નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે વધુ એક ચક્રવાતને લઈ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. વાવઝોડુ આસની થોડાં જ કલાકોમાં આંદામાનમાં ભારે તબાહી મચાવી શકે તેવી શક્યતા છે. આંદામાનમાં ભારે વરસાદ અને ઝડપી પવન પણ ફુંકાઇ શકે છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તર આંદામાન સમુદ્ર પરનું ઊંડું દબાણ મંગળવારે ચક્રવાતી વાવાઝોડામાં પરિણમી શકે છે અને બુધવારે મ્યાનમારના થાંડવે કિનારાને પાર કરી શકે છે. તે સોમવારે ઉત્તર આંદામાન સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બન્યું હતું અને 13 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું હતું. ભારતીય સમયાનુસાર, સાંજે 5:30 વાગ્યે આંદામાન ટાપુઓમાં માયાબંદરથી લગભગ 120 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં અને મ્યાનમારમાં થાંડવે કિનારાથી 570 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત હતું.
12 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના
IMD એ સોમવારે રાત્રે 8:30 વાગ્યે જારી કરેલા બુલેટિનમાં જણાવ્યું હતું કે, આગામી 12 કલાક દરમિયાન તે વધુ તીવ્ર બનીને ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. એક વાર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થયા બાદ શ્રીલંકાના સૂચન મુજબ હવામાન પ્રણાલીનું નામ ‘આસની’ રાખવામાં આવશે. IMD એ કહ્યું કે, તે આંદામાન ટાપુઓથી લગભગ ઉત્તર તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને 23 માર્ચના પ્રારંભિક કલાકો દરમિયાન થાંડવે (મ્યાનમાર) ની આસપાસ 18 ડિગ્રી અને 19 ડિગ્રી અક્ષાંશો વચ્ચે મ્યાનમારના દરિયાકાંઠાને પાર કરશે.
ખરાબ હવામાનના કારણે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ
વાવાઝોડાને લઈ આંદામાનમાં NDRFના લગભગ 150 જવાનોને તૈનાત કરાયા છે. ઉત્તર અને મધ્ય આંદામાન અને દક્ષિણ આંદામાન જિલ્લાઓમાં રાહત શિબિરો શરુ કરવામાં આવ્યા છે. જ્યાં નીચાણવાળા અને પૂરની સંભાવનાવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, આંતર-ટાપુ ફેરી સેવાઓ સ્થગિત કરવામાં આવી છે અને ખરાબ હવામાનના કારણે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. ટાપુના વિવિધ ભાગોમાં છ રાહત શિબિરો ખોલવામાં આવી છે. લોંગ આઇલેન્ડમાં સવારે 8:30 વાગ્યા સુધી 131 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે પોર્ટ બ્લેરમાં 26.1 મીમી વરસાદ નોંધાયો હતો. કેન્દ્રશાસિત પ્રદેશના ત્રણેય જિલ્લામાં કંટ્રોલ રૂમ પણ ખોલવામાં આવ્યાં છે. હવામાન કાર્યાલયે આગામી બે દિવસ માટે તમામ પ્રવાસન અને માછીમારી પ્રવૃત્તિઓને સ્થગિત કરવાની સલાહ આપી છે. માછીમારોને સોમવારે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને સોમવાર અને મંગળવારે આંદામાન સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.