ભરૂચ: ભરૂચ(Bharuch) સિવિલ હોસ્પિટલ(Civil Hospital)ના કોલ્ડ સ્ટોરેજ(Cold storage) તકનીકી ખામી(Technical defects) સર્જાવાના કારણે ખોટકાઈ પડતાં ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ ઘટનામાં કોઈ સ્ટાફનું પૂરતું ધ્યાન ન હોવાથી ૫ મૃતદેહ ડીકમ્પોઝ(dead body Decompose) થઇ ગયા હોવાનો NGO અને એક જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે. આખરે ઉહાપોહ થતાં સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ દોડધામ કરતું થઇ ગયું હતું. મૃતદેહ ડીકમ્પોઝ થતાં તેના પરિવારજનોને ઓળખવામાં તકલીફ થઇ રહી છે. ત્યારે બિનવારસી મૃતદેહોની અંતિમક્રિયા કામગીરી સાથે સંકળાયેલા NGO ધર્મેશ સોલંકીએ હોસ્પિટલ મેનેજમેન્ટ ઉપર લાપરવાહીનો આક્ષેપ કર્યો છે. જ્યારે સિવિલ હોસ્પિટલના જવાબદારે વહેલી તકે આ સમસ્યાનો હલ કરવામાં આવશે એમ કહ્યું હતું.
- ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ ઠપ્પ થતાં 5 મૃતદેહ ડીકમ્પોઝ થઈ ગયા
- તંત્ર મોતનો મલાજો સાચવવામાં ઘોર બેદરકાર હોસ્પિટલનું તંત્ર
- NGOની સેવાભાવી પ્રવૃત્તિ કરનારે રજૂઆત કરતાં તંત્ર દોડતું થયું
ભરૂચ બિનવારસી મૃતદેહોની અંતિમક્રિયાની સેવાકીય પ્રવૃત્તિ કરનાર NGO ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે, સોમવારે બપોરે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં બિનવારસી મૃતદેહોને અંતિમક્રિયા માટે લઇ જવા કોલ્ડ સ્ટોરેજ પર ગયા હતા. ત્યારે રેફ્રીજેશન બંધ હતું અને ધોમધખતી ગરમીમાં ૪૦ ડિગ્રી તાપમાન વચ્ચે મૃતદેહોને જાળવવા ખૂબ નીચા તાપમાનની જરૂર રહેતી હોય છે. જો કે, કમનસીબે ૫ મૃતદેહ બંધ પેટીમાં રેફ્રીજેશન વગર પડી રહેતાં ડીકમ્પોઝ થઇ ગઈ હતી. ૨ દિવસ અગાઉ કોલ્ડ સ્ટોરેજમાં મુકાયેલો મૃતદેહ ડીકમ્પોઝ થયો હતો.
ઉચ્ચ અધિકારીઓએ જવાબ મંગાવ્યો
આ મશીન એકાદ-બે કલાક નહીં, પરંતુ વધુ સમય બંધ રહ્યું હોય એમ લાગે છે. આખરે તંત્રએ મોતનો મલાજો જળવાય એ માટે આવી લાપરવાહીઓ અટકાવવી જોઈએ. સમગ્ર ઘટનાની જાણ જિલ્લા લોક પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓને તસવીરો સાથે નારાજગી સાથે વાકેફ કરાયા હતા. સમગ્ર ઘટનાને ઉચ્ચ કક્ષાએ ગંભીરતાથી લેતાં હોસ્પિટલ પાસે જવાબ માંગવાની શરૂઆત થઇ હતી. તાત્કાલિક ધોરણે હોસ્પિટલે પોતાનો ટેક્નિકલ સ્ટાફ અને વીજ કંપનીના કર્મચારીઓને કોલ્ડ સ્ટોરેજ તરફ દોડતા કરી દીધા છે.
ટૂંક સમયમાં મશીન ફરી કાર્યરત થશે: ગોપીકા મેખીયા
ભરૂચ સિવિલનાં એડમિનિસ્ટ્રેટર ગોપીકા મેખીયાએ જણાવ્યું હતું કે, રેટ કટના કારણે કોલ્ડ સ્ટોરેજ બંધ થયું હતું. જેથી સમસ્યા સર્જાઈ હતી. તાત્કાલિક સમારકામ શરૂ કરાવી દેવાયું છે. ટૂંક સમયમાં મશીન ફરી કાર્યરત થશે.