National

આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય આસામ મુલાકાતનો આજે 21 ડિસેમ્બરે બીજો દિવસ છે. મહત્વના વિકાસ કામોના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદી પર ક્રુઝ યાત્રા કરી. આ ક્રુઝ યાત્રા દરમિયાન તેમણે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ હેઠળ આસામના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા બાળકો સાથે વાતચીત કરી. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષા અંગેના ડર, તણાવ અને ભવિષ્યના લક્ષ્યો વિશે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું.

પીએમ મોદીએ ત્રણ ડેકવાળા MV ચરાઈદેવ-2 ક્રુઝ પર લગભગ 45 મિનિટ સુધી 25 વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. તેમણે કહ્યું કે પરીક્ષા જીવનનો અંત નથી પરંતુ જીવનમાં આગળ વધવાનો એક રસ્તો છે. આત્મવિશ્વાસ રાખીને મહેનત કરવાથી સફળતા જરૂર મળે છે.

આ કાર્યક્રમમાં કામરૂપ મેટ્રોપોલિટન, મોરીગાંવ, ડિબ્રુગઢ, કચર, બક્સા, દિમા હસાઓ, કોકરાઝાર, ગોલાઘાટ, કાર્બી આંગલોંગ, નલબારી સહિત 12 જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવ્યા હતા.

પીએમ મોદીએ પરીક્ષા પે ચર્ચા પછી શહીદ સ્મારકની મુલાકાત લીધી. જ્યાં તેમણે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે 1985ના આસામ આંદોલનના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાને આંદોલનના પ્રથમ શહીદ ખડગેશ્વર તાલુકદારની પ્રતિમાને હાર પહેરાવ્યો. 6 વર્ષ લાંબા આંદોલનના 860 શહીદોની યાદમાં અહીં હંમેશા દીવો પ્રગટી રહ્યો છે.

આજના દિવસે વડાપ્રધાન આસામના ડિબ્રુગઢ જિલ્લામાં રૂ 10,600 કરોડના ખર્ચે બનનારા બ્રાઉનફિલ્ડ એમોનિયા-યુરિયા પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. નામરૂપ સ્થિત બ્રહ્મપુત્ર વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડ (BVFCL)ના પરિસરમાં આ નવા ખાતર પ્લાન્ટની શરૂઆત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ શરૂ થતાં આસામ સહિત સમગ્ર ઉત્તરપૂર્વના ખેડૂતોને યુરિયા સરળતાથી મળશે અને ખેતીમાં ખર્ચ ઘટશે.

શિલાન્યાસ કાર્યક્રમ બાદ પીએમ મોદીએ જનસભાને સંબોધન કરવાનું પણ નક્કી છે. તેઓ વિકાસ યોજનાઓ અંગે લોકો સાથે પોતાની વાત રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે માર્ચ-એપ્રિલમાં આસામ વિધાનસભાની ચૂંટણી યોજાવાની સંભાવના છે. ચૂંટણી પહેલા પીએમ મોદીની આ મુલાકાતને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આસામ પ્રવાસ દરમિયાન શનિવારે પીએમ મોદીએ ગુવાહાટીમાં રૂ 5,000 કરોડના ખર્ચે બનેલી લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નવી ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું.

પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને બ્રહ્મપુત્ર નદી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે અને બે દિવસ માટે ફેરી સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.

Most Popular

To Top