નવી દિલ્હી: યુપીના માફિયા અતિક અહેમદ (Atiq Ahemad) અને તેના ભાઈ અશરફ (Ashraf)ની હત્યા (murder)નો મુદ્દો હજુ પણ ઉત્તેજનાપૂર્ણ રહ્યો છે. દેશભરમાં આ હત્યાને રાજકીય (political) અથવા તો ધાર્મિક રંગ આપવાના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યાં છે. ત્યારે હવે ખુંખાર આતંકવાદી સંગઠન અલ કાયદા (Al Qaeda) પણ આ કેસમાં કુદી પડ્યું છે. અલ કાયદાએ ભારત (India)ને એવી ધમકી આપી છે કે અતિક-અશરફ અહેમદની હત્યાનો બદલો લેવામાં આવશે. જેને પગલે હવે યુપી (UP) પોલીસ (Police) અને સરકારનું ટેન્શન વધી ગયું છે.
વિશ્વના ખુંખાર આતંકવાદી સંગઠનો પૈકીના એક અલ કાયદાએ સાત પાનાનું એક મેગેઝિન પ્રકાશિત કર્યું છે. જેમાં ભારતને ટાંકીને એવું લખાયું છે કે અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાનો બદલો લેવામાં આવશે. આ વાત યુપી પોલીસ અને સરકાર સુધી પહોંચી છે અને તેને પગલે તણાવ વધ્યો છે. અલ કાયદા ખુંખાર સંગઠન છે અને બોલેલું પાળી બતાવે તેવો તેનો ભૂતકાળ છે. આવા સંજોગોમાં હવે પોલીસ અને સરકારે વધુ સાવધાની વર્તવી શરૂ કરી દીધી છે.
પોલીસને વધુ એક ચોંકાવનારી વિગતો સાંપડી છે. પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અતિક અહેમદના પુત્ર અસદના મોબાઈલ ચેટમાં મોટો ખુલાસો થયો છે. જેમાં અસદ અને વકીલ ખાન સૌલત હનીફ વચ્ચેની ચેટથી સૌનું ધ્યાન કેન્દ્રિત થયું છે. કારણકે હત્યાના પાંચેક દિવસ પૂર્વે જ વકીલ હનીફે ઉમેશ પાલનો ફોટો અસદને મોકલ્યો હતો. જેથી પોલીસ હવે તેની તપાસમાં લાગી છે અને હત્યાકાંડથી જોડાયેલી તમામ કડીઓને ચકાસી રહી છે.
નોંધનીય છે કે ગઈ તા. 15મી એપ્રિલના રોજ અતિક અને અશરફની હત્યા કરવામાં આવી હતી. પોલીસના ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે શૂટર અરૂણ મૌર્યા, સની અને લવલેશ તિવારી, પત્રકારના સ્વાંગમાં અતિક-અશરફની નજીક પહોંચ્યા હતાં. પોઈન્ટ બ્લેન્ક રેન્જથી જ અતિક-અશરફને ઉપરાછાપરી ગોળીઓ મારવામાં આવી હતી અને સ્થળ પર જ તેઓના મોત થયા બાદ શૂટરોએ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું હતું.
અતિકની હત્યાના પડઘા દેશભરમાં પડ્યાં છે અને તેને કોઈ ષડ્યંત્ર ગણાવી રહ્યાં છે, કોઈ રાજકારણ ગણાવી રહ્યાં છે તો કોઈ તેને હિન્દુ-મુસ્લિમ ધર્મનો રંગ પણ આપી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં પણ થોડા દિવસો પૂર્વે અતિક-અશરફના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા હતાં. તો પટનામાં શુક્રવારની નમાઝ બાદ અતિકના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરાયો હતો.
હવે રમઝાન ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે પ્રયાગરાજમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસને ડર છે કે અતિકની ગેંગના માણસો હત્યાનો બદલો લેવા માટે કોઈ નવાજૂની કરશે. જો કે પોલીસ માટે વધુ એક વાત માથાનો દુ:ખાવો બની ગઈ છે. શાંતિ બરકરાર રાખવા માટે પોલીસ શક્ય તેટલું વહેલા અતિકના ગુંડાઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલવાના પ્રયત્નોમાં છે. પરંતુ સર્વેલન્સમાં એટલે કે ઓબ્ઝર્વેશનમાં રખાયેલા અતિક ગેંગના 800 જેટલા મોબાઈલ નંબરો અચાનક જ બંધ થઈ ગયા છે. જેથી પોલીસ આ તમામ બંધ કરાયેલા નંબરોની કોલ ડિટેઈલ્સ સહિતની વિગતો ચકાસવામાં લાગી છે.