National

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ ચૂંટણીઃ કાશ્મીરી પંડિતો માટે ખાસ વ્યવસ્થા, આંતકીઓના ગઢમાં ભારે વોટિંગ

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં આજે 18 સપ્ટેમ્બર 2024ના રોજ લોકશાહીનો સૌથી મોટો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે તા. 18 સપ્ટેમ્બરને બુધવારના રોજ મતદાન થઈ રહ્યું છે. અહીંના 7 જિલ્લાના મતદારો 10 વર્ષ બાદ પહેલીવાર મતદાન કરી રહ્યા છે. સવારથી મતદાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં સવારે 11 વાગ્યા સુધી 26.72% મતદાન થયું છે. આતંકવાદીઓના ગઢ મનાતા કિશ્તવાડ અને શોપિયાંમાં સૌથી ઝડપી મતદાન થઈ રહ્યું છે.

કિશ્તવાડમાં પદ્દાર નાગસેની મતવિસ્તારના રિટર્નિંગ ઓફિસર ડૉ. અમિત ભગતે જણાવ્યું કે પદ્દાર નાગસેની મતવિસ્તારમાં 108 મતદાન મથકો છે. પદ્દાર મતવિસ્તારમાં 40,775 મતદારો છે, જેઓ 108 મતદાન મથકો પર પોતાનો મત આપી રહ્યા છે.

ઓમર અબ્દુલ્લાએ લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે એન્જિનિયર રાશિદ ચૂંટણી પછી ભાજપને સમર્થન આપી શકે છે, તેથી જનતાએ સમજદારીપૂર્વક મતદાન કરવું જોઈએ. પ્રથમ તબક્કાના મતદાન માટે સુરક્ષા દળો અને એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે ખાસ વ્યવસ્થા
ચૂંટણી પંચે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે ખાસ વ્યવસ્થા કરી છે. દિલ્હી, જમ્મુ અને ઉધમપુરમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે વિશેષ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે દિલ્હીમાં 4, જમ્મુમાં 19 અને ઉધમપુરમાં 1 વિશેષ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.

4 જિલ્લાની 24 બેઠકો પર 219 ઉમેદવાર માટે 23 લાખથી વધુ મતદારો વોટિંગ કરશે
તમને જણાવી દઈએ કે જમ્મુ ક્ષેત્રના ત્રણ જિલ્લાઓ અને કાશ્મીર ખીણના ચાર જિલ્લાની 24 બેઠકો પર 90 અપક્ષ સહિત 219 ઉમેદવારો માટે 23 લાખથી વધુ મતદારો મતદાન કરશે. જેમાં કાશ્મીરની 16 અને જમ્મુની 8 બેઠકોનો સમાવેશ થાય છે. ઓગસ્ટ 2019માં કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. ચૂંટણી પંચના આંકડા મુજબ પ્રથમ તબક્કામાં 18 થી 19 વર્ષની વયના 1 લાખ 23 હજાર યુવા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં થશે મતદાન, 8 ઓક્ટોબરે પરિણામ
જમ્મુ-કાશ્મીરમાં કુલ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 18મી સપ્ટેમ્બરે એટલે કે આજે મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કામાં 1 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ તમામ તબક્કાના પરિણામો 8 ઓક્ટોબરે આવશે. આ તમામ તબક્કાના પરિણામો 8 ઓક્ટોબરે આવશે.

90 બેઠકો માટે 13 મુખ્યપક્ષો વચ્ચે ચૂંટણીજંગ
90 બેઠકો ધરાવતી વિધાનસભામાં 13 મુખ્ય પક્ષો બહુમતી માટે સ્પર્ધા કરી રહ્યા છે. પ્રાદેશિક પક્ષોમાં મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળની પીડીપી અને ઓમર અબ્દુલ્લાની આગેવાની હેઠળની નેશનલ કોન્ફરન્સ આ ચૂંટણીમાં મુખ્ય રીતે મેદાનમાં છે. નેશનલ કોન્ફરન્સ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે.

Most Popular

To Top