ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી બનાવવાના છે. આતિશીએ લોકોને આશ્વાસન આપ્યું કે હવે અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર છે. હવે દિલ્હીમાં ગટરો ઠીક થશે, પાણીની સમસ્યા દૂર થશે, રસ્તાઓ સારા થશે. ભાજપનું કોઈપણ ષડયંત્ર હવે સફળ નહીં થાય.

Most Popular

To Top