ઉમેશ પાલ હત્યાકેસમાં માફિયા અતિક અહેમદની પત્ની શાઈસ્તા ફરાર થઈ ગઈ છે અને પોલીસ તેને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે. ત્યારે ગોરખપુરમાં એક પ્રોફેસરે શાઈસ્તા અને અતિક અહેમદના પરિવારના સમર્થનમાં ધરણાં શરૂ કર્યાં છે. તેનું કહેવું છે કે પોલીસ અતિકના પરિવારને રંજાડી રહી છે, કાયદાની હદમાં રહી પોલીસે કાર્યવાહી કરવી જોઈએ.
ઉમેશ પાલ હત્યાકેસમાં માફિયા અતિક અહેમદની પત્ની શાઈસ્તાનું નામ સામે આવ્યું હતું. જો કે અતિક-અશરફની હત્યા બાદ પોલીસે ઉમેશ પાલ મર્ડર કેસની કાર્યવાહીને વેગ આપ્યો હતો. પોલીસે શાઈસ્તાની શોધખોળ શરૂ કરી હતી પરંતુ સફળતા મળી ન હતી. અતિક-અશરફની દફનવિધિ વેળા પણ શાઈસ્તા ત્યાં આવ્યાની બાતમી પોલીસને મળી હતી પરંતુ તે ખોટી નીકળી હતી. સાથે જ શાઈસ્તાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હોવાની વાત પણ અફવા સાબિત થઈ હતી. ત્યારે પોલીસ માટે શાઈસ્તાને શોધવાનું અઘરૂં થઈ પડ્યું છે.
પોલીસને એવી જાણકારી મળી છે કે શાઈસ્તા અનેક મુસ્લિમ મહિલાઓ સાથે બુરખામાં ફરી રહી છે, જેથી તેને શોધી કાઢવી મુશ્કેલ છે. ઉપરાંત શાઈસ્તા સતત સંતાવાની જગ્યા પણ બદલતી રહી છે. આમ તે હજુ પણ પોલીસની પકડથી દૂર રહેવામાં સફળ રહી છે.
બીજી તરફ આ કેસમાં એક નવો ફણગો ફૂટ્યો છે. ગોરખપુરમાં એક 58 વર્ષીય પ્રોફેસરે પોલીસ કાર્યવાહી સામે મોરચો ખોલી અતિકના પરિવારના સમર્થનમાં ધરણાં શરૂ કર્યાં છે. ગોરખપુર સ્થિત ટાઉન હોલમાં ગાંધીજીની પ્રતિમા નીચે તે હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે શાઈસ્તા કી તલાશ ક્યોં એવું પ્લેકાર્ડ લઈને બેસી ગયા છે. ડો. સંપૂર્ણાનંદ મલ્લ નામના આ પ્રોફેસરે દિલ્હી યુનિ.ના આર્કિયોલોજી વિભાગમાં પીએચડી કર્યું છે અને ગોરખપુર યુનિ.માં પ્રોફેસર તરીકે 6 વર્ષ કામ પણ કર્યું છે.
ડો. મલ્લે ત્રણ માંગ ઉઠાવી છે, જેમાં કહ્યું છે કે શાઈસ્તા કી તલાશ ક્યોં? કોઈ મહિલા ડરના માર્યા છૂપાતી ફરી રહી છે, એ આપણાં બધા માટે કલંકની વાત છે. વધુમાં ડો. મલ્લે ઉમેર્યું છે કે સરકારે અતિકના પરિવારને અકારણ હેરાન કરવો જોઈએ નહીં. કાયદાની હદમાં રહીને કાર્યવાહી કરવી જોઈએ. શાઈસ્તાને પોલીસ જે રીતે હેરાન કરી રહી છે તે યોગ્ય નથી. હું પોલીસ અને સરકારને વિનંતી કરૂં છું કે કાયદાની હદમાં રહીને કાર્યવાહી કરવી જોઈએ.
નોંધનીય છે કે અતિક અહેમદની હત્યા બાદ તેના સમર્થનમાં સતત વધારો થઈ રહ્યો છે. બિહારના પટનામાં 21 એપ્રિલે જુમ્માની નમાઝ બાદ અતિકના સમર્થનમાં સૂત્રોચ્ચાર થયા હતાં. અનેક લોકોએ અતિકને શહિદ બતાવ્યો હતો અને બંનેને એક ષડ્યંત્રના ભાગરૂપે મારી નાંખ્યાના આક્ષેપ પણ કર્યાં હતાં. પ્રયાગરાજમાં પણ કોંગ્રેસના રાજકુમાર ઉર્ફે રજ્જુ ભૈયાએ અતિકની કબર ઉપર તિરંગો ચઢાવીને તેને શહિદ બતાવી ભારતરત્ન આપવાની માંગ કરી હતી. જે અંગે રાજકુમાર સામે કેસ પણ દાખલ થયો છે.