અનુભવી બેટ્સમેન રોહિત શર્માનું ફોર્મ ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં ખાસ પ્રભાવશાળી રહ્યું નથી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત વડોદરા ODI માં ફક્ત 26 રન બનાવી શક્યો હતો. ત્યારબાદ તેણે રાજકોટ ODI માં 24 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયાના સહાયક કોચ રાયન ટેન ડોશેટે રોહિતના ફોર્મ પર ટિપ્પણી કરતા સૂચવ્યું કે આ ઓછા સ્કોર અપૂરતી મેચ પ્રેક્ટિસનું પરિણામ હોઈ શકે છે. આ ટિપ્પણીથી ભારતીય ક્રિકેટ વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
હવે, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ ટીમ ઈન્ડિયાના સહાયક કોચ રાયન ટેન ડોશેટના તાજેતરના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. તિવારીએ રાયન ટેન ડોશેટના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. તિવારીએ કહ્યું હતું કે ટેન ડોશેટનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ રોહિત શર્માની કારકિર્દીના 5 ટકા જેટલો પણ નથી.
ગયા ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે એક અડધી સદી અને એક સદી ફટકારી હતી, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. તેણે દક્ષિણ આફ્રિકા સામે પણ આ ગતિ ચાલુ રાખી. હવે, ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ બે ODIમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા બાદ, સહાયક કોચના નિવેદને વિવાદ ઉભો કર્યો છે.
મનોજ તિવારીએ સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું, “રાયન ટેન ડોશેટ ચાર વર્ષથી મારી સાથે KKR (કોલકાતા નાઈટ રાઈડર્સ)માં હતો. તે ખૂબ જ સારો વ્યક્તિ છે, પરંતુ તેણે આવું નિવેદન આપતા પહેલા ઘણું વિચારવું જોઈતું હતું. તેણે નેધરલેન્ડ્સ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો, પરંતુ હું સંપૂર્ણ સન્માન સાથે કહું છું કે તેનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ રોહિત શર્માના 5% પણ નથી. રોહિત ફક્ત એક બેટ્સમેન નથી, તે એક સફળ કેપ્ટન પણ રહ્યો છે.”
મનોજ તિવારીએ એમ પણ કહ્યું કે જો રાયન ટેન ડોઇશેટ ટીમ મેનેજમેન્ટનો ભાગ રહીને આવું નિવેદન આપે છે, તો તે ખેલાડીઓનું મનોબળ ઘટાડી શકે છે. તિવારીએ કહ્યું, તમે ઘરેથી બોલી રહ્યા નથી, તમે મેનેજમેન્ટની અંદર છો. આવી સ્થિતિમાં તમારા પોતાના ખેલાડીની ટીકા કરવી યોગ્ય નથી. રોહિતે દેશ માટે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે અને તેને ઘણી યાદગાર જીત અપાવી છે.
આવી સ્થિતિમાં આ ટિપ્પણી સમજની બહાર છે. તેમણે પોતાના નિવેદન પર વિચાર કરવો જોઈએ. રાયન ટેન ડોશેટે મેચ પ્રેક્ટિસના અભાવ અંગે વાત કરી હતી પરંતુ રોહિત શર્માએ ગયા મહિને મુંબઈ માટે બે વિજય હજારે ટ્રોફી મેચ રમી હતી, જેમાં તેણે પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણી હાલમાં 1-1થી બરાબર છે. અંતિમ મેચ 18 જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાશે. રોહિત શર્માએ ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેથી, તે ઇંગ્લેન્ડ પ્રવાસ સુધી વિરામ પર રહેશે.