Gujarat

આસુમલનો મોટેરા આશ્રમ તોડી પડાશે

સુરત : આગામી કોમનવેલ્થને લઈને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડેવલપમેન્ટ કરવામાં આવવાનું છે. મોદી સ્ટેડિયમની બાજુમાં અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલો આસારામ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જગ્યામાં હોવાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. 500 કરોડની જમીન પર બનેલા આસારામ આશ્રમમાં 32 જેટલાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલાં છે, જેને દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી નોટિસને લઈને આશ્રમ દ્વારા ઇમ્પેક્ટ ફીમાં મંજૂરીમાં મૂકવામાં આવી હતી, જેને મ્યુનિસિપલ કોર્પોરેશને નામંજૂર કરી છે. કોર્ટની એપેલેટ ઓથોરિટી સમક્ષ આ કેસ મૂકવામાં આવ્યો છે, જેમાં આજે મળેલી લીગલ કમિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વકીલની નિમણૂક કરી તાત્કાલિક આ કેસનો નિકાલ લાવવા માટેની સૂચના આપવામાં આવી છે. વર્ષોથી વિવાદમાં રહેલા આ આશ્રમનાં દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયને પગલે હવે ગમે ત્યારે ડિમોલિશનની કામગીરી શરૂ થવાની શક્યતા સેવાઈ રહી છે.

લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે સાબરમતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સ્પોર્ટસ સંકુલ ડેવલપમેન્ટ ફેઝ ટુની કામગીરી કરવામાં આવશે, જેના ડેવલપમેન્ટ માટે ગેરકાયદે બાંધકામો તોડવા પશ્ચિમ ઝોન દ્વારા નોટિસો આપવામાં આવેલી છે. રાજ્ય સરકારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવાની તૈયારીના ભાગ રૂપે કરાવેલા સર્વેમાં આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ આશ્રમે કરોડો રૂપિયાની જમીન કબજે કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સરકારે આ ત્રણ આશ્રમ ઉપરાંત દોઢસો જેટલાં રહેણાક મકાનોને પણ નોટિસ ફટકારી છે. સિટી મામલતદાર દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં જણાવ્યું છે કે આસારામ આશ્રમે સર્વે નંબર 282- અ પૈકી 6,489, ગામ તળની 3,185 અને સાબરમતી નદીની 6,104 ચોરસ મીટર મળી કુલ 15,778 ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદે કબજો કર્યો છે. જાણકારોનું કહેવું છે કે ચારેક દાયકા પહેલાં સરકારે આસારામ આશ્રમ માટે મોટેરામાં અંદાજે 33,980 ચોરસ મીટર જગ્યા ફાળવી હતી. ગત વર્ષના અંતમાં જ્યારે સરકારે ફરી સર્વે કરાવ્યો ત્યારે આસારામ આશ્રમની કુલ જગ્યા 49,758 ચોરસમીટર સામે આવી હતી, જેથી ગેરકાયદે કબજા અંગે જે-તે સમયે શરતોને આધીન અપાયેલી જગ્યામાં શરતભંગની નોટિસ આપી છે.

Most Popular

To Top