Charchapatra

ધારે તો સુરત મહાનગરપાલિકા યુટયુબ ચેનલ શરૂ કરી શકે

તા. 23 માર્ચનાં રોજ ‘‘આકાશવાણીનાં સુરત કેન્દ્ર ઉપર સાંજે એક સુંદર કાર્યક્રમ રજૂ થયો જેમાં સુરતના રંગમંચનાં જાણીતા કલાકાર, દિગ્દર્શક કપિલદેવ શુક્લ અને પંકજ પાઠકજી એ ભાગ લીધો હતો. સુરત શહેરની સાંસ્કૃતિક પ્રવૃતિમાં સુરત મહાનગર પાલિકા તરફથી સહકાર અને પ્રોત્સાહનનો ઉલ્લેખ થયો, આમ પણ ‘‘મનપા’’ હંમેશ શહેરની વિવિધ પ્રવૃત્તિમાં સહકાર ને પ્રોત્સાહિત કરે એવો અભિગમ રાખે છે તે ખુબજ પ્રશંસનિય છે. આ સાંભળ્યા પછી એક વિચાર સહેજે અનાયાશ મનમાં ઝબુક્યો કે આજે સોશિયલ મીડિયામાં સ્થાનિક લેવલે પણ ઘણી ‘યુ ટયુબ’ ચેનલો ચાલે છે અને ઘણી ટૂંકી કે થોડા ભાગોમાં ફિલ્મો દર્શાવાય છે, જેમાં વાર્તા ઉપદેશાત્મક અને સમાજમાં ચાલતાં ખોટા રિવાજોને અટકાવી શકાય, પ્રજાને એક સંદેશ મળે એવી પણ હોય છે.

થોડાં સમયથી આવી સ્થાનિક યુટયુબ ચેનલો જોવાની આકસ્મિક તક મળી, અને એમાં અભિનય કરતાં સ્થાનિક કલાકારોનો અભિનય અને પોતાના પાત્રને જીવંત બનાવતાં જોવા મળ્યા, થોડાં ઉદાહરણ આપીએ તો, રાધી પટેલ, જીયા મિસ્ત્રી, પાયલ બોરીસાગર, કામિની પ્રજાપતિ, રીયા શાહ, દીયીતા, ભારતીબેન, આદિ, ભવ્ય, દેવાંગ, અશોકભાઈ ભૂપતભાઈ અનેક છે. એટલે કે જો સૂરતમાં જ મહાનગરપાલિકા દ્વારા ‘‘સ્ટુડિયો’’ નું નિર્માણ થાય, તો જ્યારે હવે ગુજરાતના પ્રેક્ષકો ગુજરાતી ફિલ્મો પસંદ કરતાં આવ્યા છે, જોતાં થયાં છે ત્યારે એક ખૂબજ અગત્યનું કાર્ય મહાનગર પાલિકા એ કર્યુ કહેવાશે. સુરતી પ્રોડ્યુસર દ્વારા ફિલ્મો માત્ર નહિ પણ મોટી ફિલ્મો અંગેપણ પ્રોત્સાહિત થઈ શકે. મહાનગર પાલિકા માટે આર્થિક ઉપાર્જન પણ થવાનું જ  છે.
સુરત     – પ્રદીપ આર. ઉપાધ્યાય – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

પવિત્ર હૃદય
પાણી વગેરે ગાળવાનું લૂગડાનું કે અન્ય કોઈ સાધન એટલે ગરણું-ગળણું. અશુદ્ધ પાણીને ગાળીને પીવામાં આવે. એક ઉક્તિ છે, “ગામને મોઢે કયાં ગરણું બંધાય છે!” આજના ભેળસેળના જમાનામાં કોઈ પણ ચીજ-વસ્તુ શુદ્ધ મળતી નથી. અશુદ્ધ ખોરાકને કારણે માનવીની મનોવૃત્તિ પણ અશુદ્ધ બની ગઈ હોય એવું સ્પષ્ટ દેખાય છે. આજે શુદ્ધ દિલના માનવીઓની અછત સર્જાય છે. ખુલ્લા ચોખ્ખા પવિત્ર હૃદયનાં નિષ્કપટી, ભેળસેળ વિનાનાં માનવી શોધ્યાં જડે તેમ નથી.  બીજા માટે ખરાબ વાતો કરનારને જત જણાવવાનું કે,પ્રથમ ખાતરી-તપાસ કરો અને પછી બોલો. બોલવામાં પણ કપટ ન હોવું  જોઈએ.

ટૂંકમાં અન્ય વ્યક્તિ માટે અભિપ્રાય આપો તો નિખાલસતાથી આપો. જાહેરમાં કોઈ યુવક-યુવતી કે સ્ત્રી-પુરુષ એકમેક સાથે નિખાલસતાથી વાતો કરી રહ્યાં હોય ત્યારે જોનારને તેમના ચારિત્ર્યમાં ખોટ દેખાય અને કહે આમ વાતો કરનારનું ચારિત્ર્ય ખરાબ છે. આવા પ્રસંગે ઉપરછલ્લી નજરથી અભિપ્રાય આપવો સરાસર ખોટું છે. ખરાબ વાતો કરવી કે સાંભળવી એ સાલસતા નથી. ચાલો, હૃદયની પવિત્રતા કેળવીએ.
નવસારી   – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top