હાંગઝોઉ: એશિયન ગેમ્સમાં (Asian Games) પહેલાથી શરૂ થયેલી ફૂટબોલ (Football) અને વોલીબોલ (Volleyball) સ્પર્ધામાં ભારત માટે દિવસ મિશ્ર રહ્યો હતો, એક તરફ ભારતીય પુરૂષ વોલીબોલ ટીમે શાનદાર પ્રદર્શન કરીને મંગળવારે અહીં કંબોડિયાને 3-0થી હરાવ્યું હતું તો બીજી તરફ પૂરતી તૈયારી વગર ત્યાં પહોંચેલી ભારતીય ફૂટબોલ ટીમને પ્રથમ ગ્રુપ મેચમાં યજમાન ચીન સામે 1-5થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
- એશિયન ગેમ્સ : ભારતની વોલીબોલ ટીમ જીતી, ફૂટબોલ ટીમ હારી
- કંબોડિયા સામે 3-0થી જીતીને ભારતીય પુરુષ વોલીબોલ ટીમની વિજયી શરૂઆત
- પૂર્વ તૈયારી વગર પહોંચેલી ભારતીય ફૂટબોલ ટીમને ચીને 5-1થી હરાવી
વોલીબોલમાં ભારતે પૂલ સીની મેચમાં નીચલા ક્રમાંકિત કંબોડિયાને 25-14, 25-13, 25-19થી હરાવ્યું હતું. ભારતીય ટીમ હવે બુધવારે વર્લ્ડ રેન્કિંગમાં 27મા ક્રમે રહેલા સાઉથ કોરિયાના આકરા પડકારનો સામનો કરશે. હાંગઝોઉ ગેમ્સમાં પુરુષોની વોલીબોલમાં કુલ 19 ટીમો ભાગ લઈ રહી છે. જાપાન, ચીન અને દક્ષિણ કોરિયાને સ્પર્ધાની ત્રણ સૌથી મજબૂત ટીમો માનવામાં આવે છે. 1958માં ટોક્યોમાં એશિયન ગેમ્સમાં પ્રથમ વખત વોલીબોલનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ભારત ત્રીજા સ્થાને રહ્યું હતું. ભારતીય પુરુષ ટીમે આ રમતમાં અત્યાર સુધીમાં ત્રણ મેડલ જીત્યા છે. ટીમ 1962માં બીજા ક્રમે રહી હતી જ્યારે 1986માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ તરફ ફૂટબોલમાં ચીન માટે, તાઓ કિઆંગલોંગ (72મી અને 75મી મિનિટ) એ બે ગોલ કર્યા જ્યારે જિયાઓ તિઆની (17મી મિનિટ), ડાઈ વેઈજુન (51મી મિનિટ) અને હાઓ ફેંગ (90મી અને બે મિનિટ) એ એક-એક ગોલ કર્યો. થાકેલી અને તૈયારી વિનાની ભારતીય ટીમ માટે એકમાત્ર ગોલ રાહુલ કેપી (45 વત્તા એક મિનિટ) દ્વારા કરવામાં આવ્યો હતો, જે કદાચ મેચનો શ્રેષ્ઠ ગોલ હતો. જો કે, ભારતની ત્રીજી ક્રમાંકિત ટીમે પ્રથમ 45 મિનિટમાં ખિતાબના દાવેદાર ચીન સામે જોરદાર ટક્કર આપી હતી. ભારતીય ગોલકીપર ગુરમીત સિંહ ચહલે આ સમયગાળા દરમિયાન પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું અને વિરોધી કેપ્ટન ઝુ ચેન્જીની પેનલ્ટી કિકને પણ રોકી હતી.
વર્લ્ડકપમાં સુપરસ્ટાર રજનીકાંત ‘સ્પેશિયલ ગેસ્ટ’, BCCIએ આપી ગોલ્ડન ટિકિટ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ મંગળવારે સુપરસ્ટાર રજનીકાંતને ગોલ્ડન ટિકિટ એનાયત કરી હતી, જેનાથી તેઓ આવતા મહિને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) વર્લ્ડકપમાં ‘ખાસ મહેમાન’ બનશે. આ ટિકિટને કારણે આ પીઢ અભિનેતા સ્ટેડિયમમાં કોઈપણ અવરોધ વિના પ્રવેશ કરી શકશે. બીસીસીઆઇએ તેના તેના ‘X હેન્ડલ’ પર એક ફોટો શેર કરીને કહ્યું હતું કે સચિવ જય શાહે દિગ્ગજ અભિનેતાને ‘ગોલ્ડન ટિકિટ’ આપી છે. બીસીસીઆઇએ લખ્યું હતું કે અમને એ જણાવતા આનંદ થાય છે કે આઇસીસી વર્લ્ડકપ 2023 દરમિયાન થલાઈવા (રજનીકાંત) અમારા ખાસ મહેમાન હશે. તે પોતાની હાજરીથી ક્રિકેટની સૌથી મોટી ઈવેન્ટમાં આકર્ષણ જમાવશે.