Charchapatra

આર્થિક-સામાજિક અસમાનતાના પાયામાં શિક્ષણની અસમાન તકો છે

દેશમાં રાજકીય માહોલ સતત વ્યગ્ર અને ઉગ્ર રહે છે. રાજકીય ચર્ચાઓમાં કોઈને શિક્ષણ માટે નિરાંતે વિચારવાનો સમય નથી પણ શિક્ષણજગત સતત નિસ્બત સાથે વિચારતાં રહેવાનું ક્ષેત્ર છે. અહીં માત્ર માહિતીથી વિશ્લેષણ કરવું અધકચરું સાબિત થાય. શિક્ષણજગતમાં એક તરફ એવી શાળા કોલેજો છે જ્યાં વિદ્યાર્થી કે શિક્ષક એક દિવસની રજા પાડવા માટે બે વાર વિચાર કરે છે જ્યારે હજારો શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લીધા પછી માત્ર પરીક્ષા આપવા જ જાય છે.

ગુજરતમાં શિક્ષણ ક્ષેત્રે વ્યાપક અસમાનતા વધતી જાય છે. છેલ્લાં વર્ષોમાં ખાસ તો કોરોના પછી એક સત્ય સ્પષ્ટ થઇ ગયું છે કે જે અત્યંત હોશિયાર ખરા અર્થમાં કેળવાયેલ છે. તેને કોઈ સ્પર્ધા જ નથી. જે સ્પર્ધા છે તે તો મધ્યમમાર્ગી યુવાનોને છે અને ત્યાં ભીડ વધુ છે. આપણે ત્યાં ગામડામાં કોઈ એક સરકારી પ્રાથમિક શાળા જુઓ અને શહેરની હાઈ-ફાઈ સ્કૂલ જુઓ તો સમજાશે કે કોઈ એક સ્કૂલ કે કોલેજના એક દિવસના અનુભવથી આખા શિક્ષણ વિષે તારણ કાઢવાં યોગ્ય નથી.

ગુજરાતની સરકારી શાળાનાં કેટલાંક સત્યો છે. સામાજિક, આર્થિક પરિબળોની અસર છે. તે સૌ પ્રથમ જાણવી જરૂરી છે ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ માટે. એક તો ગુજરાતમાં શહેરી ઉચ્ચ અને ઉચ્ચ મધ્યમ વર્ગ પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવા માગે છે અને કોઈ સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી માધ્યમમાં ભણાવાતું નથી એટલે અંગ્રેજી માધ્યમનાં આશિકો તો પોતાનાં બાળકોને ખાનગી અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં જ ભણાવે છે.

બીજું સરકારી શાળામાં લાયકાતવાળાં શિક્ષકો હોવા છતાં ત્યાં ગરીબ, સામાજિક, પછાત વર્ગનાં બાળકો ભણે એટલે આ બાળકો સાથે પોતાનાં બાળકોને ના ભણાવી શકાય તેવી ગુજરાતી, સામાજિક, માનસિક પરિબળોને કારણે ૧૯૯૧ પછી માતા-પિતા બાળકોને ખાનગી પ્રાથમિક શાળામાં ભણાવવા લાગ્યાં છે. એક રીતે ગુજરાતનાં માતા-પિતા બાળકના સારા શિક્ષણ માટે ખાનગી સ્કૂલના ખર્ચા નથી ભોગવતા પણ પોતાનાં બાળકોને ગરીબ સામાજિક-પછાત બાળકો સાથે નહીં ભણાવવાનો ખર્ચ ભોગવે છે. મતલબ કે નફરતની કિંમત ચૂકવે છે.

ટૂંકમાં અંગ્રેજી માધ્યમ અને ખાનગી સ્કૂલોમાં ભણાવવાના સ્ટેટસને કારણે સરકારી શાળાઓમાં દિનપ્રતિદિન વિદ્યાર્થી સંખ્યા ઘટતી જાય છે. આજનું સત્ય એ છે કે ગ્રામીણ,અંતરિયાળ વિસ્તારોની સરકારી પ્રાથમિક શાળામાં માત્ર મજૂર ગરીબ અને સ્થળાંતરિત કુટુંબોનાં બાળકો જ પ્રવેશ મેળવે છે. ઘણી જગ્યાએ તો શાળાનાં આચાર્યો, શિક્ષકો ગામ સીમમાં ફરીને આવાં બાળકોનો પ્રવેશ નોંધે છે. સ્વાભાવિક છે કે આવાં બાળકોની શાળામાં નિયમિત હાજરી હોય જ નહીં. મજૂરીએ જતાં માતા-પિતાનાં બાળકોની તકલીફો જ જૂદી હોય છે.આવાં બાળકો થોડાં મોટાં થતાં જ નાના ગલ્લા લારી પર મજૂરી કરવા માંડે છે. એટલે કોઈ સ્કૂલમાં પહોંચીને ઉપરછલ્લું નિરીક્ષણ કરવું અને મત રજૂ કરવો તે બેજવાબદારી છે.

આપણી અગત્યની સમસ્યા છે અસમાનતા.જો અધિકારીઓ કે નેતાઓને દેશની થોડી પણ ચિંતા હોય તો તેમણે દેશમાં વધતી આર્થિક, સામાજિક, રાજકીય અસમાનતા વિષે વિચાર કરવો જોઈએ. અસમાનતા સંપૂર્ણ દૂર થઇ શકે નહીં. બંધારણમાં જે સમાનતાની વાત છે તે “તક”ની સમાનતાની વાત છે અને સરકારે સત્તાવાળાઓએ આ તકની અસમાનતા ઘટાડવા કામ કરવાનું છે અને એમાંય ખાનગીકરણ અને શહેરીકરણના સમયમાં શિક્ષણમાં તકની જે અસમાનતા ઊભી થાય છે તે હવે ચિંતાજનક રીતે મોટી થતી જાય છે.

એક તરફ શહેરમાં બળકો અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કરે છે. ખાનગી ટ્યુશન કલાસીસમાં વધારાનું શિક્ષણ મેળવે છે.વળી બધાને ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સી. એ. જ બનવું છે એટલે વ્યાવસાયિક શિક્ષણની જ બોલબાલા છે. આ બળકોને પણ સમાજજીવન અને સાંસ્કૃતિક પરમ્પરાની કાંઈ ખબર નથી. નાગરિક શિક્ષણનો તો આપણે જ છેદ ઉડાવી દીધો છે. આ બધાની સામે બીજો મોટો વર્ગ નીચી ગુણવત્તાવાળાં શિક્ષકો, શોષણ પામતાં શિક્ષકોની ખાનગી સ્કૂલોમાં અધકચરું શિક્ષણ મેળવે છે, જ્યારે ગામડાંમાં અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકો વગર સુવિધા વગર મજૂર વર્ગનાં બાળકો શિક્ષણ મેળવે છે. એટલે ગુજરાતની નવી પેઢીમાં શિક્ષણ અને જાહેર સમજણમાં મોટી અસમાનતા જોવા મળી રહી છે. આની અસરો દેખાવા પણ માંડી છે.

સમાજમાં સમજણની અસમાનતા વધતી જાય છે. તે સામાજિક અસ્થિરતા પણ સર્જે છે. જ્ઞાનની અસમાનતાને કારણે છે. બાકી સરકારી શાળાનાં બાળકોએ ગુજરાતનાં તમામ બાળકોનું સાચું ચિત્ર રજૂ કરતાં નથી. એમાંય શહેરની શાળા, નગરની શાળા કે જાગૃત ગામની શાળાની સ્થિતિ અલગ જ હોય છે. જયાં ગામ સમૃદ્ધ છે, નાગરિકો જાગૃત છે ત્યાં આગેવાનો સ્થાનિક સરકારી શાળામાં થોડું ધ્યાન આપે તો સારાં પરિણામો મળી શકે તેમ છે. શિક્ષણ એ સૌની જવાબદારી છે. જેમ બાળકોને મારવાથી હોંશિયાર નથી કરી શકાતાં એમ શિક્ષકોને સતત ઉતારી પાડવાથી સમગ્ર શિક્ષણ સુધારી નથી શકાતું. શિક્ષણ એ એક પ્રક્રિયા છે, જે સતત પ્રયત્નો અને નિસ્બતથી જ સુધરી શકે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top