National

જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી, 4 ઓક્ટોબરે પરિણામ

ભારતના ચૂંટણી પંચે શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે. વિધાનસભાની ચૂંટણી માટે 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થશે. વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 ઓક્ટોબરે આવશે.

જમ્મુ-કાશ્મીરમાં કુલ 90 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે. જમ્મુ-કાશ્મીરમાં કુલ મતદારોની સંખ્યા 87.09 લાખ છે. જેમાં 42.62 લાખ મહિલા મતદારો અને 44.46 લાખ પુરૂષ મતદારો છે. 3.71 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. રાજ્યમાં યુવા મતદારોની કુલ સંખ્યા 20.7 લાખ છે. 

ત્રણ તબક્કામાં ચૂંટણી
જમ્મુ-કાશ્મીરની કુલ 90 વિધાનસભા બેઠકો માટે 8 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થશે. વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર, બીજા તબક્કામાં 26 બેઠકો અને ત્રીજા તબક્કામાં 40 બેઠકો પર મતદાન થશે. જમ્મુ-કાશ્મીરમાં કુલ 11838 મતદાન મથકો હશે. દરેક મતદાન મથક પર સરેરાશ 735 મતદારો હશે. 

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું છે કે અમારા અધિકારીઓ જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનું નિરીક્ષણ કરવા ગયા હતા. ચૂંટણીને લઈને સામાન્ય જનતા અને રાજકીય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં લોકસભા ચૂંટણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને 58.58% મતદાન થયું હતું, જે એક રેકોર્ડ હતો અને જે તસવીર આવી રહી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે લોકો તેમનું ભાગ્ય બદલવા માગે છે.

વિધાનસભા ચૂંટણી માટે ગેજેટ સૂચનાની તારીખ-:

  • તબક્કો 1- 20.08.2024
  • તબક્કો 2- 29.08.2024
  • તબક્કો 3- 05.09.2024

ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ:

  • તબક્કો 1- 27.08.2024
  • તબક્કો 2- 05.09.2024
  • તબક્કો 3- 12.09.2024

નામાંકન પાછું ખેંચવાની તારીખ:

  • તબક્કો 1- 30.08.2024
  • તબક્કો 2- 30.08.2024
  • તબક્કો 3- 30.08.2024

હરિયાણામાં પણ ચૂંટણી યોજાશે
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે હરિયાણામાં 90 મતવિસ્તારો છે. અહીં 2.01 કરોડ મતદારો હશે. તેમાંથી 10,321 મતદારો શતાયુ થઈ ગયા છે. હરિયાણામાં 10,495 સ્થળોએ 20,629 મતદાન મથકો હશે. મતદારોની સરેરાશ સંખ્યા એક મતદાન મથક પર લગભગ 977 હશે. 125 મતદાન મથકોની કમાન મહિલાઓના હાથમાં રહેશે.

Most Popular

To Top