Columns

નૌકા ખાલી જ માનો

Guide of Spanish nautical titles and license

એક નાનકડી ઝેન કથા છે.પણ તેની સમજ મોટી છે અને જીવનભર બધાએ અપનાવી લેવા જેવી છે. એક માણસ હતો. એને નૌકાવિહારનો બહુ જ શોખ; પૈસા ભેગા કરીને તેણે પોતાની એક નૌકા ખરીદી હતી અને જયારે મન થાય અને સમય મળે ત્યારે તે દરિયાકિનારે જઈને પોતાની નૌકામાં બેસીને નૌકાવિહારનો આનંદ લેતો.એક દિવસ સાંજે તે નૌકાવિહાર માટે દરિયાકિનારે ગયો.સાંજ ઢળવા આવી હતી અને અંધારું થવા આવ્યું હતું. માણસ પોતાની નૌકામાં બેઠો; દરિયો શાંત હતો અને ઠંડો ખુશનુમા મંદ મંદ પવન વાઈ રહ્યો હતો.શાંત પાણીમાં નૌકા ધીમે ધીમે હાલકડોલક થતી હતી.

માણસ લંગર છોડ્યા વિના લાંગરેલી ઝુલાની જેમ ઝૂલતી નૌકામાં બેસીને વાતાવરણનો આનંદ લઇ રહ્યો હતો.આંખ બંધ કરી માણસ શાંત દરિયામાં શાંત મન કરી બેઠો હતો.કંઈ ન કરવાની બસ આમ જ બેસી રહેવામાં તેને મજા આવી રહી હતી.તે ઘણી વાર સુધી આંખ બંધ કરી શાંતિથી નૌકામાં બેસી રહ્યો. અચાનક તેની શાંતિમાં ભંગ પડ્યો.એક નાના ધડાકા સાથે નૌકાને ધક્કો લાગ્યો અને પેલા શાંત માણસનો શાંતિભંગ થયો.તેને બહુ ગુસ્સો આવ્યો. હજી આંખ બંધ હતી પણ તેનાથી ગુસ્સામાં રાડ નીકળી ગઈ.તેણે મનથી જે હોય તેની સાથે ઝઘડવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી.આંખ ખોલીને જોયું તો એક લંગરથી છૂટી પડેલી ખાલી નૌકા આમતેમ તરતાં તરતાં અહીં આવીને તેની નૌકા જોડે અથડાઈ હતી.નૌકા સાવ ખાલી હતી.

હવે ગુસ્સો આવ્યો હતો, પણ ઝઘડો કરવો કોની સાથે? ખાલી નૌકાને જોઇને તે હસી પડ્યો.હમણાં થોડી વાર પહેલાં જ જયારે નૌકા તેની નૌકા સાથે અથડાઈ અને તેની શાંતિમાં ભંગ પડ્યો ત્યારે તેને બહુ ગુસ્સો આવ્યો હતો અને ઝઘડો કરવાનું નક્કી કરી જ લીધું હતું પણ જે નૌકા અથડાઈ હતી તે સાવ ખાલી હતી અને ખાલી નૌકા જોઇને તેનો ગુસ્સો સાવ ઓગળી ગયો.ગાયબ જ થઇ ગયો કે નૌકામાં કોઈ છે જ નહિ તો ઝઘડવું કોની સાથે?

આ સમજ હંમેશા ગાંઠે બાંધીને રાખવાની જરૂર છે કે જીવનમાં સમજણ રાખીએ અને એમ જ માનીએ કે તમારી જોડે જે કોઈ નૌકા અથડાય છે તે ખાલી છે એટલે ગુસ્સો કરવાનો અર્થ જ નથી અને જો કદાચ નૌકા ભરેલી હોય તો પણ તેને ખાલી જ સમજી ગુસ્સો ના કરવો જોઈએ.આપની અંદર જે સાચી ચેતના હોય છે તેને ગુસ્સો આવતો જ નથી. ગુસ્સો આવે છે આપણા અહમ્ને.આ નાનકડા અહમને મોટો ન બનવા દો. તેને ત્યજી દો તો ગુસ્સો આવશે જ નહિ.જયારે જયારે નૌકા અથડાય ત્યારે તે ખાલી જ છે તેમ માનવાથી ગુસ્સો આવશે જ નહિ.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top