મોડાસા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ઉમેદવારોમાં થનગનાટ અને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉમેદવારી પત્રોના વિતરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ફોર્મ મેળવા માટે જે તે કચેરીએ ઉમેદવારોનો ઘસારો જોવા મળી રહ્યો છે. આ વખતે જિલ્લા અને તાલુકા કક્ષાએ કેટલીક સીટો પર ત્રીપાંખીયો તો મોડાસા નગરપાલિકામાં બહુપાંખીયો જંગ ખેલાશે. ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે, તેમ તેમ રાજકીય પક્ષોમાં ગતિવીધી તેજ થઇ ગઈ છે.
વર્ષોથી અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી છે. જોકે, આ વખતની ચૂંટણીમાં નવા ખેલાડીઓના આગમનથી ચૂંટણી જંગની રણનિતીમાં ચોક્ક્સથી બદલાવ આવશે. રાજકીય ભાષણોમાં, હવે ભાજપ અને કોંગ્રેસના વક્તાઓએ, એક તીરથી ત્રણ-ચાર નીશાન સાધવા પડશે. નવા પક્ષો, ચૂંટણી જંગમાં જંપલાવવાથી, ઉમેદવારી કરવા થનગનતા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે.
એમ.આઈ.એમ પક્ષના અગામનથી સૌથી વધારે કોંગ્રેસને નુકશાન થવાની શક્યતાની ચર્ચા
ગુજરાતમાં એમ.આઈ.એમ પક્ષના અગામનથી સૌથી વધારે કોંગ્રેસને નુકશાન થવાની શક્યતા છે. કેમકે પરંપરાગત કોંગ્રેસના સમર્થક લધુમતિ મતદારોમાં, નવા પક્ષ તરીકે એમ.આઇ.એમ એક વિકલ્પ તરીકે ઉભરી રહ્યો છે. મોડાસા નગરપાલિકામાં પણ કેટલાક વોર્ડમાં એમ.આઈ.એમના ઉમેદવારો ચૂંટણી લડવાના હોઇ, કોંગ્રેસને ગત વખત મળેલી 10 સીટો ટકાવી રાખવા પક્ષના અંદરના મતભેદો અને ટાંટીયા ખેંચ છોડી, એક જુટ થવુ પડશે. હાલ પરિસ્થિત જોતા કોંગ્રેસને ગત વખત કરતા ત્રણથી ચાર સીટ ઓછી આવશે તેવુ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે.
ભાજપમાં ટિકિટ માગનારાઓનો રાફડો ફાટ્યો હોવાથી કોને ટિકિટ મળશે તે અંગે અસમજસની સ્થિતિ
ભાજપમાં પણ વર્ષોથી પક્ષને વરેલા કાર્યકર્તાઓની જગ્યાએ કેટલાક વગવાળા ટીકીટના દાવેદારોનો રાફડો ફાટતા ટીકીટ કોને આપવી તે અંગે અસમંજસ છે. આ વખતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ફરમાનથી યુવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે, ત્યારે વર્ષોથી “મારો વારો આવશે”ની રાહ જોઈને બેઠેલા 60 વર્ષ વટાવી ચૂકેલા સીનીયર સીટઝનોના ચૂંટણી લડવાના અભરખા અધુરા રહી ગયા છે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી છે. તેથી તમામ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત ઝડપથી કરવામાં આવશે, ત્યારે અસંતુષ્ટો દ્વારા પક્ષની અંદર રહીને ઉમેદવારનો ખેલ પુરો કરવાના પેંતરા પણ રચાશે.