વાપી: વાપીના (Vapi) ભડકમોરા બીજીબી કોમ્પલેક્ષની સામે રોડની બાજુમાં પડાવમાં રહેતા પરિવારની મહિલાની માથામાં હથિયારના ઘા મારી હત્યા (Murder) કરી નાંખવામાં આવી હતી. જોકે હત્યા કોણે કરી અને હત્યા કરવા પાછળનો આશય શું જેવા સવાલોના જવાબ હજી પોલીસ (Police) શોધી રહી છે.
મહારાષ્ટ્રના સોનાટી ગામનો રહેવાસી સતિષ વિષ્ણુભાઇ સોલંકે વાપીના ભડકમોરામાં રહીને લુહારી કામ કરી પરિવાર સાથે રહે છે. તેની ૫૫ વર્ષની કુંટુંબી દાદી સુંદરબાઇ રઘુનાથ સોલંકે એક માસ પહેલા મહારાષ્ટ્રના ખેરખેડા ગામથી અહીં આવી હતી. સતિષની દાદી રૂખમણી તેમજ સતિષની પત્ની આરતી અને એક બે વર્ષના બાળક સાથે અહીં રહે છે. રાત્રે સતિષનો પરિવાર નીચે સૂતો હતો. જ્યારે તેની દાદી રૂખમણી તથા તેની કુંટુંબી દાદી સુંદરબાઈ અલગ અલગ ખાટલા પર સૂતા હતા. રાત્રે સતિષની પત્નીએ વાસણ પડવાનો અવાજ થતા તેના પતિને ઉઠાવ્યો હતો. સતિષે ઊઠીને જોયું તો તેની પત્નીએ ક્હ્યું કે દેખો કુછ આવાઝ આઈ હે તેમ કહેતા દાદી સુંદરબાઈના માથા પરની ચાદર હટાવીને જોયું તો દાદીનું માથું લોહી લુહાણ હતું.
સતિષને તેની પત્નીએ ત્યારે જણાવ્યું કે અવાજ આવતા હું જાગી ત્યારે એક માણસ દોડીને ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલા ટેમ્પો તરફ ભાગતા જોયો હતો. ત્યાર બાદ ૧૦૮ને બોલાવીને દાદીને હોસ્પિટલમાં લઇ જવાઈ પરંતુ તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે વાપી જીઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હત્યા કેમ થઇ ? કોણે કરી ? બધા સવાલોના જવાબ હજી પોલીસ શોધી રહી છે. કોઈ હથિયારથી મહિલાને માથામાં માર મારતા તેનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ છે.
વઘઇના સિલોટમાળ ગામે પ્રેમિકા સાથે મળી પતિએ પત્નીને માર માર્યો
સાપુતારા : વઘઇના સિલોટમાળ ગામે રહેતી જમનાબેનનાં લગ્ન 20 વર્ષ અગાઉ છગનભાઈ મંગળભાઈ કુંવર સાથે થયા હતા. તેમને બે બાળકો છે. ગત તા-6 માર્ચના રોજ રાત્રિના 8 વાગ્યાની આસપાસ પતિ છગનભાઈ ગામમાં બેસવા માટે ગયા હતા ને પત્ની જમનાબેન પણ ફળિયામાં મજૂરી કામ અંગે ચર્ચા કરવા માટે ગઈ હતી. તે સમયે છગનભાઈ તથા જયવનબેન તથા ઇસરતાબેન ભેગા મળીને વાતો કરી રહ્યા હતા. ત્યારે જમનાબેન ત્યાં જતાં પતિ સંતાઈ ગયો હતો. જેથી પત્નીએ દેવરામભાઈના ઘરમાં તપાસ કરતા તે ત્યાં હાજર મળી આવ્યો હતો. પતિ છગનના જયવનબેન સાથે ઘણા લાંબા સમયથી આડસંબંધ હોય જેથી પત્નીએ આ મહિલા સાથે આડસંબંધ રાખવાનું ના કહેતા ત્યાં હાજર જયવનબેન તથા ઇસરતાબેનએ જમનાબેનને પકડી રાખી પતિ છગને પત્નીને લાકડીથી અને ગડદાપાટુનો માર મારી ધમકી આપી હતી. કે ‘અમારા આડા સંબધમાં વચ્ચે પડવું નહી નહિતર એકાદ દિવસ તને જાનથી મારી નાંખીશુંય.’ બનાવ અંગે જમનાબેને પતિ સહિત ત્રણ વ્યક્તિ વિરુદ્ધ વઘઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે..