એક દિવસ રવિવારે રાત્રે યુવાન પૌત્ર નિહાર બોલ્યો, ‘અરે, મને તો મન્ડે આવવા પહેલાં જ મન્ડે બ્લુ પરેશાન કરવા માંડે છે… રવિવારે રાત્રે જ કાલે ઓફીસ જવું પડશે ..ફરી આખું અઠવાડિયું કામ કરવું પડશે. આ વિચારોથી એકદમ કંટાળો આવે છે. એમ થાય છે કે બધું છોડીને દૂર ભાગી જાઉં …’ દાદા બાજુમાં જ સોફા પર બેઠા બેઠા નિહારની બડબડ સાંભળતા હતા.ધીમેથી બોલ્યા, ‘તો ભાગી જા …તને કોણે બાંધી રાખ્યો છે કે પકડી રાખ્યો છે …’નિહાર બોલ્યો, ‘દાદા, શું તમે કેવી વાત કરો છો ..આ જોબ કેટલી મહેનતે મળી છે અને જીવન જીવવા માટે કામ તો કરવું જ પડે ને…’
દાદા બોલ્યા, ‘અરે વાહ ..હમણાં બડબડ હતી અને હવે વળી આટલી સારી ડહાપણભરેલી વાત ..જો ખબર જ છે કામ કરવું મહત્ત્વનું છે તો બડબડ શું કામ થવી જોઈએ…ઉલટું કામ પર જવાની હોંશ થવી જોઈએ..સમજાયો… નહિ તો ક્યાંક કૈંક ખોટું છે …કદાચ તારા વિચારો ખોટા છે …કદાચ તારું કામ તને નથી ગમતું ..કદાચ તને કામ કરવાની જગ્યા કે કંપની કે સાથીદારો નથી ગમતાં….’ નિહાર બોલ્યો, ‘દાદા એવું બધું તો હોય …બધાને બધું જ મનગમતું ન પણ મળે, પણ કામ તો કરવું જ પડે…ગમે કે ન ગમે …કામ કરવાની હોંશ હોય કે ન હોય..’દાદા બોલ્યા, ‘બેટા, સારી વાત છે કે તારામાં સમજ છે…
ચલ હું તને એક એવી વાત સમજાવું કે એ દિશામાં તું વિચારશે તો તને તારું કામ બોજ નહિ લાગે અને જો તેમ વિચાર્યા બાદ પણ કામ બોજ લાગે તો તારે કામ બદલવાની તૈયારી રાખવી પડશે કારણ કે બોજ ઉપાડીને તું જલ્દી થાકી જઈશ ..જયારે હોંશથી કામ કરીશ તો થાકીશ જ નહિ.’નિહાર બોલ્યો, ‘સમજાવો દાદાજી ..’ દાદાજીએ કહ્યું, ‘જો બેટા સૌથી પહેલાં તો તારા આ બધા વિચારો ખંખેરી નાખ…આવતી કાલે કામ પર જવાની આજથી કપડાં અને બેગની તૈયારી કરી લે, સ્કુલમાં હોંશથી કરતો હતો તેમ ….પછી જયારે તૈયાર થઈને તું કાલે સવારે કામ પર જવા નીકળે ત્યારે રસ્તામાં આખું અઠવાડિયું કામ કરવું પડશે તેવા વિચાર દૂર રાખજે અને જાતને પ્રશ્ન પૂછજે કે ‘આજે હું શું નવું શીખીશ …
મને કયો નવો અનુભવ મળશે? આ સવાલ પૂછીશ તો તેના જવાબ તને કામ પર જવાની હોંશ આપશે ….અને બીજી એક ખાસ વાત જો થોડો વખત આ સવાલોના જવાબ હોંશ ન જગાડે તો પછી પોતાને પ્રશ્ન પૂછજે , ‘શું આ કામમાં મને જે શીખવા મળે છે તે મને આનંદ આપે છે …શું હું આ શીખવા માંગું છું? ’જવાબ હા આવે તો શીખતો રહેજે, આગળ વધતો રહેજે, પણ જો જવાબ ના આવે તો તારે નવું કામ શોધવું પડશે, જેમાં નવું શીખવું અને અનુભવ મેળવવો તને મનથી આનંદ આપે.’દાદાજીએ પોતાના અનુભવથી નિહારને સાચી સમજ આપી.
– – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.