થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે તેમની સરહદ પર ફરી અથડામણો ફાટી નીકળી છે, જે એક દાયકામાં સૌથી વધુ હિંસક ઉગ્રતા દર્શાવે છે. બંને રાષ્ટ્રો વચ્ચેના સંઘર્ષના કેન્દ્રમાં ૯૦૦ વર્ષ જૂનું પ્રેહ વિહાર મંદિર છે, જે સ્થાનિક ભાષામાં તા મુએન થોમ મંદિર તરીકે ઓળખાય છે. ઇસુની ૧૨મી સદીમાં બંધાયેલું આ મંદિર ભગવાન શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે, જે કંબોડિયાના ડાંગ્રેક પર્વતોમાં ૫૨૫ મીટરની ઊંચાઈ પર આવેલું છે. ખ્મેર સામ્રાજ્ય હેઠળ બનેલ આ શિવ મંદિર ફક્ત કંબોડિયનો માટે જ નહીં, પરંતુ તેમના પડોશી થાઈ લોકો માટે પણ એક આસ્થાનું સ્થળ છે.
ગુરુવારે વહેલી સવારે થાઇલેન્ડના સુરિન પ્રાંતમાં આવેલાં તા મુએન થોમ મંદિર નજીક કંબોડિયન સૈનિકોએ થાઈ લશ્કરી મથકોની જાસૂસી માટે ડ્રોન તૈનાત કર્યાં ત્યારે મુકાબલો શરૂ થયો હતો. થાઇલેન્ડનો દાવો છે કે આરપીજીથી સજ્જ કંબોડિયન ટુકડીઓ દ્વારા ઉશ્કેરણી બાદ તેનાં દળોએ સ્વબચાવમાં કાર્યવાહી કરી હતી. બીજી તરફ કંબોડિયાનો આરોપ છે કે થાઇલેન્ડે તેના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે. થાઇલેન્ડે ખતરાના સ્તરને ‘સ્તર ૪’ સુધી વધારી દીધું, જેના કારણે બંને દેશોની સરહદ પરની તમામ સરહદી ચોકીઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ૮૬ ગામડાંઓમાંથી લગભગ ૪૦,૦૦૦ થાઇ નાગરિકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.
કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચેનો સરહદ ઝઘડો સીમાંકનને લગતા વિવાદની આસપાસ ફરે છે, જેમાંથી મોટા ભાગના વિવાદો વસાહતી યુગમાં દોરાયેલી સરહદોમાંથી પેદા થયા છે. હાલની દુશ્મનાવટ તા મુએન થોમ મંદિર પર કેન્દ્રિત છે. ડાંગ્રેક પર્વતોમાં ખડકાળ જંગલી સરહદ પર સ્થિત આ ઓછા જાણીતા હિન્દુ સંકુલમાં ત્રણ મુખ્ય મંદિરો છે : તા મુએન થોમ, તા મુએન અને તા મુએન ટોટ. તા મુએન થોમમાં દક્ષિણ તરફ મુખ ધરાવતું એક ગર્ભગૃહ છે, જે ખ્મેર મંદિરોમાં એક વિસંગતતા છે, જે પરંપરાગત રીતે પૂર્વ તરફ મુખ ધરાવે છે.
તેના ગર્ભગૃહમાં કુદરતી રીતે રચાયેલું શિવલિંગ સ્થાપિત રહે છે. તેના સ્થાનને કારણે તે વારંવાર ચર્ચાનો વિષય બન્યો છે. ફેબ્રુઆરીમાં કંબોડિયન સૈનિકોએ મંદિરમાં તેમનું રાષ્ટ્રગીત ગાયું હતું, જેના કારણે થાઈ સૈનિકો સાથે ઘર્ષણ થયું હતું. આ અથડામણનો એક વિડિયો સોશ્યલ મિડિયા પર વાયરલ થયો હતો. ૧૮૬૩માં કંબોડિયા પર ફ્રેન્ચ રક્ષણની સ્થાપના બાદ, ૧૯૦૪ થી ૧૯૦૭ દરમિયાન ફ્રાન્સ અને સિયામ વચ્ચે પ્રાદેશિક સીમાઓને વ્યાખ્યાયિત કરવા માટે અનેક સંધિઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ફ્રેન્ચ સર્વેયરોએ જળરેખાઓના આધારે નકશા બનાવ્યા હતા, પરંતુ પ્રેહ વિહાર જેવા સાંસ્કૃતિક રીતે મહત્ત્વપૂર્ણ સ્થળોની નજીક અપવાદો રાખ્યા હતા.
દક્ષિણ-પૂર્વ એશિયાના ઇતિહાસકારોએ લાંબા સમયથી નોંધ્યું છે કે ખાસ કરીને પશ્ચિમી શક્તિઓ દ્વારા દોરવામાં આવેલી સીમાઓ પ્રાદેશિક રાજકારણ માટે અજાણી હતી. યુરોપિયન નકશાશાસ્ત્ર પર આધારિત ફ્રેન્ચનિર્મિત નકશાઓએ કંબોડિયાને એક અલગ ભૌગોલિક શરીર આપ્યું, જેમાં પ્રેહ વિહાર તેની સરહદોની અંદર સ્થિત હતો. થાઇલેન્ડ સતત આ રેખાઓનો વિરોધ કરે છે. ૨૦૦૮માં કંબોડિયાએ પ્રેહ વિહારને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સૂચિબદ્ધ કરવામાં સફળતા મેળવી હતી, જેનો ફરીથી થાઈલેન્ડમાં વિરોધ થયો હતો. થાઈલેન્ડના તત્કાલીન વિદેશ પ્રધાન નોપ્પાડોન પટ્ટામાએ આ નિર્ણયને ટેકો આપ્યો હતો તો તેમને ઘરેલુ વિરોધને કારણે રાજીનામું આપવાની ફરજ પડી હતી. તે જ વર્ષે મંદિર નજીક અથડામણ થઈ, જેમાં બંને પક્ષના સૈનિકો માર્યા ગયા હતા.
૧૯૬૨માં આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ) એ કંબોડિયાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને થાઇલેન્ડને સૈનિકો પાછા ખેંચવાનો અને ૧૯૫૪ પછી દૂર કરવામાં આવેલી કોઈ પણ ધાર્મિક કલાકૃતિઓ પરત કરવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદો ૧૯૦૭ના ફ્રેન્ચ દ્વારા દોરવામાં આવેલા નકશા પર આધારિત હતો, જેમાં મંદિરને ફ્રેન્ચ સંરક્ષિત કંબોડિયામાં મૂકવામાં આવ્યું હતું. થાઇલેન્ડ, જે તે સમયે સિયામ હતું, એણે તે સમયે આ નકશાને સ્વીકાર્યો હતો પરંતુ પાછળથી દલીલ કરી હતી કે તેણે બે દેશો વચ્ચેની સરહદ કુદરતી જળરેખાને અનુસરે છે તેવી ભૂલભરેલી માન્યતા હેઠળ આવું કર્યું હતું કે. ICJ એ તારણ કાઢ્યું કે થાઇલેન્ડે નકશાને સ્વીકારી લીધો છે. ૨૦૧૧ માં સ્થળ પર સૈનિકો વચ્ચે ફરી અથડામણ થયા પછી ૨૦૧૩ માં ICJ એ તેના મૂળ ચુકાદાને સ્પષ્ટ કર્યો હતો, જેમાં કંબોડિયાને માત્ર મંદિર પર જ નહીં પરંતુ આસપાસના વિસ્તારો પર પણ સાર્વભૌમત્વ આપ્યું હતું અને થાઇલેન્ડને તેનાં દળોને દૂર કરવા સૂચના આપી હતી.
કંબોડિયાના વડા પ્રધાન હુન માનેટે ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રમુખ અસીમ ઇફ્તિખાર અહેમદને પત્ર લખીને કહ્યું હતું કે થાઇલેન્ડ દ્વારા તાજેતરના અત્યંત ગંભીર આક્રમણોને ધ્યાનમાં રાખીને, જેણે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાને ગંભીર રીતે જોખમમાં મૂકી છે, હું તમને થાઇલેન્ડના આક્રમણને રોકવા માટે સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠક બોલાવવા વિનંતી કરું છું. હાલમાં અધ્યક્ષ હોવાને કારણે ફક્ત પાકિસ્તાન પાસે જ UNSC ની બેઠક બોલાવવાની સત્તા છે. થાઇલેન્ડે કંબોડિયાને સૈન્ય પાછું ખેંચી લેવા કહ્યું છે અન્યથા તણાવ વધારવાની ધમકી આપી છે. થાઇલેન્ડના વિદેશ મંત્રાલયે કંબોડિયાને એવી કાર્યવાહી બંધ કરવા વિનંતી કરી છે જે તેના મતે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. થાઇલેન્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કંબોડિયા તેના હુમલાઓ ચાલુ રાખશે તો થાઇલેન્ડ સ્વબચાવનાં પગલાંને વધુ તીવ્ર બનાવવા માટે તૈયાર છે.
કંબોડિયાનું અર્થતંત્ર ગંભીર મુશ્કેલીમાં છે. ત્યાંના વડા પ્રધાન હુન માનેટ ભૂતપૂર્વ શાસક નેતાના પુત્ર છે અને તેમણે હજુ સુધી પોતાનો કોઈ મજબૂત રાજકીય પગપેસારો કર્યો નથી. તેમના પિતા હુન સેન હજુ પણ પ્રભાવશાળી છે અને તેમના મજબૂત રાષ્ટ્રવાદી વલણને દર્શાવવા માટે સંઘર્ષને વધારવા તૈયાર દેખાય છે. થાઇલેન્ડ તરફ નજર કરીએ તો ત્યાં એક અસ્થિર ગઠબંધન સરકાર છે, જેની પાછળ શક્તિશાળી નેતા થાક્સિન શિનાવાત્રા છે. તેમનો અને હુન સેનના પરિવારનો ગાઢ અંગત સંબંધ છે, પરંતુ હુન સેને એક ખાનગી વાતચીત જાહેર કર્યા પછી તેમને વિશ્વાસઘાતનો અનુભવ થયો હતો.
આ લીકને કારણે તેમની પુત્રી અને વડાં પ્રધાન પિન્ટોંગટાકુના કોર્નવોંગને બંધારણીય અદાલત દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. હવે જોવાનું એ રહે છે કે શું અન્ય ASEAN સભ્યો આ સંઘર્ષમાં હસ્તક્ષેપ કરે છે અને બંને દેશોને તણાવ ઘટાડવા રાજી કરે છે. આસિયાનનું મુખ્ય ધ્યેય તેના સભ્ય દેશો વચ્ચેના સંઘર્ષને ટાળવાનું છે અને આ સમયે કેટલાક સભ્ય દેશો માટે થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેના વિવાદને ઉકેલવો એ પ્રાથમિકતા હોઈ શકે છે.
કંબોડિયાના વડા પ્રધાને કહ્યું કે કંબોડિયા હંમેશ શાંતિપૂર્ણ માધ્યમથી વિવાદોનો ઉકેલ લાવવાના સિદ્ધાંતનું પાલન કરે છે, પરંતુ આ સ્થિતિમાં, લશ્કરી આક્રમણ સામે બળથી જવાબ આપવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. થાઈ અધિકારીઓ પણ દાવો કરે છે કે કંબોડિયાની સેનાએ થાઈ પ્રદેશમાં ઘૂસણખોરી કરી છે. કંબોડિયાનો આરોપ છે કે થાઈલેન્ડે સરહદના કંબોડિયા તરફના ભાગમાં વધુ પડતો બળપ્રયોગ કર્યો છે. ગુરુવારે શરૂ થયેલો ભીષણ સંઘર્ષ ૧૩ વર્ષમાં બંને દેશો વચ્ચેનું સૌથી મોટું યુદ્ધ છે. ૨૦૧૨ની શરૂઆતમાં પ્રેહ વિહાર મંદિરની આસપાસ થયેલી અથડામણમાં ડઝનબંધ સૈનિકો માર્યા ગયા હતા. તાજેતરની કટોકટી ૨૮ મેના રોજ શરૂ થઈ હતી, જ્યારે થાઈ સેના સાથે સરહદ પર થયેલી અથડામણમાં એક કંબોડિયન સૈનિકનું મોત થયું હતું. બંને પક્ષોએ કહ્યું હતું કે ગોળીબાર સ્વબચાવમાં કરવામાં આવ્યો હતો.
થાઇલેન્ડે કહ્યું છે કે તાજેતરના સંઘર્ષમાં તેના ઓછામાં ઓછાં ૧૩ નાગરિકો અને ૧ સૈનિકના મોત થયાં છે, જ્યારે ૧૪ સૈનિકો અને ૩૨ નાગરિકો ઘાયલ થયાં છે. થાઇલેન્ડના આરોગ્ય પ્રધાન સોમસાક થેપ્સુથિને કહ્યું કે કંબોડિયાએ ગોળીબારમાં એક હોસ્પિટલને નિશાન બનાવી છે. તેમણે માંગણી કરી કે આને યુદ્ધ ગુનો જાહેર કરવામાં આવે. કંબોડિયાએ એમ પણ કહ્યું છે કે એક હોસ્પિટલ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેણે આંતરરાષ્ટ્રીય તપાસની માંગણી કરી છે. થાઇલેન્ડના સંરક્ષણ પ્રધાને કહ્યું કે આ હુમલો કંબોડિયાના ગોળીબારનો યોગ્ય જવાબ હતો. કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચેના યુદ્ધને કારણે યુદ્ધગ્રસ્ત દુનિયામાં એક યુદ્ધનો વધારો થયો છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.