SURAT

નવી સિવિલ હોસ્પિટલના ગેટ પર બે મોબાઈલ ચોર દારૂડિયા બાખડ્યા

નવી સિવિલ હોસ્પિટલના ગેટ ઉપર બે દારૂડિયા મારામારી કરતા હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. આ બંને દારૂડિયા મોબાઈલ ચોર હોવાનું જાણવા મળ્યું છે. મારામારીની ઘટના બાદ બંને સાંજે મોબાઈલ ચોરી કરતા ઝડપાયા હતા.

નવી સિવિલ હોસ્પિટલમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. પોલીસ અને હોસ્પિટલની સિક્યોરીટી જાણે આ ચોરોને પોશતી હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર ચોરીની ફરિયાદ મળતી હોવા છતાં આવા ચોર પકડાતા નથી. ગઈકાલે નવી સિવિલના ગેટ પર બે દારૂડિયા હાથાપાઈ કરતા હતા. ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ બંને દારૂડિયાની કુસ્તીનો આનંદ લઈ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

ગઈકાલે પણ આ રીતે ચોરીની એક ફરિયાદ મળતા સિક્યોરિટી ગાર્ડ દોડીને પહોંચ્યો હતો. લોકોએ એક ચોરને પકડીને મેથીપાક આપ્યો હતો. આ ચોર સિવિલ કેમ્પસમાં જ આવેલી ચા-નાસ્તાની લારી પર પડ્યો પાથર્યો રહે છે. પછી તેને પકડીને નીચે લઈ આવ્યા, ચેક કરતાં ચોરાઈ ગયેલો મોબાઈલ પણ મળી આવ્યો હતો. મોબાઇલ-ચોર આ વ્યક્તિ આખો દિવસ નશામાં ચૂર રહે છે અને જાહેરમાં ગાળાગાળી સાથે કોઈની પણ સાથે હાથાપાઈ કરતા કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. આ બંને મોબાઈલ ચોર એ જ હતા જે સવારે ગેટ પર કુસ્તી કરતા હતા.

નવી સિવિલનું કેમ્પસ અસામાજીક તત્વોનો અડ્ડો
મોબાઈલ ચોરીના આરોપમાં પકડાયેલા બે પૈકી એક ચા-નાસ્તાની લારી પણ મજૂરી કામ કરી દર્દીઓના સગાની રેકી કરી તેમની કિંમતી વસ્તુઓની ચોરી કરતો હોવાની વાત સામે આવી છે. આ સિવાય નવી સિવિલનું કેમ્પસ આવા કંઈ કેટલાયે અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયો છે. કેમ્પસમાં રિક્ષા ચાલકો પણ પાર્કિંગમાં ગમે તેમ રિક્ષા પાર્ક કરી ટ્રાફિકને અડચણ ઉભી કરે છે. દારૂડિયા બિન્ધાસ્ત હોસ્પિટલની લોબીમાં અને કેમ્પસમાં રખડીને હાથની સફાઈ કરતા હોય છે.

Most Popular

To Top