વલસાડ : રૂપિયા 586 કરોડની અસ્ટોલ યોજના (Astol scheme) જેના નામે કાર્યરત છે, એ અસ્ટોલ ગામના ત્રણ ફળિયાઓમાં પીવાના પાણીની (Drinking Water) ગંભીર સમસ્યા ઊભી થઈ છે. વિશેષ કરી ડુંગરપાડા ફળિયાના લોકો પીવાના પાણી માટે વહેલી સવારે ડુંગરો ચઢી પાણીના એક માત્ર સ્ત્રોત સમાં કૂવામાંથી પાણી મેળવી પરત ધોમ ધખતા તાપમાં ઘરે આવવાની મુશ્કેલી વેઠી રહ્યા છે. વિશેષ કરી મહિલાઓ અને નાના બાળકોની પરિસ્થિતિ દયનીય બની રહી છે, તો બીજી તરફ મૂંગા પશુઓની મુશ્કેલીની તો કલ્પના પણ કરી શકાય તેમ નથી.
ગામના વર્તમાન સરપંચ દ્વારા અનેક રજૂઆત બાદ પણ પાણીની સમસ્યા યથાવત છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કૂવામાં પણ હવે માંડ 20 થી 30 દિવસ ચાલે એટલું જ પાણી બચ્યું છે. કેટલાક સ્થાનિકો કહે છે કે, અમારા ફળિયામાં પાણીની સમસ્યાને લઈ દીકરી આપવામાં પણ દીકરીના પરિવારજનો ના પાડે છે. આમ પીવાના પાણીની મુશ્કેલીએ સામાજિક સમસ્યા પણ ઉભી કરી છે. પીવાના પાણીની મુશ્કેલી ફેબ્રુઆરી મહિનાથી જ શરૂ થઈ જાય છે. અંતરિયાળ એવા અસ્ટોલ ગામે ડુંગરપાડા ફળિયા સહિત ઉપલા દરપાડા અને તોરણવેરા ફળિયામાં પણ પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઇ રહી છે. મહિલાઓએ તેમના કપડાં ધોવા પણ દૂર જ્યાં પાણીના સ્ત્રોત હોઈ ત્યાં જવાની ફરજ પડી રહી છે. ડુંગરપાડા ફળિયામાં 45 ઘર આવેલા છે અને વસ્તી 250 લોકોની છે. એજ રીતે ઉપલા દરપાડા ફળિયામાં 150 લોકોની વસ્તી અને તોરણવેરા ફળિયામાં 260 લોકો મળી આશરે 700 ની આસપાસ લોકો પાણીની મુશ્કેલી વેઠી રહ્યા છે.
બૂસ્ટર પંપ લગાડી ટૂંક સમયમાં પાણી શરૂ કરાશે
અસ્ટોલ યોજનાના વડા અધિકારી રાકેશ ખારવાએ જણાવ્યું કે, અસ્ટોલ ગામ ખાતે અન્ય ફળિયામાં પાણી પહોંચાડી દેવાયું છે. માત્ર ડુંગરપાડા ફળિયું ઊંચાઈ પર હોઈ ટેક્નિકલી ઇસ્યુ ઊભા થયા છે. જોકે બૂસ્ટર પંપ લગાડી ટૂંક સમયમાં પાણી શરૂ કરી દેવાશે.
દિવાળી બાદ બોર અને કૂવામાં પાણી સુકાઈ જાય છે
ગામના સરપંચ સવિતાબેન ગાગડાના પતિ બાપુભાઈ ગાંગડાએ જણાવ્યું કે, રૂ.586 કરોડના ખર્ચે જે ગામના નામે યોજના બની એ અસ્ટોલના ત્રણ ફળિયામાં વર્ષોથી પીવાના પાણીની મુશ્કેલી છે. દિવાળી બાદ બોર અને કૂવામાં પાણી સુકાઈ જાય છે. તેમાં ડુંગરપાડા ફળિયામાં હાલે સૌથી વધુ મુશ્કેલી છે. યોજના અંતર્ગત નળ કનેક્શનો આવ્યા, ટાંકી બની, પરંતુ હજુ નળમાં પાણી આવ્યું નથી. જો જલદી સમસ્યા દૂર નહીં થશે તો આવનારા સમયમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થશે.
યોજનાનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું
ધરમપુર અને કપરાડા તાલુકામાં પાણીની સમસ્યા દૂર કરી દેનારી અસ્ટોલ યોજનાનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડના જૂજવા ખાતે 2018ના વર્ષમાં કર્યું હતું. 10 જૂન 2022 ના રોજ ચીખલીના ખુડવેલ ખાતે લોકાર્પણ કર્યું હતું. યોજના અલગ અલગ ફેસમાં હોઈ હાલે કામગીરી ચાલી રહી છે.